આણંદ: વડતાલ મંદિરના દર્શને ગયેલી આધેડ મહિલાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ 2018માં નોધાઈ હતી. જે મામલે ગત રોજ સુનાવણી થતાં આરોપી વિરોધી પુરાવા રજૂ થતાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ખેડામાં રહેતી એક 60 વર્ષીય આધેડ મહિલા તા. 25 ઓક્ટોબર 2018ના રોજ પોતાની દેરાણી સાથે વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. ત્યાં દેરાણીને કોઈ કામસર મોડુ થવાનું હોવાથી તે એકલા જ ઘરે પરત જવી માટે નીકળી હતી.
આ દરમિયાન વડતાલથી સીધું ખેડાનું વાહન ન મળતાં તેઓ નરસંડા ચોકડી નેશનલ હાઈ-વેનં 8 પર પહોંચ્યાં હતાં, ત્યારે આરોપી કિરીટ બારોટ ઉર્ફે ધૂમે ખેડા જતો હોવાનું કહીને મહિલાને લિફ્ટ આપી હતી.
ખેડા જતી વખતે રસ્તામાં અંધારૂ થતાં કિરીટે રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી હતી અને મહિલાની સાડી ખેંચીને તેના હાથ-પગ બાંઘીને મોંઢા ડૂચો મારી માર માર્યો હતો. ત્યારબાદ સામરખા સીમ સહિત અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં, નરાધમે આ મહિલાને ખેતરમાં ઢસડીને લઈ જઈ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો અને મહિલાને પહેરેલી કડીઓ સહિત પૈસા ચોરી લીધા હતા.
આ ઘટના અંગે ચકલાસી પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજણ્યા શખ્સ વિરોધી IPC કલમ 394,376(2),506, 504 અને 511 મુજબનો ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપીનું નામ કિરીટ બારોટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગતરોજ આ કેસની સુનાવણી નડિયાદના એડિ. સેસન્સ ન્યાયાધીશ ડી.આર.ભટ્ટની કોર્ટમાં થઈ હતી. જેમાં આરોપી વિરુદ્ધના પુરાવા સાબિત થતાં તેને આજીવન કોર્ટની સજા ફટકારી હતી. સાથે જ 10 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા વધારવાની હુકમ કર્યો હતો. આ ઉપરાંત 376ના ગુનામાં 5 વર્ષની કેદની સજા સાથે 5 હજાર રૂપિયાનો દંડ, અને જો દંડ ન ભરે તો 1 વર્ષની સજા કરી હતી.