Vadodara

દાહોદ: ગરબાડામાં ટ્રક-રીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોને કાળ ભરખી ગયો, એક ગંભીર

દાહોદ: દાહોદમાં (Dahod) ગરબાડા-અલીરાજપુર હાઇવે (Highway) ગોઝારા અકસ્માતમાં (Accident) મરણચીસોથી ગુંજી ઉઠ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગરબાડાના પાટીયાઝોલ તળાવ પાસે ટ્રક-રીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોને કાળ ભરખી (Death) ગયો, એક ગંભીરજમીન સંબંધી બાબતે કોર્ટની તારીખે હાજરી આપવા એક જ કુટુંબના 6 વ્યકતિઓ કાળના ખપ્પરમાં હોમાતા સમગ્ર ઝરીબુઝર્ગ ગામ હિબકે ચઢ્યો હતો.

ગરબાડા તાલુકાના પાટિયાઝોલ તળાવના વળાંક પર આજરોજ વહેલી સવારે ટ્રક અને ઓટોરિક્ષા જોશભેર ટક્કર થતા રાજકોટ થી ગરબાડા મુકામે જમીન સંબંધી બાબતે કોર્ટમાં તારીખે હાજરી આપવા આવેલા એક જ કુટુંબના છ વ્યક્તિઓ કાળના ખપ્પરમાં હોમાઈ જતા સમગ્ર હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. મરણ જનાર હતભાગીઓ મૃતદેહો વેરવિખેર તેમજ હાઇવે પર લોહીલુહાણ અવસ્થામાં નજરે પડ્યા હતા. વહેલી સવારે બનેલી હૃદય કંપાવનારી ઘટનામાં એક જ કુટુંબના 4 પુરુષો એક મહિલા તેમજ બાળકનું મૃત્યુ થતા સમગ્ર ઝરીબુઝર્ગ ગામમાં માતમની સાથે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

જોકે બનાવની જાણ વાયુવેગે પંથકમાં થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવ બાદ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ક્ષય વિક્ષય હાલતમાં પડેલા મૃતદેહોનો કબજો લઇ પીએમ અર્થે ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી હાઇવેને ખુલ્લું કરી આ બનાવ સબંધે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ઝરી બુજુર્ગ ગામના ગુદરડી ફળિયાના એક કુટુંબના (૧)નરેશભાઈ કેશુભાઈ કટારા ઉ.વર્ષ.૩૫, (૨)પવનભાઈ કેશુભાઈ કટારા(ઉ.વર્ષ.૩૨),(૩)રાઘવભાઈ પવનભાઇ કટારા(ઉ.વર્ષ ૯), (૪)મુકેશભાઈ મૂડીયાભાઈ કટારા(ઉ.વર્ષ ૩૮), (૫) કેવનભાઈ ઈશ્વરભાઈ કટારા(ઉ.વર્ષ ૨૨)(૬) રેખાબેન ઈશ્વરભાઈ કટારા (ઉ.વર્ષ ૩૨) સહિતના વ્યક્તિઓ થોડાક સમય પહેલા રાજકોટ મુકામે મજૂરી અર્થે ગયા હતા. અને તેઓનો જમીન સંબંધી મામલે કોર્ટમાં કેસ ચાલતો હોય ગતરોજ કોર્ટ મુદતમાં હાજરી આપવા માટે રાજકોટ થી ગરબાડા આવવા નીકળ્યા હતા અને આજે વહેલી સવારે દાહોદ બસ સ્ટેશન પર ઉતર્યા હતા જ્યાં તેમના જ ગામનો રીક્ષા ચાલક પહેલેથી જ રિક્ષા લઈને હાજર હતો.

જે બાદ ઉપરોક્ત પરિવાર પરીક્ષામાં સવાર થઈ પોતાના ઘરે જવા નીકળ્યો હતો. પરંતુ એમને ક્યાં ખબર હતી કે તેઓની આ છેલ્લી સફર હશે. ઉપરોક્ત હતભાગી પરિવારની રીક્ષા ગરબાડા તાલુકાના પાટિયાઝોલ તળાવ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે સામેથી અલીરાજપુર તરફથી આવતી કાળમુખી ટ્રક વચ્ચે જોશભેર ટક્કર થતા સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ઉપરોક્ત એક જ કુટુંબના છ વ્યક્તિઓના પ્રાણ પખેરૂ ઘટના સ્થળે ઉડી જવા પામ્યા હતા. વહેલી સવારે બનેલા આ ગોઝારા બનાવમાં સમગ્ર હાઇવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.જેમાં સ્થળ પર મરણ પામેલા છ હતભાગીઓના મૃતદેહો ક્ષય વિક્ષય હાલતમાં પડેલા મૃતદેહો જોવા મળતા ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.જયારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જોકે ઘટના બાદ ભેગા થયેલા લોકોએ પોલીસને જાણ કરતા થોડીક વારમાં પહોચેલી પોલીસે મરણ જનાર વ્યક્તિઓના મૃતદેહો કબજો લઇ પીએમ અર્થે ગરબાડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી હાઇવેને ખુલ્લું કરી આ બનાવ સબંધે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top