સાપુતારા, ધનોરીનાકા (ગણદેવી): (Saputara) વઘઇથી બીલીમોરાને (Vaghai Bilimora) જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન (Narrow gauge train) 4 થી સપ્ટેમ્બરથી વિધિવત રીતે પ્રારંભ થવાની કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જાહેરાત કરાતા ડાંગવાસીઓમાં આંનદ વ્યાપી ગયો છે. કોરોનાની મહામારીમાં ખોટ સાલતી હોવાનું કારણ દર્શાવી મુંબઈ રેલવેએ (Mumbai Railway) બંધ કરી દીધી હતી. ટ્રેનને પુન શરૂ કરવા માટે આંદોલન, ધરણા સહિત અનેક રજુઆતો કરવામાં આવી હતી. જેને પગલે ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. આવનારા દિવસોમાં પ્રકૃતિની વચ્ચેથી ફરી છુક છુક ગાડીની સવારી લોકોને જોવા મળશે. એટલું જ નહીં આ ટ્રેનની સફરનો લ્હાવો ફક્ત પ્રવાસીઓને જ નહીં પરંતુ સ્થાનિકોને પણ મળશે. એટલું જ નહીં આ ટ્રેનમાં એસી કોચ પણ હશે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં ગાયકવાડનાં શાસનકાળમાં ઇમારતી લાકડા સહિત અન્ય માલસામાન વહન માટે ખનીજ કોલસા ઉપર સંચાલિત વઘઇથી બીલીમોરાને જોડતી નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. બાદમાં કોરોનાની મહામારીમાં આ નેરોગેજ ટ્રેન ખોટ સાલતી હોવાનું કારણ દર્શાવી મુંબઈ રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવી હતી. વઘઇથી બીલીમોરાને જોડતી ઐતિહાસીક નેરોગેજ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા દક્ષિણ ગુજરાતમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. શાસક અને વિપક્ષ સહિત સ્થાનિક આગેવાનો દ્વારા આ ટ્રેનને પુન શરૂ કરવા માટે આંદોલન, ધરણા સહિત અનેક રજુઆતો કરવામાં આવી હતી. બાદમાં આ રજુઆતોનાં પગલે થોડા દિવસ પૂર્વે વલસાડ રેલવે વિભાગ દ્વારા વઘઇથી બીલીમોરાને જોડતી નેરોગેજ ટ્રેનનાં એન્જિનની ટ્રાયલ અને બાદમાં બોગી સાથે ટ્રાયલ મારતા આ ટ્રેન ફરી શરૂ થવાની આશા જીવંત બની હતી.
તેવામાં જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા વઘઇથી બીલીમોરાને જોડતી સ્પેશિયલ ટ્રેન વિધિવત રીતે 4 સપ્ટેમ્બરથી ચાલુ થશે તથા આ ટ્રેનમાં એસી કોચ પણ હશે જેનો પ્રવાસીઓ લાભ લઈ શકશે. ટ્રેન ફરી શરૂ કરવાની જાહેરાત કરતા ડાંગવાસીઓમાં આંનદની લાગણી વ્યાપી જવા પામી છે. વઘઇથી બીલીમોરાને જોડતી ઐતિહાસિક ટ્રેનને ફરી ચાલુ કરવા માટે સ્થાનિક આગેવાનોની રજુઆતોની મહેનત રંગ લાવતા આવનારા દિવસોમાં પ્રકૃતિની વચ્ચેથી ફરી છુક છુક ગાડીની સવારી લોકોને જોવા મળશે તથા આ ટ્રેનની સફરનો લ્હાવો પ્રવાસીઓ સહિત સ્થાનિકોને મળશે.