આણંદ : બરવાળા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે રાજ્યપાલ પોતાના રોકાણ દરમિયાન મુખ્ય મંદિર એવં કુંડલેશ્વર મંદિરનાંદર્શન સાથે દરબારગઢ, ગૌશાળા, ઔષધ વાટિકા સહિતનાં સ્થળોની મુલાકાત લેશે. આ દરમિયાન વડતાલધામ દ્વારા પ્રથમ વખત હિન્દી ભાષામાં તૈયાર કરાયેલા ભગવાન સ્વામિનારાયણની પરાવાણી સ્વરૂપ વચનામૃત ગ્રંથ તૈયાર કરાયો છે. જેનું રાજ્યપાલના હસ્તે વિમોચન કરાશે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તા. ૨૫ મી જુલાઇના રોજ રવિવારે સવારે ૧૦ વાગ્યે યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર, કુંડળધામની શુભેચ્છા મુલાકાત લેશે. કુંડળધામના પ્રેરક પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી સાથે રાજયપાલ પ્રાસાદિક સ્થાન એવા કુંડળધામના મુખ્ય મંદિર, કુંડલેશ્વર મહાદેવજી મંદિર તેમજ દરબારગઢ ખાતે દર્શન કરશે. સાથોસાથ લગભગ અઢીસો એકરમાં ફેલાયેલા કુંડળધામના વિશાળ પ્રાકૃતિક સૌંદર્યને માણશે. આ ઉપરાંત તેઓ ગીર ગૌશાળા, ઔષધ વાટિકા સહિતના વિવિધસ્થાનોનું અવલોકન કરશે.
રાજયપાલ તેમના રોકાણ દરમિયાન કુંડળધામના શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના શિષ્ય અક્ષરનિવાસી સંત પૂજ્ય અચલસ્વરૂપદાસજી સ્વામીની સ્મૃતિમાં ૧૧૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિવિધ ગામોથી આવેલા ભક્તોનેવૃક્ષોનું વિતરણ કરશે. આ પ્રસંગે યોજાનાર સભામાં, માનસિક એવં શારીરિક સ્વાસ્થ્યમાં અતિ ઉપયોગી એવા સ્વાસ્થ્ય સુધા પુસ્તકના હિન્દી સંસ્કરણનું વિમોચન રાજ્યપાલ કરશે. જે કુંડળધામ દ્વારા પ્રકાશિત થશે. વડતાલધામ દ્વારા પ્રથમ વખત પ્રકાશિત હિન્દી ભાષામાં તૈયાર થયેલા સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી સ્વરૂપવચનામૃતગ્રંથનું પણ વિમોચન કરશે.