વડોદરા: વડોદરા (Vadodara) જિલ્લાના પાદરાના (Padra) મહુવડ ગામ નજીક આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં (Vision Pvt Ltd. Company) ગત મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી ભીષણ હતી કે તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદ્દનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
- વડદોરા જિલ્લાના પાદરા નજીક એક કંપનીમાં લાગી ભીષણ આગ
- બ્લાસ્ટના ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
- આગ કાબૂમાં ન આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યા
- 6 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી
- કેમિકલના કારણે આગ ઝડપથી પ્રસરી
- 6 કલાક સતત ચાલેલી આગના કારણે કંપની સંપૂર્ણ બળીને ખાખ
- ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા સામે
મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગે કરવામાં આવી હતી. પાદરા અને આસપાસની કંપનીઓના ફાયરબ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટે આવી પહોંચી હતી. પરંતુ આગ એટલી ભયાનક હતી કાબૂમાં આવી રહી ન હતી. જેથી તાત્કાલિક બનાવ અંગે મેજર કોલ જાહેર કર્યો હતો. તેથી વડોદરાથી રાત્રે 2 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ પણ આગ બૂઝાવવા માટે પહોંચી હતી.
કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ
વિઝન કંપની મુખ્યત્વે કેમિકલ બનાવતી કંપની હતી.બલાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ હોવાના કારણે આગે જોત જોતામાં વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેમિકલના કારણે આગ સમગ્ર કંપનીમાં ફેલાઇ ગઇ હતી અને આગને કારણે કેમકલના જથ્થામાં વારંવાર બ્લાસ્ટ થઇ રહ્યા હતા. તેથી ફાયર વિભાગ પહોંચે તે પહેલા કંપની બળીને ખાખ થઇ ગઇ હતી.
6 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી
કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે વડોદરા સહિત સ્થાનિક ફાયરબ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઇને જાનહાનિ થઈ હોવાના અહેવાલ સાંપડ્યા નથી.