National

ફાઈઝર અને મોડર્ના સહિત વિદેશી વેક્સિનનો ભારત આવવાનો માર્ગ સરળ થયો, ટ્રાયલમાંથી પસાર નહીં થવું પડે

નવી દિલ્હી: (India) દેશમાં કોરોના રસીકરણની (Vaccination) ગતિ વધારવા માટે અમેરિકન કંપની ફાઇઝર અને મોડર્નાને (Pfizer and Moderna) સરકારે મોટી છૂટ આપવાની સંમતિ આપી છે. આ સાથે આ બંને રસીઓને ભારત આવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. અમેરિકન કંપની ફાઇઝર અને સરકાર વચ્ચે કોરોના રસીના ઉપયોગથી સંબંધિત કાયદાકીય ગૂંચવળનું નિરાકરણ આવતુ દેખાઈ રહ્યું છે. સરકારે આ બાબતે સંમતિ આપી છે કે કંપનીને આડઅસર માટે કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. જણાવી દઈએ કે હાલ ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન અને ડોક્ટર રેડ્ડીઝ લેબમાં તૈયાર થઈ રહેલી સ્પૂતનિક V નો ઉપયોગ થઈ રહ્યો છે. 

આરોગ્ય મંત્રાલયને લગતા સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય દેશોએ પણ આ કામ કર્યું છે. અમેરિકન કંપનીની આ માંગને કારણે રસીને મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો હતો. ભારતમાં કોઈ પણ રસી મંજુર થાય તે પહેલાં ફાઈઝરની સ્થાનિક પરીક્ષણના મામલે સરકાર સાથે વાતચીત ચાલી રહી હતી. આમાં કંપનીને પણ છૂટ મળી છે. અગાઉ ફાઈઝરે ટ્રાયલની શરત બાદ ઇમરજન્સી ઉપયોગ બાબતની અરજી પાછી ખેંચી લીધી હતી.

આથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ડબલ્યૂએચઓ (WHO) અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસી (Vaccine) ને ભારતમાં હવે બ્રિજિંગ ટ્રાયલ (Bridging trial) ના તબક્કામાંથી પસાર થવું નહીં પડે. આ વાતની જાણકારી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આપી છે. ફાઈઝર અને મોડર્ના જેવા અનેક રસી નિર્માતાઓએ સરકાર સામે શરતો મૂકી હતી. પરંતુ હવે USFDA, EMA, UK MHRA, PMDA જાપાન કે WHO ની ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ એટલે કે EUL માં સામેલ રસીએ બ્રિજિંગ ટ્રાયલ કરવાની જરૂર નહીં રહે. તેમાં એવી રસીઓ પણ સામેલ હશે જેના પહેલેથી જ લોકો ડોઝ લઈ ચૂક્યા છે.

અમેરિકાની ફાઈઝર અને મોડર્ના કોવિડ -19 રસી ભારતમાં કોરોના વાયરસના વેરિયન્સ સામે અસરકારક હોવાનું જણાયું છે. અમેરિકાના ટોચના ચેપી રોગના નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ કહ્યું હતું કે ન્યુયોર્ક યુનિવર્સિટીના સંશોધનથી બહાર આવ્યું છે કે એમઆરએનએ ટેકનોલોજી પર આધારિત બંને કોરોના વાયરસ રસી મ્યૂટેનના ભય પછી પણ ભારતમાં મળતા વેરિયન્ટનાં સ્પાઇક પ્રોટીનને નષ્ટ કરવા સક્ષમ છે.

Most Popular

To Top