Charchapatra

વેક્સિન મૂકવાનાં સેન્ટરો

હવે ખાનગી હોસ્પિટલોને વેક્સિન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે ફરજીયાત મ્યુનિસિપલ કોર્પોરેશન જે સેન્ટર પર જવાનું કહે ત્યાં રસી મુકાવવા જવું પડે. તેમાં પણ કોઈને વાંધો ન હોય. પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે જે વ્યક્તિ જ્યાં રહેતી હોય તેની નજીકના સેન્ટરને બદલે રહેઠાણથી દૂર દૂરના સેન્ટર ફાળવવામાં આવે છે, જે બિલકુલ અયોગ્ય છે. સુરત શહેરની અંદર રહેતી વ્યક્તિને કામરેજ ચાર રસ્તાનું સેન્ટર ફાળવવાનો શું મતલબ? વેસુ હવેલી પાસે રહેતી વ્યક્તિને ગોલવાડનું સેન્ટર ફાળવવાનો શું મતલબ? જ્યારે તેમના રહેઠાણની નજીક સેન્ટર આવેલું હોય ત્યારે? આ તદ્દન શક્ય છે, જરૂર છે થોડી મહેનત કરીને વ્યવસ્થિત તંત્ર ગોઠવવાની અને તેમાં પણ સીનીયર સીટીઝનની શું હાલત થાય તેનો વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.

માત્ર સીનીયર સીટીઝનો માટે ખાનગી હોસ્પિટલોને વેક્સિન જરૂરિયાત પ્રમાણે જો આપવામાં આવે તો સીનીયર સીટીઝનોને ઘણી રાહત થાય અને તેઓ તેમના રહેઠાણની નજીકના સેન્ટર પર જઇને રસી મુકાવી શકે. આ સંજોગોમાં સીનીયર સીટીઝન પૈસા સામે ન જુએ તે સ્વાભાવિક ગણાવું જોઈએ. આશા રાખીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના લાગતાવળગતા તંત્ર આ બાબતને ગંભીરતાપૂર્વક ગણી તે તરફ જો ધ્યાન આપશે તો સુરત શહેરની પ્રજાની અને તેમાં પણ સીનીયર સીટીઝનોની બહુ મોટી સેવા કરેલી ગણાશે.
સુરત- સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top