ગાંધીનગર: ભારે વરસાદના (Rain) કારણે મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે આજે યોજાનાર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ થઈ જતાં ભકતો નિરાશ થઈ ગયા હતા. આજરોજ સોમવારે સવારથી જ મોટી સંખ્યામાં ભકત્તો અહીં ઓગણજ મેદાનમાં આવી પહોંચ્યા હતા. જો કે પાણી ભરાઈ જવાના કારણે તથા ભારે વરસાદના કારણે મંડપને પણ નુકસાન થવા પામ્યું હતું.
બીજી તરફ બાબાનો હવે રાજકોટમાં પણ વિરોધ છે. ખાસ કરીને રાજકોટમાં રામદેવપીર ચોકડીએ લગાવેલા બાબાના બેનરો કોઈએ ફાડ્યા હતા. મોડી રાત્રે બાગેશ્વરધામ સેવા સમિતિ દ્વારા લગાવવામાં આવેલા દિવ્ય દરબારના બેનરો ફળવામાં આવ્યા છે. કોઈ અજાણ્યા તત્વોએ બાબાના પોસ્ટરો તથા બેનો ફાડી નાંખતા વિવાદ થયો છે. આજે ઓગણજમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો હતો તે સ્થાને પાણી ભરાઈ ગયા હતા. જયારે સમગ્ર મંડપની વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. ભકતો તો, સવારથી જ આવી પહોંચ્યા હતા. તેમ છતાં મંડપ ફાટી ગયેલો હતો. જેના કારણે દિવ્ય દરબારના આયોજકોએ આજનો કાર્યક્રમ રદ કરી દીધો હતો.
હવે વડોદરામાં 3જી જૂને બાબાનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાઈ રહયો છે. તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડોદરાના નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. આ દરબારમાં દોઢ લાખ લોકો આવી શકે તેવી વ્યવસ્થા છે. અગાઉ 75 હજાર લોકો માટેનું આયોજન હતું.દિવ્ય દરબારમાં 15 હજાર ખુરશીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. પરંતુ માત્ર 3 દિવસમાં ખુરશી પર બેસવાનું રજિસ્ટ્રેશન પૂરું ફૂલ થઈ ગયું હતું, જેથી ખુરશીની સંખ્યા વધારી 20 હજાર કરી હતી. સોશિયલ મીડિયા પર બાબાના દિવ્ય દરબારનો પ્રચાર પણ જોરશોરથી ચાલી રહયો છે.