કોવિડ-૧૯ રસીઓની બાસ્કેટ વિસ્તારવા અને ભારતમાં રસીકરણની ઝડપ વધારવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે તેણે એવી વિદેશ-નિર્મિત રસીઓને ઇમરજન્સી પરવાનગી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે જે રસીઓને વિશ્વ આરોગ્ય સંગઠન અથવા તો અમેરિકા, યુરોપ, બ્રિટન અથવા જાપાનના નિયંત્રકો દ્વારા આવી જ મંજૂરી અપાઇ ગઇ છે.
આ પગલું નોંધપાત્ર છે કારણ કે તેનાથી દેશમાં ચોક્કસ શરતો સાથે ઘણી રસીઓ ઉપલબ્ધ બનશે, જેમાં ફાઇઝર, મોડેર્ના અને જોહન્સન એન્ડ જોહન્સન કંપનીઓ દ્વારા બનાવાયેલી રસીઓનો સમાવેશ થાય છે.
આવી વિદેશી રસીઓના પ્રથમ ૧૦૦ લાભાર્થીઓને સાત દિવસ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે અને તેમના પરિણામો પછી આ રસીઓને દેશના રસીકરણ કાર્યક્રમમાં શામેલ કરવામાં આવશે એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આને એક નોંધપાત્ર ઘટનાક્રમ અને ઉદાર નિયંત્રક પગલું ગણાવતા નીતિ આયોગના સભ્ય(આરોગ્ય)ડો. વી.કે. પૌલે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ અને અમે ફાઇઝર, મોડેર્ના, જોહન્સન એન્ડ જોહન્સન જેવા રસી નિર્માતાઓને આમંત્રણ આપીએ છીએ… કે તેઓ જેમ બને તેમ ભારતમાં જલ્દી આવવા તૈયાર થાય.
આ રસીઓને ઇમરજન્સી યુઝની મંજૂરી અપાશે જેમાં મંજૂરી પછીની પેરેલલ બ્રિજિંગ ક્લિનિકલ ટ્રાયલ ફરજિયાત હશે, નવા ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, ૨૦૧૯ની જોગવાઇઓ હેઠળ આ રસીઓને લોકલ ક્લિનિકલ ટ્રાયલના સ્થાને આવા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી અપાશે એ મુજબ મંત્રાલયે જણાવ્યું હતું.
કોવિડ-૧૯ની રસી માટેના રસી વહીવટ અંગેના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથની ભલામણો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી ભારતમાં વિદેશી રસીઓની આયાત શક્ય બનશે. હાલમાં ભારતમાં રસીકરણ માટે બે રસીઓ ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની ભારતમાં સીઆઇઆઇ દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસીનો ઉપયોગ થાય છે. જ્યારે કે રશિયન સ્પુટનિક-વી રસીને ગઇકાલે ચોક્કસ શરતો સાથે મર્યાદિત ઉપયોગની મંજૂરી ઔષધ નિયંત્રક દ્વારા અપાઇ છે.