Gujarat

બરોડા મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓના મહીસાગર નદીમાં ડૂબી જવાથી મોત, 12 વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા ગયા હતાં

વડોદરા: (Vadodra) સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં (Mahisagar River) વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર વિદ્યાર્થીઓનું ગ્રુપ મહી નદીમાં ન્હાવા ગયા હતા જે પૈકી એક વિદ્યાર્થીની (Students) અને એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના (S G Hospital Medical College) બીજા વર્ષમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ રસૂલપુર ગામે પિકનિક કરવા ગયા હતા.

મહીસાગર નદીને કિનારે બરોડા મેડિકલ કોલેજના​​​​​​ સ્ટુડન્ટનું એક ગ્રુપ​ પિક્નિક મનાવવા માટે ગયું હતું. શનિવારે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા. આ ગ્રુપની એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. મોતને ભેટેલી સિદ્ધિ શાહ અને અમોઘ શાહ ન્યૂ મેડિકલ હોસ્ટેલમાં રહેતાં હતાં અને એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. બંને મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે, જેમના પરિવારજનોને તેમના મોત વિશે જાણ કરાઈ હતી. 

મેડિકલ કોલેજના 12 તબીબી સ્ટુડન્ટસનું ગ્રુપ લાછનપુર પાસેથી પસાર થતી મહી નદીમાં ન્હાવા ગયું હતું. દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને તેમાં ત્રણ વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા હતા. બીજા અનેક વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા. પરંતુ પાણીમાં દૂર સુધી ગયેલા વિદ્યાર્થીઓ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. ગ્રામજનોએ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. નદીમાં ડૂબી રહેલા એક વિદ્યાર્થીનો જીવ ગામલોકોએ બચાવી લીધો હતો. વિદ્યાર્થીઓનું મોત નીપજતાં સાથી સ્ટુડન્ટો સહિત બરોડા મેડિકલ કોલેજમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. 

મહી નદીના વહેતા પાણીમાં તણાઇ રહેલા સ્ટુડન્ટોએ બચાવો…બચાવો..ની બુમરાણ મચાવતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતાં, જેમણે એક સ્ટુડન્ટને બચાવી લીધો હતો, જ્યારે સિદ્ધિ શાહ અને અમોઘ ગોયલ ઊંડા પાણીમાં ગરક થઇ જતાં લાપતા થઇ ગયાં હતાં. લગભગ એક કલાકની જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યાં હતાં. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં. જોકે, ડૂબી ગયેલાં બંને સ્ટુડન્ટ સયાજી હોસ્પિટલમાં પહોંચે એ પહેલાં તેમનું મોત નીપજ્યું હતું.

લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જવાથી અત્યારસુધીમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદીકિનારે ઊંડા પાણીમાં ન જવા માટેની સૂચના આપતાં બોર્ડ પણ લગાવાયાં છે. આમ છતાં પિક્નિક મનાવવા જતા લોકો નદીના ઊંડા પાણીમાં નાહવા માટે ઊતરે છે અને મોતને ભેટતા હોય છે. 

Most Popular

To Top