સુરત : કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વર્ષની ઉંમરના બાળકોને રસી મૂકવાની મંજૂરી આપ્યા બાદ સુરત (Surat)માં પહેલાં દિવસે 40 હજારની સામે 26 હજાર બાળકોએ રસી (vaccine) મુકાવી હતી, જ્યારે બીજા દિવસે બાળકોનો રસી મુકાવવા માટે ધસારો જોવા મળ્યો હતો. બપોર સુધીમાં શહેરની 135 સ્કૂલોમાં કુલ 9000 વિદ્યાર્થીઓએ રસી મુકાવી હોવાના આંકડા બહાર આવ્યા છે. સાંજ સુધીમાં આ આંકડો વધે તેવી શક્યતા છે.
શહેરમાં નવા વર્ષના પ્રારંભ સાથે જ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન (Corona guidelines) અનુસાર 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના વેક્સિનેશનનો (Vaccination) પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિના દરમ્યાન શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સુરત મનપા દ્વારા માત્ર એક સપ્તાહમાં જ તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશનનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો છે. જે અનુસંધાને પહેલા દિવસે શહેરમાં 26124 વિદ્યાર્થીઓને વેક્સિન મુકી શકાય હતી જો કે મનપા દ્વારા એક જ દિવસમાં 42 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન મુકી દેવાનો ટારગેટ રખાયો હતો પરંતુ ઘણી સ્કુલોમાં ઓછી હાજરી અને અમુક સ્કુલોમાં કોરોના પોઝિટિવ (corona positive) આવતા વર્ગઓ અને અમુક સ્કુલો પણ બંધ હોવાથી સંખ્યા ઓછી રહી હોવાનું આરોગ્ય વિભાગ (Health center) દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બીજા દિવસે બપોર સુધીમાં 9000 વિદ્યાર્થીઓ રસી મૂકાવી ચૂક્યા છે.
આ અગાઉ સોમવારે વેક્સિનેશનના પહેલાં દિવસે મનપા દ્વારા શહેરની 115 શાળાઓમાં આરોગ્ય વિભાગની 100થી વધુ ટીમો દ્વારા 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના વેક્સિનેશન કામગીરી કરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનની પાંચ, વરાછા એ ઝોનમાં 20, વરાછા બી ઝોનમાં 15, કતારગામમાં 14, લિંબાયત ઝોનમાં 16, અઠવા ઝોનમાં 18 અને ઉધના ઝોનમાં 21 તથા રાંદેરની 11 શાળાઓમાં વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંજ સુધીમાં સુરત શહેરમાં ૨૬,૧૨૪ વિદ્યાર્થીઓને વેક્સીન આપવામાં આવી હતી. જયારે અન્ય 9 રસીકરણ કેન્દ્રો પરથી રસીકરણની કામગીરી કરાઈ હતી. જેમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 5689 કિશોરો, સરથાણા ઝોનમાં 2986, લિબાયત ઝોનમાં 3929, રાંદેર ઝોનમાં 3537, ઉધના ઝોનમાં 3039, અઠવા) ઝોનમાં 3414 તથા સેન્ટ્રલ ઝોનમાં 642 કિશોરોને રસીકરણ કરાયું હતું.
સુરત જિલ્લામાં મંગળવારે બપોર સુધીમાં કોરોનાના 155 કેસ નોંધાયા
તમને જણાવી દઈએ કે કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. મંગળવારે બપોર સુધીમાં સુરત શહેરમાં જ 155 કેસ નોંધાયા છે. આ અગાઉ સોમવારે સુરત શહેર જિલ્લામાં 225 કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં 213 હતા. સાંજ સુધીમાં આંકડો વધે તેવી શક્યતા છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 32305 તેમજ કુલ મરણની સંખ્યા 488 થઇ છે. આ ઉપરાંત જિલ્લામાં હાલ એકટીવ કેસની સંખ્યા 68 તેમજ કુલ ડિસ્ચાજર્ પેશન્ટની સંખ્યા 31749 થઇ છે.