Business

હૉટ સ્પોટ પ્રદેશોમાં તમામ માટે તાત્કાલિક વેક્સિન ઉપલબ્ધ થવી જોઇએ

માર્ચ 24, 2020ના રોજ 21 દિવસનો રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરાયો ત્યારે આપણે ત્યાં કોરોનાના 500 કેસ હતા અને તેને કારણે 10 મૃત્યુ નોંધાયા હતા. આજે બરાબર એક વરસ પછી પરિસ્થિતિ કાંઇક જુદી છે. પહેલું મોજુ સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં ટોચ પર પહોંચ્યું અને ફેબ્રુઆરી 2021માં લગભગ નવા કેસની સંખ્યા ઘટી જતાં તેનો અંત નજીક દેખાવા લાગ્યો.
આપણી એ ગણતરી છેતરામણી સાબિત થઇ અને ફરી એક વાર રોજીંદા ધોરણે નવા કેસ જેટ સ્પીડે વધવા માંડયા. એ પહેલા મોજાનું વિસ્તરણ છે કે બીજું મોજું આપણે એની અવઢવમાં રહયા. કદાચ પાછલે દરવાજેથી એ બીજું મોજું પ્રવેશી પણ ગયું.

એ અંતર્ગત છેલ્લા મળતા આંકડા પ્રમાણે રોજના નવા કેસ 60000 આસપાસ પહોંચી ગયા. મહારાષ્ટ્ર અને મુંબઇ માટે એ આંક 36000 પર અને 5500 પર પહોંચી ગયો.દેશવ્યાપી લોકડાઉનના રૂપમાં લેવાયેલ ઝડપી એકશનની સફળતાના પુરાવા આપણી સામે છે જ. એ જે સમયમળ્યો તેમાં ભવિષ્યમાં ઉભી થનારી ગંભીર પરિસ્થિતિના સામના માટે આપણા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાના આપણા આશયને સફળતા મળી. મોટા પ્રમાણમાં જાનહાનિ અટકાવવા માટેની એ ડેમેજ કંટ્રોલ કવાયત સફળ થઇ.

હવે નિષ્ણાતોનો મત અને સંશોધનાત્ક અભ્યાસના તારણો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે આપણે ત્યાં કોવિડ-19નું બીજું મોજું શરૂ થઇ ગયું છે અને રોજના કેસો વધતા રહી એપ્રિલ 15 સુધીમાં ટોચ પર પહોંચશે અને મેના અંત સુધીમાં તે કંટ્રોલમાં આવશે. મુંબઇમાં એ કેસો રોજના 10000 પર પણ પહોંચી શકે. દેશમાં રોજના સૌથી વધુ કેસ નોંધાવી રહેલ 10 જિલ્લામાંના નવ જીલ્લા મહારાષ્ટ્રમાં છે અને દેશના લગભગ 740 જિલ્લામાંથી 66 જિલ્લાઓ રોજના નવા કેસનો મોટા ભાગનો હિસ્સો ધરાવે છે. પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ પણ વધારે અસરગ્રસ્ત થતા જાય છે.

આ આંકડાઓને અને માર્ચ 2020ના સંજોગોના ફેરફારને લક્ષમાં રાખીને આપણે આપણી વ્યૂહરચના બદલવી પડશે. સવાલ પહેલું મોજું છે કે બીજું એ નથી. એ જેપણ હોય તે. આપણે માટે અગ્રક્રમ તો એ છે કે કોરોનાના ચાલુ તબક્કાને (રોજના વધતા કેસોને) બનતી ત્વરાએ કાબૂમાં કેમ લાવવો. જાનહાનિ ઓછામાં ઓછી અને આર્થિક નુકસાન પણ જેટલું બને તેટલું ઓછું.


વધતા કેસ વચ્ચે પણ મૃત્યુનો દર 2020 કરતાં ઓછો છે એનો યશ જાય છે. આપણી સ્વાસ્થ્ય અંગેની માળખાકીય સુવિધાઓના સુધારાને. કોરોના પોઝીટીવ થઇ ચૂકેલ દર્દીઓમાં પેદા થયેલ અને વેકસીનેશનને કારણે પ્રજાના અમુક વર્ગમાં કોવિડ-19 સામેના ઘટેલા જોખમને પણ તેનો કેટલોક યશ મળે જ.ઉપરાંત કોરોના સામે લડી લેવાની આપણી માનસિક ઇમ્યુનીટી (શારીરિક ઇમ્યુનીટી તો ખરી જ) એ પણ મોટો ભાગ ભજવી શકે. મૃત્યુનો દર ઘટાડવામાં નવા વાઇરસનું જોર ઓછું થયું છે કે નહિ એ અંગેના અભ્યાસના આખરી તારણો હજી ઉપલબ્ધ થયા નથી.

બે નવા વાઇરસનું ટ્રાન્સમીશન તો ઝડપી પૂરવાર થયું છે. મહારાષ્ટ્ર અને તે પછી જેવા પાંચથી છ રાજયો કોવિડ-19 માટેની હોટ-બેડ સમાન પૂરવાર થયા છે અને રોજ વધતાનવા કેસમાં તેમનો હિસ્સો 80 ટકા જેટલો છે. પણ તેને કારણે આખા દેશ સામેનું જોખમ ઓછું થતું નથી. જરા ચૂકયા તો કોવિડ-19ના મરણનું પ્રમાણ પણ 2020 કરતાં વધી જવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

આ આંકડાઓનો ઉપયોગ આપણને નવી વ્યૂહ રચના ઘડવામાં કામે લાગી શકે.
કેન્દ્ર સરકારે પ્રાદેશિક અને સ્થાનિક લોકડાઉન અને પ્રતિબંધો માટેની છૂટ રાજય સરકારોને આપી જ છે. એટલે આખા રાજયમાં નહીં, પણ કોરોના માટેના હોટ-સ્પોટ કે કલ્સ્ટર ગણાય તેવા સ્થાનિક લોકડાઉનથી વધુ જોખમવાળા પ્રદેશોને જ આઇસોલેટ કરાય તો કડક સર્વવ્યાપી લોકડાઉનથી થતા મોટા આર્થિક નુકસાનને સીમિત કરી શકાય. મુંબઇમાં મહારાષ્ટ્રમાં પણ નાઇટ કરફયુ દાખલ કરાયો છે.

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી 45 વરસની ઉપરના બધા નાગરિકો માટે વેકસીનેશનની છૂટ આપી છે. કોરોનાને નાથવા માટે જરૂરી બધા નાગરિકોને જયારે ટૂંક સમયમાં વેકસીન આપી શકાય તેમ ન હોય તો વેકસીન માટેની પરવાનગી એજ ગ્રુપ કરતાં, આરોગ્ય સેતુ એપની મદદથી નોખા તારવેલ હોટ સ્પોટ પ્રદેશોમાં પુખ્ત ઉંમરના બધા નાગરિકો માટે તાત્કાલિક ધોરણે વેકસીન ઉપલબ્ધ કરાવી જોઇએ. જે પ્રદેશો ઓછા અસરગ્રસ્ત છે તે કદાચ પછીના તબક્કે આવરી લેવાય તો પણ વધુ પડતું નુકસાનની સંભાવના ઓછી છે.

કોઇ કુદરતી આફત સમયે ત્યાં ન પહોંચી શકાય તેવા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વાઇવલ કીટ (તત્કાલ પૂરતું જીવન ગુજારા માટેની સાધન સામગ્રી) હેલિકોપ્ટર દ્વારા એર-ડ્રોપ કરીને પૂરી પડાય છે તેવી રીતે વેકસીન માટે યુધ્ધના ધોરણે કોવિડ-19 માટેના હોટ સ્પોટની પસંદગી કરી શકાય.
બે વેકસીન વચ્ચેનો સલામત સમયગાળો ચારથી છ અઠવાડિયાનો છે (જે પહેલાં ચારથી છ અઠવાડિયાનો ગણાતો હતો) એવા સંશોધનને કારણે બીજો ડોઝ મોડો આપી શકાય તેમ હોઇ પહેલા ડોઝ માટે પ્રજાના થોડા વધુ મોટા વર્ગને આવરી લેવાની શકયતા પણ ઉભી થઇ છે.

કોરોનાનું બીજું મોજું આપણા પર સવાર થઇ જાય અને અકલ્પનીય નુકસાન પહોંચાડે તે પહેલા સમયસર આપણે આપણી નવી વ્યૂહરચના અમલમાં મૂકવી પડશે વેકસીનના બીજા ડોઝ પછી ઇમ્યુનીટી ડેવલપ થતા બેએક અઠવાડિયા લાગતા હોઇ પહેલા ડોઝમાં જેટલા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને બનતી ત્વરાથી આવરી લેવાશે તેટલું દેશનું નુકસાન ઓછું થશે.દેશનો યુવા વર્ગ પણ તેમના ઓફિસ અને ધંધાકીય કાર્યોને લીધે કોરોના માટે સુપર સ્પ્રેડર સાબિત થાય છે. સામાજિક અને ધાર્મિક પ્રસંગો પણ ડીસીપ્લીનના અભાવે સુપર સ્પ્રેડર સાબિત થયા છે. હોળી-ધૂળેટી, બીહુ અને ઇસ્ટરના આવી રહેલ તહેવારો સંબંધીપણ જેટલા રીસ્ટ્રીકશન્સ મૂકાશે તેટલું નુકસાન ઓછું થશે.

રિઝર્વ બેંકના મતે રોજેરોજ ઝડપથી વધી રહેલ નવા કેસને હળવાશથી લઇ શકાય નહીં. તે આપણે માટે ચિંતાનો વિષય છે.બીઝનેસની ઝડપ તાજેતરના અઠવાડિયાઓમાં વધી રહેલકેસને કારણે ધીમી પડી રહી હોવાના સંકેતો મળી રહયા છે તો પણ ભારતના આર્થિક વિકાસની ઝડપ ધીમી પડે તેવા સંજોગો હજી દેખાતા નથી. દેશની કેન્દ્રવર્તી બેંકનો આ આશાવાદ આશ્વાસનરૂપ છે.

તો પણ મુંબઇની બગડતી પરિસ્થિતિ સારા દેશની પ્રગતિને પાછળ ધકેલી શકે એ ભૂલાવું ન જોઇએ. રોજના નવા કેસો સપ્ટેમ્બર 15, 2020 આસપાસના (98000 જેટલા) ટોચના સ્તર ભણી મક્કમ ઝડપે આગળ વધી રહયા છે તના પર અંકુશ રાખવા કોઇ એક સાધન કારગત ન જ નીવડે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top