Comments

વાધર્કય એટલે વધવું: ચાલો વૃદ્ધ થતાં શીખીએ!!!

જીર્ણ થવું એ કુદરતનો અફર નિયમ છે. આ નિયમમાંથી હજુ કોઇ છટકી શક્યું નથી. વૃદ્ધ થવાની ક્રિયાને અનિવાર્ય અનિષ્ટ કહી શકાય. લાખ ઉપાય કરીએ તો પણ ઘડપણ અટકાવી શકાતું નથી. તો પછી એને શા માટે આનંદપૂર્વક, સમજણપૂર્વક સ્વીકારવું નહીં!! ‘વૃદ્ધ’શબ્દનો અર્થ થાય છે ‘વૃદ્ધિ પામેલું’. ‘સમજણ’માં વધેલું !!!

તો ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ. સંયુક્ત કુટુંબમાં રહીને આપણે વૃદ્ધ થતાં શીખીએ, અલગ રહીને કે વૃદ્ધાશ્રમ જેવી કોઇ સંસ્થામાં રહીએ તો પણ વૃદ્ધ થતાં શીખીએ. નવી પેઢી એમ માનતી આવી છે કે તેની પછીની પેઢી તેના જેવી અનુકૂળ, હોંશિયાર અને ઠરેલ નથી અને તેથી જ બે પેઢી વચ્ચેનો સંઘર્ષ ચાલ્યા કરે છે. પરિણામે સંયુક્ત કુટુંબની પ્રથા નબળી પડતી જાય છે. સ્થિતિથી બચવા આપણે અહમ છોડતાં શીખીએ.

વર્ષો સુધી ઘરમાં કે રસોડામાં આપણું ધાર્યું થતું જ આવ્યું છે. આપણને તેની કુટેવ પડી ગઇ છે પરંતુ દીકરો તથા તેની વહુ નાનાં નથી રહ્યાં, જેનો ખુલ્લા દિલે સ્વીકાર કરીએ. આપણું જ ધાર્યું થવું જોઇએ તેવો દુરાગ્રહ છોડીએ. પૂર્વગ્રહ વગર, યુવા પેઢીને સ્વીકારીએ. સુખી થવું હોય તો આંખ આડા કાન કરતાં શીખીએ. ઘરની અન્ય વ્યક્તિઓ વ્યસ્ત હોય તો તેમનાં બેંકનાં કામ કરીએ. ઘરમાં કામ કરીશું તો બધાંને સારાં લાગીશું. આપણાં સંતાનોને કોઇ મળવા આવે તો તેમનું યોગ્ય અભિવાદન કરી પછી ત્યાં જ ચોંટી રહેવાને બદલે બીજા ઓરડામાં જતાં રહીએ.

ઘરની નાની નાની વાતોમાં માથું ન મારીએ. પૂછવામાં આવે તો આપણો અભિપ્રાય જરૂર આપીએ. કંઇ ખોટું થતું હોય તો ટોકીએ. તેમ કરવું આપણી ફરજ પણ છે. પરંતુ તેમ કરવામાં આપણે આપણી વિવેકબુદ્ધિ ન ગુમાવીએ. વડીલ ઉંમરે પ્રેમ અને હૂંફની ઝંખના રહે પરંતુ કુટુંબના માન-સન્માન જોઇતાં હોય તો પહેલાં આપવું પડે!!! આપણા પછીની પેઢી વચ્ચે બાળકો સેતુરૂપ છે. આપણા પછીની પેઢી જો આપણી સાથે અયોગ્ય વર્તન કરશે તો બાળકો તેમને તેમ કરતાં જરૂર અટકાવશે. ઘરમાં સહુના અળખામણાં થઇશું તો વૃદ્ધાવસ્થામાં આપણે જ વધારે સહેવાનું આવશે. માટે પોતાના સ્વાર્થ ખાતર પણ ઘરમાં સંપીને રહીએ.

વૃદ્ધાશ્રમ, નવા જમાનાનો સારો વિકલ્પ છે. સંસ્થામાં રહેવા જતાં આપણી જવાબદારીઓ મર્યાદિત થઇ જાય છે. જો કે વૃદ્ધાશ્રમે જે નિયમો બનાવ્યા હોય તે આપણે પાળવા પડે છે. સમયસર જમી લેવું પડે, સહનિવાસીઓ સાથે હળીમળીને રહેવું પડે છે. વૃદ્ધાશ્રમો કોઇ પણ પ્રકારનું વ્યસન ચલાવી નથી લેતા. આથી વ્યસનો છોડવાં પડે છે. તેમ શારીરિક રીતે આપણે સંપૂર્ણપણે પરવશ થઇ જઇએ ત્યારે વૃદ્ધાશ્રમ છોડવો પડે છે. વડીલોએ પોતાની મિલ્કત જીવતાજીવ વારસદારોને આપી ન દેવી. ધૃતરાષ્ટ્રની જેમ આંધળો પુત્ર-પ્રેમ ન કરીએ. રહેણાંકનું મકાન તો કોઇ કાળે કોઇને ન આપીએ,

જેમ જેમ ઉંમર વધતી જશે તેમ તેમ તબીબી ખર્ચાઓ પણ વધતા જ જવાના છે. આથી ૫૦ વર્ષની ઉંમર પહેલાં જ મેડિકલેમ પોલીસી કઢાવી લેવી ડહાપણભર્યું છે. ખર્ચાળ એલોપેથીને બદલે યોગ, ધ્યાન, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, હોમિયોપથી, આયુર્વેદિક, જેવી પ્રમાણમાં ઓછી ખર્ચાળ કે નિ:શુલ્ક મળતી તબીબી સેવાઓના વિવેકપૂર્ણ ઉપયોગ માટે વિચારતા રહીએ. પૈસાની બચત જ વૃદ્ધાવસ્થામાં સાચો મિત્ર બની રહે છે. સંતાનો પાસે લાચાર થવું પડે તેના કરતાં યુવાનીમાં બચત કરી હશે તો કામમાં આવશે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલ વ્યક્તિએ પોતાની જંગમ મિલ્કત એક નામે રાખવી નહીં. પોતાના નામની સાથે જીવનસાથીનું નામ પણ અવશ્ય રાખવું. સ્થાવર/જંગમ મિલ્કતની માહિતી, હિસાબ, બેંક ખાતાઓની માહિતીથી આપણા જીવનસાથીને વારસદારને પૂરેપૂરા વાકેફ રાખવા કે જેથી હયાતી બાદ તેમને મુશ્કેલી ના પડે.

વૃદ્ધાવસ્થા એટલે ‘બીજું બાળપણ’ કહેવાય છે. વૃદ્ધાવસ્થામાં માણસના ખોરાક માટેના ચટાકા વધતા જાય છે, પરંતુ તેને કાબૂમાં રાખવા પડશે. ઉંમર વધતાં સ્વાભાવિક રીતે જ આપણી રોગપ્રતિકારશક્તિ ઘટતી જવાની છે માટે ખોરાક કાળજીપૂર્વક પસંદ કરવો. રોજિંદા ખોરાકમાંના ઘી, મસાલા, તેલ, તળેલી ચીજોથી દૂર રહેવું. ઉંમરને લીધે પાચનશક્તિ પહેલાં જેટલી ના હોય. ભોજનમાં આપણે ફળફળાદિ તથા સલાડ લેવાનું રાખીએ તો સ્વાસ્થ્ય માટે વધુ સારું છે.

વૃદ્ધાવસ્થામાં પોષક તત્ત્વોવાળો ખોરાક કે દવા લઇએ એટલું નહીં પણ તેના પાચન માટે શક્તિ અનુસાર યોગ, પ્રાણાયામ, આસનો, ચાલવું, હળવેથી દોડવું, હલકું વજન ઉંચકવું ઇત્યાદિ કસરત કરવાનું રાખશો. પાછલી ઉંમરમાં દૈનિક કાર્યો માટે હૃદયની સાથે થોડી ઘણી સ્નાયુઓની મજબુતાઇ પણ જરૂરી છે અને એટલે જ અત્યારે હૃદયના ઓપરેશન કરાવેલી વ્યક્તિને પણ ડૉક્ટર હલકું વજન ઉપાડવાની સલાહ આપે છે. સ્નાયુઓની શક્તિ વજનને કાબૂમાં રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. આજના જમાનામાં મધુપ્રમેહ બહુ સામાન્ય રોગ છે. માનવજાતનો છૂપો દુશ્મન છે. તે પોતાની સાથે બીજા અનેક રોગોને ચુપકીદીથી લેતો આવે છે. મધુપ્રમેહ રોગ થયો હોય તો ગળપણથી દૂર રહેવું.

વજન પ્રયત્નપૂર્વક કાબૂમાં રાખીશું. વૃદ્ધાવસ્થામાં ઢીંચણનાં હાડકાંઓનો ઘસારો હોવો બહુ સામાન્ય વાત છે. જો તમારું વજન વધારે હોય તો ઢીંચણનું ખર્ચાળ ઓપરેશન કરાવતાં પહેલાં વજન ઘટાડવું ફાયદાકારક થશે.વૃદ્ધોએ ખિસ્સામાં નામ, સરનામું, ફોન નંબર, આપણા ડૉક્ટરનો ફોન નંબર, બ્લડ ગ્રુપ વગેરે માહિતી સાથે રાખવી જોઇએ. વર્તમાનમાં જીવીએ, ભૂતકાળમાં આપણને ન ગમતા હોય તેવા અનેક પ્રસંગો બન્યા હોય, પરંતુ ભૂતકાળના કડવા પ્રસંગો ભૂલીને વર્તમાનમાં જીવતાં શીખવાનું છે. વર્તમાનને સાચા અર્થમાં ભોગવવાનો છે !!!

અને છેલ્લી વાત, વસિયતનામું કરી લેવું અત્યંત જરૂરી છે. જીવનસાથીનું હિત સર્વ પ્રથમ જાળવવું. દીકરીને પણ દીકરા જેટલું જ આપતા જઇએ. એક વાર વસિયતનામું બનાવીએ છીએ એટલે તે આખરી વસિયતનામું બની જાય છે એવું નથી. વસિયતનામું બનાવ્યા પછી પરિસ્થિતિ બદલાય તો વસિયતનામું બદલી શકીએ છીએ અને તે પણ ઇચ્છીએ તેટલી વાર. તારીખ પ્રમાણે જે વસિયતનામું છેલ્લે બનાવ્યું હોય તે વસિયતનામું કાયદેસર અમલી બને છે અને તે પહેલાં બનાવેલાં સઘળાં વસિયતનામાં આપોઆપ રદબાતલ ઠરે છે. અંતકાળે ડૉક્ટર ઇજેકશનોના ઘોંચપરોંણા કરે કે નાકમાં ટોટીઓ નાખે તે પસંદ ન હોય તો તે બાબતની મનાઇ આપણા તબીબી વસિયતનામામાં સ્પષ્ટ રીતે જણાવી શકાય છે.

રાખમાં કે માટીમાં મળી જનારા આપણા દેહમાંથી મૃત્યુ બાદ કામમાં આવી શકે તેટલાં અંગોનું દાન કરી શકાય છે. શબના નિકાલ માટે પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે તેવી જો કોઇ પણ રીત હોય તો તે દફન પ્રક્રિયા છે. ભૂમિદાહની રીત પસંદ હોય તો તેનો પણ આપણે તબીબી વસિયતનામામાં ઉલ્લેખ કરવો. વૃદ્ધાવસ્થામાં કેટલા રોગો એવા હોય છે કે તેમાંથી ઊભા થવાની કોઈ શકયતા નથી હોતી. મરતાં મરતાં સગાં સંબંધીઓને મારતાં જઇએ તેવી આર્થિક પરિસ્થિતિમાં ન પડવા જૈન મુનિઓની જેમ વડીલો પણ સંથારો લઇ શકે છે. અંતમાં યાદ રહે, ‘માણસ કેટલું જીવે છે તે નહીં, પણ કેવી રીતે જીવે છે’ તે જ દર્શન જીવનનો સાર છે.
 ડો.નાનક ભટ્ટ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top