વડોદરા: યુવાનોમાં બહાર જવાનો ક્રેઝ હાલના સમયે ખૂબ જોવા મળી રહ્યો છે. નોકરી (Job) અર્થે તેમજ ભણતર (Study) અંગે વિદ્યાર્થીઓ પોતાના શહેર વતનથી દૂર જાય છે. જેથી કરી તેઓ પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવી શકે. પણ શું આ વિદ્યાર્થીઓ જે તે જગ્યાએ શિક્ષણ મેળવી રહ્યાં છે કે નોકરી કરી રહ્યાં છે તે જગ્યા તેઓ માટે કેટલી સેફ તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. વડોદરાનો એક વિદ્યાર્થી પોતાના સપનાઓને પૂર્ણ કરવા તેમજ માતા પિતાને એક સારી લાઈફ આપવા માટે ભણવા માટે બેંગલુરુ તો ગયો પણ તેના ભણતર પછી ફેરવેલ પાર્ટીમાં જે થયું તે સાંભળીને તમારે પણ કંપારી છૂટી જશે તેમજ આ ધટનાએ અનેકો સવાલ પણ ઉભા કર્યા છે.
વડોદરાના વારસિયા વિસ્તારના ગોસાઇ મહોલ્લામાં રહેતા હરીશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તેઓની પત્ની ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે જ્યારે તેઓની પુત્રી શાળામાં અભ્યાસ કરે છે. તેઓના મોટા પુત્ર ભાસ્કર જેટ્ટીએ મિકેનિકલ એન્જિનયરનો અભ્યાસ કરવા માટે બેંગલુરુ રેવા યુનિવર્સિટીમાં એડિમશન લીધું હતું. છેલ્લાં 4 વર્ષથી તે ત્યાં જ હતો. જો કે તેનું ભણતર પૂર્ણ થઈ ગયું હતું. પણ ફેરવેલ પાર્ટીના દિવસે લગભગ 1000 વિદ્યાર્થીઓની વચ્ચે તેને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેનો વિડીયો તેના પિતરાઈ ભાઈએ શુટ કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેની હત્યા થઈ હોવાની પણ ભાસ્કરના પરિવારે કહ્યું છે. ભાસ્કરને ચપ્પુના ઘા કોણે માર્યા અને તેની હત્યા થઈ કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પરિવારના દીકરાને આ રીતે જાહેરમાં હત્યા થયાની જાણ થતા જ જેટ્ટી પરિવાર બેંગલુરુ જવા રવાના થયો હતો અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાસ્કરના કાકા વિનોદ જેટ્ટીએ કહ્યું કે અમે અમારાં બાળકોને આ રીતે બહારગામ મોકલીએ છીએ તો તેની સુરક્ષાનું શું? અમારો ભાસ્કર કર્ણાટકના બેંગલુરુમાં અભ્યાસ કરવા ગયો હતો તો શું કર્ણાટક સરકારની કોઈ જવાબદારી થતી નથી? તેમજ તેઓએ આ કેસ ગુજરાત સરકારને આપવા માટે માગ કરી છે. તેઓએ ભાસ્કર અંગે કહ્યું કે તેનું ભવિષ્ય ઉજ્જ્વળ હતું અને તેણે લંડન જવું હતું. તેની નોકરી પણ ફાઈનલ થઈ ગઈ હતી અને આ રીતે તેની હત્યા થઈ ગઈ. આ ખૂબ જ ખોટું થયું છે. કોલેજમાં જ હત્યાની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભય ફેલાયો છે.