વડોદરાઃ પાદરાના મૂજપૂર ખાતે પૂલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આવી પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા આદેશોને પગલે આ ટીમ સવારથી જ આવી પહોંચી હતી.
અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આવી પહોંચી
તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે સરકારની સૂચના
માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિમાં મુખ્ય ઇજનેર સી.પટેલ અને એન. કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે.એમ.પટેલ, એમ.બી.દેસાઈ ઉપરાંત એન.વી. રાઠવા પણ આ ઉચ્ચસ્તરીય તપાસમાં જોડાયા છે. બીજી તરફ વહેલી વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓ વહેલી સવારે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો. વહેલી સવારે એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો.

આજના ઓપરેશન દરમિયાન ડૂબેલા વ્યક્તિ અને વાહનોની શોધખોળ ઉપરાંત રસાયણ ભરેલા ટેન્કરથી કોઈ નુકસાન ના થાય એ બાબતને અગ્રતા આપવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.