Comments

વડોદરા અકસ્માત – નિયમો, મૂલ્યો, અને સુરક્ષાનાં ઉંડા સવાલો

વડોદરામાં લૉનો અભ્યાસ કરતા વીસ વર્ષના રક્ષિત ચોરસિયાએ બેફામ ગાડી ચલાવી અકસ્માત કર્યો જેમાં એક મહિલાએ પોતાનો જીવ ખોયો અને અન્ય સાત વ્યક્તિ ઘાયલ થયા. સોશ્યલ મીડિયા પર આ વીડિયો તરત ફરતો થઇ ગયો જે ઘણા લોકો એ જોયો. એ સાથે જ પુણેની પોર્શ ગાડીના અકસ્માતની તેમજ અમદાવાદની જેગુઆર ગાડીના અકસ્માતની ઘટના યાદ આવી ગઈ. પુણેમાં સત્તર વર્ષના વેદાંત અગ્રવાલે પોર્શ ગાડી પુરપાટ હાંકી બે જુવાન લોકોને અડફેટે લીધા હતા. એના થોડા સમય પહેલા અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ઓગણીસ વર્ષના તથ્ય પટેલના બેફામ ડ્રાઈવિંગને કારણે નવ જણ મૃત્યુ પામ્યા. ત્રણે ઘટનામાં સામ્ય છે.

ત્રણેય વાહન ચાલક લબર મૂછિયા જુવાન છે. તેમના હાથમાં આધુનિક હાઈ સ્પીડ ગાડીનું સ્ટીઅરીંગ હતું. દારુ કે ડ્રગનાં સેવનની અસર હેઠળ તેઓ ગાડી લઈને શહેરના રસ્તા પર નીકળ્યા હતા. તેમના દિલોદિમાગ પર છવાયેલા નશાને સંકુચિત અર્થમાં ન જોવો જોઈએ. કારણકે નશો માત્ર દારુનો જ નથી હોતો – ખુબ ઝડપે ચાલતા વાહનનું સ્ટીઅરીંગ હાથમાં હોવાનો પણ હોય છે. ગુનો કર્યા પછી પણ છૂટી જવાની શક્યતાનો પણ હોય છે. આર્થિક અને રાજકીય તાકાતનો અહેસાસ ઘમંડ સાથે સાથે નશો પણ કરાવે છે. રક્ષિત ચોરસિયાએ પોલીસ સ્ટેશનમાં જ મીડિયા સાથે વાત કરી.

આટલા મોટા અકસ્માત પછી ૨૦ વર્ષનો નવયુવાન જે સ્વસ્થતાથી વાત કરી રહ્યો હતો તેમજ શાંત કલેજે કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી રહ્યો હતો એ ચોકાવનારું હતું. એ ભલે કાયદાનો વિદ્યાર્થી હોય એટલે કાયદો જાણતો હોય, પણ એ માત્ર વીસ વર્ષનો છે. જે રીઢાપણું જિંદગીની થપાટો ખાઈને આવે તે એના વર્તનમાં અત્યારથી દેખાય છે, જે દેશમાં વિશેષાધિકાર ભોગવતા વર્ગના સમાજ પ્રત્યેના અભિગમ અંગે કશુંક કહી જાય છે.

વડોદરાનો કેસ કેટલાક મહત્વના પ્રશ્નો ઉભા કરે છે – એક, કોલેજમાં ભણતા વીસ વર્ષના વિદ્યાર્થી પાસે ડ્રગ્સ કેવી રીતે આવ્યું? ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યાની જે વાયકાઓ સંભળાય છે તે શું સાચી છે? કાયદો-વ્યવસ્થા શું કરે છે? બે, દેશમાં આર્થિક-રાજકીય વગ સાથે વિશેષાધિકાર ભોગવતા વર્ગના બાળકો કયા નૈતિક મુલ્યો સાથે જીવી રહ્યા છે? એમના બિનજવાબદાર વર્તન માટે જેટલી માતા-પિતાની જવાબદારી છે એટલી જ એમને પોષતી વ્યવસ્થાને જવાબદાર ગણીશું કે નહીં? ત્રણ, ટ્રાફિકના નિયમોના પાલન અને કાયદાના અમલ માટે આપણે ક્યાં સુધી બેદરકાર રહીશું? કાયદાનો અમલ નથી થતો ત્યારે ‘ચાલે’, ‘કાંઈ નહિ થાય’વાળી ભાવના હાવી થાય છે જે આપણા રસ્તાઓને સૌથી અસુરક્ષિત બનાવે છે. ૨૦૧૦થી ૨૦૨૧ સુધી વિશ્વમાં રોડ અકસ્માતમાં મરનારની સંખ્યામાં ૫ ટકાનો ઘટાડો થયો પણ, આ જ સમય દરમ્યાન ભારતમાં લગભગ ૧૫ ટકા જેટલાં વધુ લોકો અકસ્માતમાં માર્યા ગયા!

જો દેશમાં સૌથી વધુ કોઈ કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો એ ટ્રાફિકના કાયદા છે, કારણકે એ અંગે ખાસ પગલાં લેવાતા જ નથી તેમજ એમાંથી છટકવું પણ ખૂબ સહેલું છે. દિન પ્રતિદિન જ્યારે નવા નવા વાહનો આપણા રસ્તા પર ઠલવાયા જ જતા હોય ત્યારે ટ્રાફિકનાં નિયમો માટેની ઉદાસીનતા કેવી રીતે ચાલે? ૨૦૨૪નાં એક જ વર્ષ દરમ્યાન ભારતમાં આશરે ૧,૮૦,૦૦૦ લોકો રોડ અકસ્માતમાં જીવ ખોયો. રોડ અકસ્માતમાં મારનારનાં ૬૦ ટકા લોકો ૧૮ થી ૩૪ વર્ષની વયના હોવાનું પરિવહનમંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું હતું. એટલે કે આપણે આપણા યુવાનોને ગુમાવીએ છીએ. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે વિશ્વભરમાં રોડ અકસ્માતમાં માર્યા જનારમાંથી ૯૨ ટકા લોકો ગરીબ અને મધ્યમ આવક વાળા દેશોના છે, જ્યાં રોડ ઓછા સુરક્ષિત છે અને કાયદાના અમલની કોઈને ખાસ પડી નથી! ભારતમાં થતાં રોડ અકસ્માત પર એક અભ્યાસ થયો જેના તારણ મુજબ મોટાભાગના અકસ્માત ઝડપથી અને બેફામ રીતે વાહન ચલાવવાને કારણે થાય છે. નશો કરીને વાહન ચલાવનારની સંખ્યા ઘણી મોટી છે. દિલ્હીમાં થયેલા એક સર્વેમાં ૮૦ ટકા લોકો એ કબુલ્યું કે તેમણે ક્યારેકને ક્યારેક નશો કરીને વાહન ચલાવ્યું છે.

એક તરફ ટ્રાફિકના કાયદાનું ખુલે આમ ઉલ્લંઘન છે. મોટા અને ટેકનિકલી અત્યંત સુસજ્જ વાહનોની તુમાખી છે જે કોઈને પણ હડફેટે લઇ સડસડાટ વાહન ચલાવે છે તો બીજી તરફ બસ/ ટેમ્પો કે રીક્ષામાં ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરીને નીકળતા વાહનો છે. ઘણીવાર જેની માવજત પણ સમયસર થતી નથી હોતી અને ડ્રાઈવર પણ બે-ત્રણ શિફ્ટમાં કામ કરી થાકેલી અવસ્થામાં જ ગાડી હાંક્યે જાય છે જે અકસ્માત નોતરે છે. સ્વાભાવિક છે કે અભ્યાસો બતાવે છે કે અકસ્માતોનું મોટું ભારણ ગરીબ વર્ગના ભાગે આવે છે. મૃત્યુ પામનાર કે ઘાયલ થનાર અસરગ્રસ્તમાં પગે ચાલતા જનાર, સાયકલ સવાર, બસમાં મુસાફરી કરનાર કે ટુ વ્હીલર ચલાવનારની સંખ્યા ઘણી મોટી છે. અકસ્માતમાં પણ એક વર્ગભેદ દેખાય એ તો કેવું? અત્યારે તો રક્ષિત પોલીસ કસ્ટડીમાં છે. આશા રાખીએ કે એની સામે યોગ્ય કાર્યવાહી થાય જે નશો કરીને વાહન ચલાવનારા સૌ કોઈ માટે આંખ ઉઘાડનારી હોય.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top