SURAT

વડોદરામાં પકડાયેલી ડ્રગ્સ ફેક્ટરીના કેસમાં સુરત પોલીસ વરાછાના સાડીના વેપારીને ઉઠાવી ગઈ

સુરત: વડોદરાના સાવલી નજીકના મોક્સી ગામમાંથી એટીએસ દ્વારા મંગળવારે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે. આ કેસમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક સાડીના વેપારીનું નામ ઉછળ્યું છે. સુરતના મોટા વરાછાના ઉતરાણ વિસ્તારમાં આવેલા માર્વેલ લક્ઝરીયા નામના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ નામના આ વેપારીને પોલીસ 2 દિવસ પહેલાં જ અડધી રાતે ઊપાડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ શખ્સને પોલીસ કેમ ઉઠાવી ગઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. તેની પત્ની પણ અજાણ છે. બે દિવસથી મહેશ સાથે કોઈ સંપર્ક થઈ રહ્યો ત્યારે મહેશની વડોદરાની ડ્રગ્સ ફેક્ટરી કેસમાં સંડોવણી હોવાની વાત બહાર આવતા તેની પત્ની અને પાડોશીઓ ચિંતિત છે.

42 મહેશના અઢી વર્ષ પહેલાં જ વિધવા સાથે લગ્ન કર્યા હતા. મહેશ સાડીનો વેપાર કરે છે તેટલું જ જાણતી તેની પત્ની મહેશના અન્ય ધંધા વિશે અજાણ છે. તેની પત્નીની કેફિયત અનુસાર બે દિવસ પહેલાં રાત્રે પાંચેક લોકો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા અને મહેશને લઈ ગયા હતા ત્યારથી તેમનો કોઈ સંપર્ક નથી.

તમને જણાવી દઈએ કે મંગળવારે સાવલી તાલુકાના મોકસી નેક્ટર કેમ પ્રાઇવેટ લી નામની કંપનીમાં કરોડો રૂપિયાનું શંકાસ્પદ એમ ડી ડ્રગ્સ ગુજરાત એટીએસ અને વિવિધ ટીમ દ્વારા દરોડા પાડીને સીઝ કર્યું છે. અહીંના ભાદરવા પંથકમાં આવેલા નેક્ટર કેમ નામની કંપનીમાં વિપુલ માત્રામાં એમ.ડી ડ્રગ્સના જથ્થાનો સંગ્રહ કરી ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ઘુસાડવામાં આવનાર હોવાની માહિતી ગુજરાત એટીએસને મળી હતી. જેને પગલે એટીએસએ દરોડો પાડ્યો હતો. આ દરોડોમાં એટીએસએ કંપનીમાં ઇથેનોલ અને એમડી ડ્રગ્સ બનાવવામાં વપરાતા તમામ પદાર્થોનો આશરે 200 કિલો જેટલો જથ્થો સિઝ્ડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આ મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1200 કરોડ જેટલી થાય છે. હાલમાં એટીએસ તેમજ પોલીસ સહિત 100 જેટલા અધિકારી અને કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે કાર્યવાહી કરી રહ્યા છે. તપાસમાં સાવલી મામલતદાર પણ જોડાયા હતા. બનાવના પગલે સમગ્ર જિલ્લામાં ચાર મચી જવા પામી હતી જ્યારે આજુબાજુના રહીશો પણ કંપની ખાતે દોડી આવ્યા હતા.

દોઢ વર્ષ પહેલા પિયુષ પટેલ અને તેના ભાગીદારોએ જમીન ખરીદી નેકટર કેમ પ્રા.લી.ના નામથી કંપની શરૂ કરી હતી
સાવલી તાલુકાના મોકસી ની સીમમાં સર્વે નંબર 307 પૈકી એક વાળી જમીનમાં અગાઉ બ્લોક બનાવતી કંપની હતી જેને દોઢ વર્ષ અગાઉ જ પિયુષ પટેલ અને તેમના અન્ય બે પાર્ટનરોએ આ જમીન ખરીદી હતી અને નેકટર કેમ પ્રાલી નામે કંપની ચાલુ કરી હતી. જે મૂળભૂત રીતે ફાર્માસ્યુટિકલ બનાવતી કંપની છે. આ કંપનીમાં હાલમાં પણ કન્સ્ટ્રકશન કામ ચાલુ છે. કંપનીની બહાર બોર્ડ પણ કામચલાઉ ધોરણે લગાડવામાં આવ્યા હતું.

સાવલીના મોક્સીમાંથી પકડાયેલા ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં સૌથી વધુ હોવાની સંભાવના
સાવલી તાલુકાની મોકસી ગામમાં ઝડપાયેલ પ્રતિબંધિત ડ્રગ્સ મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. કદાચ ગુજરાતમાં સૌથી મોટો જથ્થો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પડેલા દરોડામાં અંકલેશ્વર અને અંકલેશ્વરથી મોકસી ગામ સુધી રેલો પહોંચ્યો હતો. ગુજરાત એટીએસના ડીઆઈજી વડોદરા જિલ્લા પોલીસવડા એલસીબી એસઓજી સહિતની ટીમો આ દરોડામાં જોડાઈ હતી.

10 વર્ષ પહેલા પણ સખા ઓર્ગેનિક્સ નામની કંપનીમાંથી ડ્રગ્સ પકડાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે 10 વર્ષ અગાઉ સખા ઓર્ગેનિક્સ નામની કંપનીમાં પણ મેથ્માઈન નામના પ્રતિબંધિત પદાર્થના ઉત્પાદન માટે એનસીબીની ટીમે દરોડો પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું. મોડી રાતથી ચાલતા આ દરોડામાં 60 થી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર મુદ્દામાલની સાચી કિંમત જાણવા મળી નથી.

Most Popular

To Top