ભારત આવતીકાલથી 45 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ કરનાર છે. કેન્દ્રએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, ઓછું રસીકરણ થયું હોય તેવા પ્રદેશની ઓળખ કરે અને જે જીલ્લામાં વધુ સંક્રમણ નોંધાયું છે ત્યાં કેસ ઘટાડવા કાર્યવાહી કરવામાં આવે. રસીનો બગાડ અટકાવવા પણ કહેવાયું છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તા મંડળના સીઇઓ અને કોરોના રસીકરણના અધ્યક્ષ ડૉ.આર એસ શર્મા અને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં આરોગ્ય સચિવો, એનએચએમના મિશન ડિરેક્ટર અને તમામ રાજ્યો અને યુ.ટી.ના રસીકરણ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.
મંત્રાલયે જણાવ્યું હતું કે, આ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આયોજિત બેઠકમાં દેશભરમાં રસીકરણ અભિયાનની સ્થિતિ અને ગતિની સમીક્ષા કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ મીટિંગના મુખ્ય મુદ્દામાં ઓછા રસીકરણ થયેલા વિસ્તારની ઓળખ કરવી અને કોરોનાના કેસ વધતાં જિલ્લાઓમાં સુધારાત્મક પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
હેલ્થકેર વર્કર્સ (એચસીડબ્લ્યુ) અને ફ્રન્ટલાઈન વર્કર્સ (એફએલડબ્લ્યુ)ના રસીકરણ કવરેજ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી કે, તેમાં માત્ર સંબંધિત લાભાર્થીઓને જ રસી આપવામાં આવી છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાનગી રસીકરણ કેન્દ્રો (સીવીસી) રસીકરણની નિયમિત સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું.
મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૂરના વિસ્તારોની ઓળખ કરવા અને રસીકરણના સ્ટોક અને વપરાશની નિયમિત સમીક્ષા કરવા કહેવામાં આવ્યું હતું. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીનો એક ટકા કરતા પણ ઓછો બગાડ થાય તેની સલાહ આપી હતી. તેમજ રસીની સમાપ્તિ ટાળવા માટે ઉપલબ્ધ સ્ટોકનો સમયસર ઉપયોગ સુનિશ્ચિત કરવા અને Co-WIN અને eVIN પોર્ટલ પર રસીના વપરાશના ડેટા અપડેટ કરવા જણાવ્યું હતું.