વડોદરા: આજે શુક્રવારે સાંજે 6 વાગે જિલ્લા તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીનો દેકારો શાંત થઈ જશે તે સાથે પ્રચાર માટે શહેરો, ગામો અને નગરોમાં ખાટલા પરિષદોનો પ્રારંભ થશે.ખૂબ જ ઓછા સમય દરમિયાન પ્રચાર કાર્ય સંપન્ન કરવાનું હોવાથી થાકને લીધે ઉમેદવારો અને ટેકેદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો. આજે આખા દિવસ દરમિયાન તમામ ઉમેદવારોએ છેલ્લા ઘડીના પ્રયાસરૂપે માર્ગો પર રેલીઓ કાઢી હતી.
આગામી 28મી તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. ત્યારે બહારગામથી આવેલા ઉમેદવારોના ટેકેદારોએ વિસ્તાર છોડી દેવો પડશે. સાંજે છ વાગ્યા પછી તેઓ રોકાયેલા જણાશે તો તેમના સામે આચારસંહિતાને અનુલક્ષી કાર્યવાહી થઈ શકે છે.
ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાની સાથે ભાજપ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઘેરઘેર ફરી પ્રચાર કરશે. મહોલ્લા, ખડકીઓમાં ગ્રુપ મીટીંગો કરી મતદારોને છેલ્લી ઘડી સુધી રીઝવવાના પુરેપુરા પ્રયાસ કરવામાં આવશે.
પ્રલોભનો પણ આપવામાં આવશે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મતદારોને લોભ લાલચ આપી તેમના મતો અંકે કરવા ઉમેદવારો અને તેમના ટેકેદારો એડીચોટીનું જોર લગાવશે. વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે 104 ઉમેદવારો, તાલુકા પંચાયતની 168 બેઠકો માટે 447 ઉમેદવાર અને નગરપાિલકામાં 6 વોર્ડમાટે 24 બેઠકો ઉપર 53 ઉમેદવારો પાદરામાં છ વોર્ડ 24 બેઠક 71 ઉમેદવાર, ડભોઈમાં નવ વોર્ડ 35 બેઠક અને 95 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી આચાર સંહિતાના અમલ શરૂ થતાંની સાથે જ પ્રચાર કાર્ય બંધ કરવું ફરજિયાત છે એટલે ઉમેદવારો તેમના ટેકેદારો અને કાર્યકરો મતદારોને યેનકેન પ્રકારે પ્રલોભનો આપવા અનેક રાગ-રસ્તા અપનાવશે. શામ-દામ-દંડ-ભેદની તમામ નીતિ અજમાવવા ઉમેદવારો સહેજ પણ કચાશ નહીં રાખે.