SURAT

શું સુરતમાં પણ અમદાવાદની જેમ વેક્સિન લીધી હશે તો જ હોટલ-રેસ્ટોરન્ટમાં પ્રવેશ અપાશે? જાણો કહીકત..

સુરત: (Surat) અમદાવાદ અને ભાવનગર મહાનગર પાલિકાઓમાં જાહેર સ્થળોએ આવતા લોકોને વેક્સિનેશન સર્ટિફિકેટ (Vaccination Certificate) બતાવવું ફરજિયાત કરવામાં આવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકા દ્વારા આંશિક રીતે આવી સિસ્ટમ લાગુ કરવા તૈયારી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં શહેરની હોટલ-રેસ્ટોરેન્ટ્સમાં (Hotel Restaurants) તેમજ મનપાના (Corporation) તમામ ઝોન અને અન્ય ઓફિસમાં વેક્સિનેશન થયેલા લોકોને જ પ્રવેશ મળશે તેમજ આ જગ્યાઓ પર આવતા લોકોના વેક્સિન સર્ટિ. ચેક કરવા માટે એપ બનાવાઇ છે.

આ એપના માધ્યમથી આવા લોકોનાં સર્ટિ અસલી છે કે નહીં એ પણ ક્યુઆરકોડના માધ્યમથી ચેક કરાશે. સમગ્ર દેશમાં કોરોના નબળો પડ્યો હોવા છતાં કોવિડ-19ના ત્રીજા તબક્કાની આશંકા વચ્ચે સરકાર દ્વારા અનેક પ્રકારનાં અગમચેતીનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ભાવનગર અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરભરમાં જાહેર સ્થાનો તેમજ માસ ટ્રાન્સપોર્ટેશનની બસમાં વેક્સિનેશનનો પહેલો અથવા બીજો ડોઝ ન લીધો હોય તેવા નાગરિકોના પ્રવેશ આપવાની જાહેરાત થઇ ચૂકી છે.

વેક્સિનેશનના મામલે 5 ટકા જ બાકી હોવાથી વેક્સિન લેનાર 95 ટકાને હેરાન કરાશે નહીં
જો કે, સુરત મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સુરતમાં 95 ટકાથી વઘુ લોકો વેક્સિનેટ થઇ ગયા હોવાથી બાકી રહેલા માત્ર પાંચ ટકા લોકોને કારણે તમામ જગ્યાએ આવા પ્રતિબંધ લાગુ કરી 95 ટકા લોકોને હાલાકીમાં મૂકવા યોગ્ય નથી. આથી હાલમાં હોટલ-રેસ્ટોરેન્ટ, મનપાની ઝોન ઓફિસ તેમજ અન્ય ઓફિસમાં આવતા લોકોને મનપાએ બનાવેલી મોબાઇલ એપની મદદથી વેક્સિનેશન સર્ટિ.ની ખરાઇ કર્યા બાદ જ પ્રવેશ મળે તેવો નિયમ લાવવા તૈયારી થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન અભિયાનમાં સુરત શહેર અગ્રેસર છે. હાલ સુરત શહેરમાં 95 ટકા નાગરિકોને પહેલો ડોઝ, જ્યારે 44 ટકા નાગરિકોને બંને ડોઝ આપવામાં આરોગ્ય વિભાગને સફળતા સાંપડી છે અને સંભવતઃ દિવાળી પૂર્વે શહેરના તમામ નાગરિકોને 100 ટકા પહેલો ડોઝ અને 60 ટકા સુધી બંને ડોઝનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top