અમદાવાદ : કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઝઝૂમી રહેલા નાગરિકોને એકમાત્ર વેક્સિનેશન સહારો હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન ઉપર જોર આપવામાં આવી રહ્યું છે, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સામાન્ય માણસ સુધી હજુ વેક્સિન પહોંચાડી શકાય નથી. આજે સામાન્ય માણસ વેક્સિન માટે ફાંફા મારી રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં એક હજાર રૂપિયાનો ચાર્જ નહીં તત્કાલ વેક્સિન આપવાનો કાર્યક્રમ શરૂ કરાતા ભારે વિવાદ ઉભો થયો છે. આમ રાજ્યમાં વેક્સિનને લઈને અલગ અલગ નિયમો લાગુ કરાતા સામાન્ય જનતામાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે, સાથે જ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.
અમદાવાદ શહેરના જીએમડીસી મેદાન ખાતે ખાનગી હોસ્પિટલના સહયોગથી 1000 રૂપિયાનો ચાર્જ લઇ તાત્કાલિક વેક્સિન આપવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. બીજી તરફ સરકાર દ્વારા શરૂ કરાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં નીતિ નિયમો નેવે મુકાયા છે. સામાન્ય જનતા રસીના ડોઝ માટે રઝળપાટ કરી રહી છે, ત્યારે વેક્સિન આપવાના મામલે રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નિવડી નીવડી છે.
કેન્દ્ર સરકાર દ્વારા રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર રજીસ્ટેશન વિના રસીકરણ નહીં હોવાનું કહી, રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તો બીજી તરફ પૈસાદાર લોકોને પૈસા ખર્ચીને તાત્કાલિક રસી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ રાજ્ય સરકારના રસીકરણના મુદ્દે અલગ-અલગ નિયમોથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સરકારને રસી મળતી નથી તો પછી ખાનગી હોસ્પિટલ ને કેવી રીતે મળી ?
સમગ્ર દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે, પરંતુ દેશના વિવિધ રાજ્યો પાસે પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ન હોવાથી આ રસીકરણ કાર્યક્રમ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી સીધો જ ડોઝ માગે છે, તેમ છતાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ ડોઝ આપવાની ના પાડી રહી છે. તેવા સંજોગોમાં એક ખાનગી હોસ્પિટલ પાસે આટલી મોટી માત્રામાં ડોઝ કેવી રીતે આવ્યો, અને તેણે 1000 રૂપિયા લઈને તત્કાલ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કર્યો. જો ખાનગી હોસ્પિટલ ડોઝ મેળવી શકતી હોય તો રાજ્ય સરકાર પણ તાત્કાલિક ડોઝ મેળવીને નાગરિકોને રસી આપવી જોઈએ.