છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતની હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદને પગલે અનેક લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટ ગુરુવારે સતત પાંચમા દિવસે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે. તેવામાં વડોદરામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વડોદરાનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં વડોદરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ચારેબાજુ પાણી દેખાઈ રહ્યું છે. વીડિયોને જોતા સ્પષ્ટ થાય છે કે ઘણા ઘરો અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે. આ પૂર જેવી સ્થિતિ વચ્ચે એક મગર ઘરની છત પર પડેલો જોવા મળે છે. કેમેરામેને મગરને ઝૂમ કરીને વીડિયોમાં બતાવ્યો. ઘણા લોકો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
વડોદરામાં રહેણાંક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે મગર
વડોદરામાં પૂરના કારણે સૌથી વધુ તબાહી થઈ છે. વડોદરામાં તો સર્વત્ર પૂર જ દેખાઈ રહ્યું છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. તો અનેક લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. રસ્તાઓ પર કેટલાય ફૂટ પાણી વચ્ચે લોકો પોતાના ઘરની બહાર ટ્રેક્ટરમાંથી જરૂરી સામાન લેવા માટે આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં બનેલા મકાનો અને દુકાનોમાં પૂરના પાણી ઘુસી ગયા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી વહી રહ્યું છે. નદીમાં રહેતા મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં લોકોના જીવ જોખમમાં મુકાયા છે. લોકોને પાણીના ભરાવા સાથે મગરનો ભય પણ સતાવી રહ્યો છે.