વડોદરા: વડોદરાના (Vadodara) સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયમાં સંતોના બે જૂથ વચ્ચે ચાલતી માથાકૂટ આજે સવારે હિંસક બની હતી. વડોદરાના છાણીમાં (Chani) આવેલા સ્વામીનારાયણ મંદિરમાં (Swaminarayan Temple) આજે શનિવારે સવારે મંદિરના કોઠારી સ્વામી (KothariSwami) તાળું બદલી રહ્યાં હતાં ત્યારે જુના વહીવટકર્તાઓએ ત્યાં પહોંચી જઈ મગજમારી કરી હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર જીભાજોડી થઈ હતી.
દરમિયાન એક આધેડને ધક્કો લાગી જતા તેઓ મંદિરની બહાર ફેંકાઈને જમીન પર પડ્યા હતા. આધેડને ઈજા થતા તેઓએ ત્યાં જ જીવ ગુમાવ્યો હતો. જેના લીધે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં થયેલા ઝઘડામાં દિનેશ પુરુષોત્તમ વણકરનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. હોસ્પિટલમાં દિનેશભાઈના પરિવારજનો દોડી ગયા હતા. એસીપી ડી.જે. ચાવડાએ કહ્યું કે, હાલ મોતની ઘટના અંગે તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરાશે.
છાણી સ્વામીનારાયણ મંદિરનું સંચાલન હાલ વડતાલની સંસ્થા કરે છે. અગાઉ મંદિરનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે મંદિરના કોઠારી સ્વામીની તરફેણમાં હુકમ કર્યો હતો. આજે કોઠારી સ્વામી બાલસ્વામી મંદિરમાં તાળુ બદલવા જતા ઝઘડો થયો હતો. દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જ્યંતી પરમાર, રમેશ પરમાર અને અન્ય 5 ઈસમોએ તેમની પર હુમલો કર્યો હતો.
શું છે સમગ્ર વિવાદ?
મંદિરનો વિવાદ વર્ષો જુનો છે. રેવન્યુ વિભાગ પાસેથી વિગતો મેળવવામાં આવશે. સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાઈ રહ્યાં છે. ઝઘડો કરનાર લોકોએ મંદિરમાં ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનો આક્ષેપો થઈ રહ્યાં છે. ત્રણ મહિના પહેલાં લેન્ડ ગ્રેબિંગનો કલેક્ટરમાં કેસ કરાયો હતો. મંદિર તરફથી આક્ષેપ કરાયા છે કે એક વર્ષથી પોલીસ બંદોબસ્ત આપતી નથી.
મૃતકના પક્ષના લલિત પરમારે કહ્યું કે, આ વડતાલ સંસ્થાની જગ્યા છે. મંદિરનું સંચાલન વડતાલ સંસ્થા જ કરે છે. દિનેશ મિસ્ત્રીએ જમીન પચાવી પાડવા અરજી કરી છે, જે નામંજૂર થઈ છે. મંદિરના વહીવટ માટે વડતાલ સંસ્થાએ પત્ર પણ લખ્યો છે. એક વર્ષ અગાઉ છાણી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. દિનેશ મિસ્ત્રીને વહીવટ કરવો છે તેથી તે વિવાદો કરતો રહે છે.