Charchapatra

શૂન્યાવકાશ

શૂન્યાવકાશ એટલે જેમાં હવા તત્ત્વનો સર્વથા અભાવ હોય એવું પોલાણ, ‘વેક્યૂમ’. ખાલી સાવ શૂન્ય સ્થાન. માનવજીવનમાં પણ ક્યારેક શૂન્યાવકાશ સર્જાય એવા પ્રસંગો બને છે. આપણે ક્યારે પણ ધાર્યું ન હોય એવું બની જાય, જે તે વ્યક્તિના  જીવનમાં એવી ક્ષણ આવે ત્યારે તે વિચલિત બની જાય. આંખ ભીની થઈ જાય! ઉંમરને કારણે કોઈ સ્વજન ચાલ્યું જાય તો મનને મનાવી શકાય પણ ક્યારેક અણધાર્યું મૃત્યુ ભેટી જાય, અકસ્માતમાં વ્યક્તિ ઘાયલ થાય અને લાંબી સારવાર બાદ સૌને છોડીને ચાલી જાય ત્યારે શૂન્યાવકાશ સર્જાય. કોઈની ખાલી જગ્યા કોઈ પૂરી શકતું નથી. મા-બાપનું એક જ સંતાન હોય અને તે માંદગીને કારણે દુનિયાનાં બંધનોને છોડી ચાલી જાય એ અત્યંત દુઃખદ છે. ક્યારેક કોઈની પત્ની મૃત્યુને ભેટે ત્યારે બાળકોને માતાની ખોટ પડે પણ પતિનું મૃત્યુ થતાં નારીના જીવનમાં મોટો શૂન્યાવકાશ સર્જાય ત્યારે પતિની ખાલી જગ્યામાં, બાળકોની સારસંભાળ સાથે આર્થિક કટોકટીની સમસ્યાનો સામનો કરવો અઘરો થઈ પડે છે. અલબત્ત, વાસ્તવિક્તાને સ્વીકારી આગળ વધવું પડે છે. માનવજીવનમાં અનેક શૂન્યાવકાશ સર્જાતા હોય ત્યારે માનસિક સમાધાન સાથે જીવવાની રીત જ કારગર નીવડી શકે. સર્જાયેલા શૂન્યાવકાશમાં, અણધારી આફતનો સામનો કરવાની રીત અપનાવવી પડે.
નવસારી           – કિશોર આર. ટંડેલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દેશની પ્રત્યેક ઘટના માટે શું એકજ વ્યકિત જવાબદાર?
તટસ્થતા અને નિષ્પક્ષતા કદાચિત્ ચર્ચાપત્રીની સાચી ઓળખ હોઇ શકે. કોઇના શ્રેષ્ઠ કાર્યો બિરદાવવા નહીં અને એના સારા કાર્યો પ્રત્યે ‘આંખ આડા કાન’ કરી સતત એમની નિંદા કરવી એ મનોરૂગ્ણતા કરી શકાય. કોઇ એક જ વ્યકિત પાછળ આદુ ખાઇને પડી જવું યોગ્ય તો ન જ કહેવાય ને? વિદેશ જઇને દેશની બદબોઇ કરનાર માટે કેમ મૌન ધારણ કરવામાં આવે છે? ઘણીવાર ‘દુ:ખે પેટ અને કૂટે માથુ’ જેવી માનસિક પરિસ્થિતિ હોય છે, કરણ તો વિરોધ કરનારા જ જાણે! પરંતુ સ્વયંતા ફાયદા માટે દેશહિત તો નેવે ન જ મુકાય ને! વર્તમાન સમયમાં સમગ્ર દેશ વ્યાપી ભ્રષ્ટાચાર તો છે જ પરંતુ ભૂતકાળના ભ્રષ્ટાચાર પણ નજર અંદાજ ન જ થવા જોઇએ ને? શું દસ વર્ષ દરમિયાન લોકકલ્યાણ ના કાર્યો જ નથી થયા ? દરેક ઘટનામાં શું એક જ વ્યકિત જવબાદરા હોય ? અને કુદરતી આફતમાં કોઇ શું કરી શકે?
સુરત     – એક નાગરિક     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોત
આ સરકારની ઘણી બાબતોની આલોચના થાય છે. ખાસ કરીને ધર્મના નામે ધતિંગ અને પ્રચાર અને પ્રસારમાં સરકાર ખૂબ જ આગળ પડતી છે. પરંતુ સાથે સાથે આ સરકાર સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ સારા પ્રયત્નો કરી રહી છે. શાળામાં ભણતાં હતાં ત્યારથી એવું આવતું હતું કે પેટ્રોલ,ડીઝલ અને અન્ય ઊર્જાના સ્રોત એ થોડાં વર્ષોમાં પૂરાં થઈ જશે. આથી જ્યારે આજે પવન ઊર્જા, સૌર ઊર્જા, પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે સીએનજી અને બેટરી સંચાલિત ઇલેક્ટ્રીકલોને પ્રોત્સાહન આપીને સરકાર જે પ્રયત્નો કરી રહી છે તે સાચે જ સરાહનીય છે. આપણે આપણી આવનારી પેઢી માટે એક સારી અને સ્વચ્છ પૃથ્વી મૂકી જવી હશે તો પૃથ્વીનું વાતાવરણ,હવા, પાણી અને જમીનનાં પ્રદૂષણોને ઓછાં કરવાં પડશે. સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે પણ ઓર્ગેનિક ખેતી અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે તે પણ આવકારદાયક છે. જે બાબતમાં સરકારની આલોચના જરૂરી છે ત્યાં આલોચના અને જે બાબતમાં સરકારની સરાહના જરૂરી છે ત્યાં સરાહના થવી જ જોઈએ એ જ સાચી લોકશાહી છે.
સુરત     – કિશોર પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top