વડોદરા: વડોદરાના (Vadodara) ભાયલીના પેટાપરા રાયપુરા (Raipura) ગામે લગ્નપ્રસંગમાં (wedding) ફૂડ પોઇઝનિંગનો (food poisoning) બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક લગ્નમાં જમણવાર બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા. કહેવાય રહ્યું છે કે લગ્નમાં 3 હજાર લોકો હાજર હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર વડોદરાના ભાયલીના પેટાપરા રાયપુરા ગામે એક લગ્નપ્રસંગમાં જમણવાર બાદ લોકોને ઝાડા ઊલટીઓ થતા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે લગ્નમાં મેંગો ડિલાઇટ ખાતા મહેમાનોને આડ અસર થવા લાગી હતી. મેંગો ડિલાઇટ ખાધા બાદ લગભગ 226 લોકોને ઝાડા-ઊલટી તેમજ ઉબકા આવવા લાગ્યા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાયપુર ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢીયારના ઘરે ગઈ કાલે લગ્ન પ્રસંગ હતો. આ લગ્નપ્રસંગમાં ત્રણ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોડી સાંજથી શરૂ થયેલા જમણવારમાં મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ ભોજનની વાનગીઓ હતી. જ્યાં લગ્નમાં લોકોએ દૂધમાંથી બનાવવામાં આવતા મેંગો ડિલાઇટ ખાવાના કારણે આડ અસરો થવા લાગી હતી. મહેમાનોની અચાનક જ તબિયત લથડતા મહેમાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મેંગો ડિલાઈટ ખાવાના કારણે લોકોને અસર થઈ છે.
આ ઘટનાની જાણ થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણ તાત્કાલિક જ સ્થળ ઉપર દોડી ગયા હતાં અને અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવું આયોજન કર્યું હતું. જ્યાં ઘટનાનું નિરક્ષણ કર્યા બાદ મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, રાયપુરા ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં મેંગોલાઇટ સ્વીટ ખાવાના કારણે 226 જેટલા લોકોને ઝેરી અસર થઈ હતી. જ્યાં અસરગ્રસ્તો પૈકી 111 જેટલા લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ, 5 લોકોને પાદરા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.
આ અગાઉ પણ 6 દિવસ પહેલા વડોદરા જિલ્લાના પાદરામાં ડોક્ટર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જ ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. જ્યાં પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ખીર ખાવાને કારણે કાર્યક્રમમાં હાજર 123 લોકોને આડ અસર થઈ હતી. જેમાં બાળકો પણ સામેલ હતા. ખીર ખાવાથી તબિયત બગડતાં તમામને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું.