વડોદરા: (Vadodra) લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક (Lake) ઝોનમાં બોટમાં (Boat) સવારી કરી રહેલ 27 લોકો ડૂબવાની હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. બોટમાં શાળાના બાળકો અને શિક્ષકો સવાર હતા. બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફર મચી ગઈ હતી. દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહીત 14 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. સમી સાંજે ઘટેલી ઘટના બાદ સમગ્ર શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો. બોટની ક્ષમતા 14 લોકોની હતી તેની સામે 27 લોકો બેસાડ્યા હોવાની માહિતી સામે આવી છે. બોટમાં સવાર લોકોને લાઈફ જેકેટ વગર બેસાડ્યા હોવાની બેદરકારી પણ સામે આવી છે.
- મોટનાથ લેક ઝોનમાં સવારી કરી રહેલ બોટ પલ્ટી, શિક્ષિકાઓ સહિત 16ના મોત
- 27 વધુ બાળકો અને શિક્ષકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ નો કાફલો પહોંચ્યો બચાવ કામગીરી હાથ ધરી
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા લેક ઝોનમાં મોટી હોનારત થઈ છે. સ્કૂલના 23 બાળકો અને 4 શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તંત્ર દોડતું થયું હતું. તળાવ ખાતે લોક ટોળાં ઉમટી પડ્યા હતા. તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષિક સહિત 14ના મોત થયા છે. મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી મોટનાથ લેક ઝોનમાં લવાયા હતા. જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફેરવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન એકાએક બોટ પલટી ખાઈ જતા બાળકો અને શિક્ષિકો સહિત 27 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 14ના મોત થયા હોવાની માહિતી મળી છે.
બુમરાણ મચતા જ સ્થળ પર લોક ટોળાં ઉમટી પડ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તળાવમાં ફાયર બોટ ઉતારી ડૂબેલા બાળકો અને શિક્ષિકાઓને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો પણ લેક ઝોન તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. બનાવની ગંભીરતા પારખી જિલ્લા કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા, ડેપ્યુટી મ્યુ. કમિશ્નર, સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો કેયુર રોકડીયા, મનીષા વકીલ શૈલેષ મહેતા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. 27 પૈકી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.તો બાકીના 2 વિદ્યાર્થીઓની શોધખોળ આરંભી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા એનડીઆરએફની ટીમનો સંપર્ક કરવામાં આવતા તેઓ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક તરફ વિદ્યાર્થીઓના વાલીઓનો આક્રંદ જોવા મળ્યો હતો તો બીજી તરફ તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું હતું.
નોંધનીય બાબત છે કે વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. સુરસાગર તળાવ ખાતે વર્ષો અગાઉ બનેલી આવી જ એક દુર્ઘટનામાં 22 વ્યક્તિઓ ડૂબી ગયા હતા. 11 ઓગષ્ટ 1993 માં સુરસાગરમાં બોટ પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં 38 વ્યક્તિઓ ડૂબ્યા હતા જે પૈકી 22 વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાએ આખા વડોદરામાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યાર બાદ ડૂબી જવાની આ સૌથી મોટી હોનારત બની છે. આજની ઘટનાએ 1993ની ઘટનાને પણ યાદ કરાવી દીધી હતી.
કસુરવારો સામે કડક પગલાં ભરવામાં આવશે
દુર્ઘટનામાં 14 વ્યક્તિઓના મોત નિપજ્યા છે જેમાં કસુરવારો સામે કડક રહે પગલાં ભરવા ઉપસ્થિતો દ્વારા એકસૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા આ હોનારત માટે જવાબદારને બક્ષવામાં નહિ આવે તેમ જણાવવામાં આવ્યું હતું. તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આટલી મોટી બેદરકારી સામે સવાલો ઉભા કર્યા હતા. અને બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં નહિ આવ્યા ઉપરાંત કેપેસીટી કરતા વધુ બાળકોને બેસાડવામાં આવ્યા તે મોટી બેદરકારી ગણાવી હતી અને આ અંગે સરકારમાં પણ રજુઆત કરવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
ઘટના પર દુખ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.