સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારબાદ બીજા તબક્કામા ફ્રન્ટલાઈન વર્કર્સને આવરી લેવાશે અને કો-મોર્બિડ પેશન્ટોને વેક્સિન આપવામાં આવશે. આવનારા પાંચથી છ દિવસમાં હેલ્થ વર્કર્સને (Health Workers) પ્રથમ ડોઝ આપી દેવાશે જેની સાથે સાથે ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિન મુકવાની તૈયારી મનપા દ્વારા કરવામાં આવી છે. આજથી ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન મુકવાની શરૂઆત કરી દેવાઈ છે.
શહેરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. જેમાં અત્યારસુધીમાં કુલ 8 દિવસ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. છેલ્લા આઠ દિવસમાં કુલ 336 સેન્ટરો પરથી 21,651 હેલ્થ વર્કર્સને વેક્સિન મુકી દેવામાં આવી છે. શહેરમાં 36,000 કરતા વધુ હેલ્થ કેર વર્કર્સ છે ત્યારે અડધાથી વધુને વેક્સિન મુકી દેવાઇ છે. સરકારની મળેલી સૂચના અનુસાર હેલ્થ કેર વર્કર્સમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે તેની સાથે સાથે આજથી ફ્રન્ટ લાઇન વર્કર્સને પણ રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
હેલ્થ વર્કર્સ સાથે ફ્રન્ટ લાઈનરને રસી અપાશે
સુરત મનપાને કુલ 82,720 કોવિશિલ્ડ રસીના ડોઝ મળ્યા હતાં તેમાંથી કુલ 21,651 હેલ્થ વર્કર્સને રસી મુકી દેવામાં આવી છે અને આગામી પાંચથી છ દિવસમાં તમામ હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ આપી દેવામાં આવશે. 36 હજારથી વધુ હેલ્થ વર્કર્સ માટે બીજા રસીકરણનો ડોઝ 13 ફેબ્રુઆરીથી થશે. સાથે રસી 20 હજારથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી આપવા તૈયારી શરૂ કરાઈ છે. આજે મનપા દ્વારા પાંચ હજારથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન મુકવામાં આવશે.
- ફ્રન્ટલાઇનર્સમાં આ લોકોનો સમાવેશ
- પોલીસ કર્મચારીઓ – અધિકારીઓ
- ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી
- રેવન્યુ વિભાગના કર્મચારીઓ
- એસએમસીના કર્મચારીઓ – અધિકારીઓ
- સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા સભ્યો
શનિવારે વધુ 3470 હેલ્થ વર્કર્સને વેક્સિન મુકાઈ
મનપા દ્વારા હવે દરરોજ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે ધીરે ધીરે વેક્સિનેશન સેન્ટરો પણ વધારવામાં આવી રહ્યા છે. હવે શહેરમાં 80 વેક્સિનેશન સેન્ટરો પરથી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શનિવારે શહેરમાં 80 સેન્ટરો પરથી વધુ 3470 હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી હતી. અત્યારસુધીમાં આઠ દિવસમાં કુલ 21,651 હેલ્થ વર્કર્સને વેક્સિન મુકી દેવામાં આવી છે.