વડોદરા: ચૈત્રી નવરાત્રીની નવમીને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવમા દિવસે નોરતા ની પુર્ણાહુતી થાય છે. હિન્દુઓ દેવતા અને મર્યાદા પુરુષોત્તમ તરીકે જેમની ઓળખ છે એવા ભગવાન શ્રીરામની જન્મજંયતિ નિમિત્તે શહેરના વિવિધ રામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટેલી જોવા મળી હતી. બપોરે બાર વાગ્યાના ટકોરે સમગ્ર શહેરમાં “જય શ્રી રામ ”ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યુ હતું. અને મહા આરતી સહિત પ્રસાદી વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત શ્રીરામની વિરાટ પ્રતિમા સાથે લાખોની જનમેદની સાથે ભગવાન શ્રીરામ શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રામાં રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. નવરાત્રીના નવમા દિવસે સહિતના લોકો પણ જાેડાયા હતા. નૌમના દિવસે માતાજીની આરાધના માટે નો પણ વિશેષ દિવસ માનવામાં આવે છે. વિવિધ માઈ મંદિરોમાં પણ ભક્તોની ભીડ સાથે નવચંડીના યજ્ઞ અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું.મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ દિવસને હિન્દુ એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે રામ નવમીનો તહેવાર ઉજવી ન શક્યા હોવાથી આ વર્ષે ભક્તોમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણીનો અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. શહેરના વિવિધ રામ મંદિરોમાં બરોબર બપોરના 12ના ટકોરે ભગવાન શ્રીરામનો જયઘોષ ગૂંજી ઊઠયો હતો. અને ભક્તોએ ભગવાન શ્રી રામજન્મના વધામણાં કર્યા હતા. કેટલાક સ્થળોએ 1008 દિવડાની મહા આરતી પણ યોજાઈ હતી. મોટાભાગના મંદિરો રામ ભક્તોથી ઉભરાયા હતા .ભગવાનના જન્મ બાદ તેમને પંજરી, સૂકો મેવો, બુંદી, મોહનથાળ, કેસરી દૂધ, ફળો સહિતના ભોગ ધરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝુલાવવામાં આવ્યા હતા.