Vadodara

ગવર્નન્સ થીમમાં વડોદરાની GIS દેશભરમાં પ્રથમ

વડોદરા : સ્માર્ટ સિટી અંતર્ગત શહેરોમાં કરવામાં આવતી કામગીરીનું મૂલ્યાંકન કરીને કરાયેલ કામગીરીમાં ક્રમાંક આપવામાં આવે છે. ત્યારે વડોદરા મહનગર પાલિકા  દ્વારા કરવામાં આવેલ જીઓગ્રાફીકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અંતર્ગત કરવામાં  આવેલ કામગીરીને દેશભરમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. જીઆઈએસ હેઠળ મહાનગરપાલિકા વિવિધ ખાતાઓ અને શાખાઓની લોકેશન બેઝ માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડોદરાની જીઆઈએસની ખાસિયત છે કે મિલકતના ડિજિટાઇઝેશન માટે વેરી હાઈ રિઝોલ્યુશનની સેટેલાઇટ ઇમેજિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આખી સિસ્ટમ વેબ બેઝડ જીઆઈએસ પ્લેટફોર્મ પર ડેવલોપ કરવામાં આવી છે અને વિવિધ સિસ્ટમો સાથે ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. જેના પગલે ડીસીઝન સપોર્ટ સીસ્ટમની ઉપયોગીતા પણ મળે છે.

 ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કન્ટેસ્ટ-૨૦૨૦ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ગવર્નન્સ થીમમાં જીઆઇએસ (જીઓગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ)ને 100 શહેરોમાંથી પ્રથમ સ્થાને ઇનામ મળ્યું છે. બીજા સ્થાને થાણા અને ત્રીજા નંબરે ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. આ સિલેક્શન ત્રણ રાઉન્ડમાં થાય છે. જેમાં ઓનલાઇન સિટી પ્રેઝન્ટેશન તથા સિસ્ટમ ડેમોન્સ્ટ્રેશન વગેરે જોયા બાદ કેન્દ્રીય કમિટી દ્વારા ફાઇનલ સિલેક્શન કરવામાં આવેલ છે.

 વડોદરાને મળેલા આ એવોર્ડ અંગે મેયર કેયુર રોક્ડીયાએ જણાવ્યું હતું કે, વડોદરા પાલિકાના જીઆઇએસ પ્રોજેક્ટમાં વડોદરાની સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કરી અલગ અલગ 75 જેટલા યુટિલિટી લેયરના ડિજિટલ ડેટાબેઝ બનાવવામાં આવ્યા છે. જેમાં રોડ નેટવર્ક, ગટર અને વરસાદી પાણીની લાઇન, ગેસ લાઇન, ટી.પી. યોજના, ફાયર સ્ટેશન, સી.સી.ટી.વી. કેમેરા, સ્કૂલ, યુપીએચસી, ટેલિ કોમ્યુનિકેશન ટાવર્સ વગેરેનો સમાવેશ કરેલ છે. જીઆઇએસ સિસ્ટમથી લોકેશન આધારિત માહિતી સરળતાથી મેળવી શકાય છે, તેથી જીઆઇએસને નિર્ણય લેવા માટે સપોર્ટ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવેલ છે. તેમજ બીજી ઘણી બધી સિસ્ટમની ઉપયોગિતામાં વધારો થયેલ છે. મિલકત વેરાની ટેગિંગ, વોટર ડિમાન્ડ, ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના રૂટ પ્લાનિંગ, કુદરતી આફતો જેમ કે પૂર, અતિવૃષ્ટિમાં વિવિધ નકશા મેળવી શકાય છે અને આ દિશામાં નાગરીકોને વધુ સુવિધા મળે તથા સેવાઓને વધુ સરળ અને ઝડપી પુરી પાડવા આગામી દિવસોમાં પણ વડોદરા મહાનગર પાલિકા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

કોવીડ-19 રોગચાળામાં પોઝિટિવ કેસો અને કન્ટેઈનમેન્ટ ઝોનની માહિતી, હોસ્પિટલ બેડની રીયલ ટાઈમ ઇન્ફોરમેશન, શોર્ટેસ્ટ ટ્રાવેલ ડિરેકશન અને ડિસ્ટન્સ સાથે નાગરિકજનોને પુરી પાડવામાં આવી હતી. સિસ્ટમના ઉપયોગીતાના પરીણામ સ્વરૂપે જીઆઇએસ સિસ્ટમને કેન્દ્ર સરકાર લેવલ પર સરાહના મળેલ છે. સમારોહમા સંસદ સભ્ય સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી,મંત્રી  વિનુ મોરડીયા, ચીફ સેક્રેટરી  મુકેશકુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.   કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી તથા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે વડોદરા પાલિકાને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ સ્વીકરવા માટે વડોદરાના મેયર કેયુર રોક્ડીયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હીતેન્દ્રભાઇ પટેલ,  મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ અને ડે.મ્યુનિ.કમિશનર  એસ.કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top