ભારતના શિક્ષણ જગતમાં મૂલ્ય આધારિત શિક્ષણની વાતો વારંવાર થયા કરે છે. એક નવો પ્રવાહ તો એવો શરૂ થયો છે જે બાળકોના સર્વાંગી ઘડતર માટે તમામ જવાબદારી શાળાઓ પર જ ઢોળવા માંગે છે. જેમ કે કોઈ કહે છે ‘બાળકોને શાળામાં યોગ યોગ શીખવાડો’, કોઈ કહે છે બાળકોને ટ્રાફિક નિયમો સમજાવો તો વળી કોઈ કહે છે શાળામાં રામાયણ અને મહાભારત ભણાવો અને બધી વાતોનો સાર એ છે કે બાળકોને સ્કૂલ-કોલેજમાં સંસ્કારોનું સિંચન કરો.
આમ તો બાળકમાં સંસ્કાર સિંચન અને મૂલ્યોનું ઘડતર થાય તે પ્રાથમિક શિક્ષણના હેતુઓમાનો એક હેતુ છે. બાળક સંસ્કારી બને મૂલ્યનિષ્ઠ બને તે તો શિક્ષણ પ્રક્રિયાનું પરિણામ છે. બાળક શિક્ષણ પ્રક્રિયામાંથી પસાર થાય તેના પરિણામ સ્વરૂપ દેખાનારું પરિણામ છે. માટે જ પ્રથમ શિક્ષણ સૌને માટે સામન હોય છે, ભાષાવિજ્ઞાન ગણિત સૌ સમાન સ્તરે ભણે છે. ડૉક્ટર, એન્જિનીયર, સી.એ. અને વકીલ એવા વ્યવસાયલક્ષી પ્રવાહો આગળ જતા જુદા પડે છે પણ શાળા કક્ષાએ બધા મૂળભૂત શિક્ષણ સમાન મેળવે છે. આ મૂળભૂત શિક્ષણ પ્રક્રિયામાંથી જ બાળક શિસ્ત સંસ્કાર મેળવે છે.
જાહેર જીવનના નિયમો શીખે છે. આમ તો આ વાત સૌ જાણે છે પણ આઘાત અને આચર્ય એ વાતનું છે કે અત્યારે અચાનક બાળકોને શિક્ષણમાં સંસ્કાર આપોની વાત નવે સરથી ચર્ચાઈ રહી છે અને જાણે કે પરંપરાગત અભ્યાસક્રમમાં બાળકને સંસ્કાર મળતા નથી માટે તે જુદા પાડીને આપો એવો સૂર સાંભળવા મળે છે. અને તે માટે ધાર્મિક નેતાઓના પ્રવચનો, સંપ્રદાયના પુસ્તકો અથવા તેવા લેખોનો સંગ્રહ હોય તેવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરવાની ભલામણો થઇ રહી છે.
શિક્ષણ ક્ષેત્રે અભ્યાસક્રમ નક્કી કરવો એ ખૂબ મોટી જવાબદારીનું કામ છે. આવનારી પેઢીઓ પર તેની અસર પડવાની હોય છે ત્યારે સાવ બેજવાબદારીપૂર્વક કેવી રીતે વિચારી શકાય? કોઈ સંપ્રદાયના દબાણ હેઠળ કે નેતાઓને ખુશ કરવા નિર્ણય કેવી રીતે લઇ શકાય? જો આપણે શિક્ષણમાં નૈતિકતા શીખવાડવા માંગતા હોઈએ તો આપણે પણ નૈતિક જવાબદારી સ્વીકારવી પડે અને તે મુજબ અભ્યાસક્રમ રચવા પડે.
એક વાત બહુ સામાન્ય સમજણની છે કે બાળકને નિયમિત પૌષ્ટિક ખોરાક મળે તો તેનો વિકાસ યોગ્ય થાય. તંદુરસ્તી જળવાય. બાળપણથી જ વિટામીનની ગોળીઓ આપીને તત્વો પુરા પાડવા પડે તે નબળાઈની નિશાની છે તેવી જ રીતે શિક્ષણની સતત પ્રક્રિયામાંથી જ બાળકમાં સંસ્કારો સારી ટેવનું સિંચન થાય. વિદ્યાર્થીને રોજ વર્ગ ખંડમાં સાચું બોલો, પ્રમાણિક બનો, બીજાનો વિચાર કરો, બહાદુર બનો એવા સીધા જ ઉપદેશ આપીએ તો બાળકમાં આ બધા ગુણ ના પણ વિકસે. પણ ભાષાના પાઠ્યક્રમમાં એવા માનવ મૂલ્યોનું જતન કરનારા પાઠ કાવ્ય, નિબંધ, નાટક વગેરે હોય તો બાળકમાં તે દ્વારા સહજ રીતે જ સંવેદના અને સંસ્કાર સિંચન થાય. આવા કાવ્ય, પાઠ માત્ર પરીક્ષાલક્ષી ના બનતા જીવનલક્ષી બને તો બાળકનું ઘડતર આપોઆપ થાય.
બાળકમાં સંસ્કારનું સિંચન અને નાગરિક ઘડતરનો આધાર શિક્ષણમાં અપાતા દૃષ્ટિબિંદુ પર આધારિત છે. મૂળભૂત મૂલ્યોનો આધાર ભાષાના શિક્ષણ પર છે. ઇવન આગળ જતા જે વ્યવસાયલક્ષી શિક્ષણ લેવાનું છે તેનો માર્ગ પણ ભાષાના શિક્ષણમાંથી જ નીકળે છે. ભાષા દ્વારા જ ઈતિહાસ, વિજ્ઞાન, ગણિત, ભૂગોળ જેવા વિષયો શીખવવાના છે, સાથે સાથે ભાષા જ આપણી સંસ્કૃતિ, પરંપરાઓ સામાજિક વારસો આપણા સુધી લાવે છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા, અખાના છપ્પા, કાકાસાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનોસ, ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર આ બધું બાળક ક્રમશઃ ભણતો જાય એટલે તેનામાં માનવ મૂલ્યોનો વિકાસ આપોઆપ થતો જાય. તેણે જુદા માણસાઈ અને શુરાતનના ઇન્જેક્શન આપવા ના પડે.
માટે જ ચોક્કસ પ્રવચનકારો અને સંપ્રદાયના પેટા સંપ્રદાયોના ગુરુઓ દ્વારા અપાયેલા ભાષણો, લેખો શિક્ષણના પાઠ્યક્રમમાં મુકવા તે અપરિપક્વતા અને બેજવાબદારીની નિશાની છે અને છેલ્લે એક વાત એ પણ કે મુસ્લિમ પરિવાર પોતાના બાળકને પોતાના ધર્મ પરંપરાનું જ્ઞાન-માહિતી પોતાના ઘરમાં આપી શકે, ઘરમાં જ તેના પુસ્તકો રાખીને તેનો અભ્યાસ કરવી શકે છે. હિન્દુ પોતાના બાળકોને રામ કૃષ્ણની વાતો કરી શકે, આપણા સંતો જ્ઞાનીઓ કહી ગયા છે કે રામાયણ ભાગવત ઘરમાં રાખો એ સમજવા જેવું છે. આ ગ્રંથો કંકુ-ચોખા ચડાવવા પૂરતા નથી રાખવાના. ઈચ્છા થાય તો વાંચવા જેથી જીવનમાં તે કાઈ ઉપયોગી થાય. મુદ્દાની વાત એટલી જ કે બાળકને ઔપચારિક આધુનિક શિક્ષણ માટે જ શાળામાં જવાનું છે. સંપ્રદાયનું કે પરંપરાઓનું શિક્ષણ તો મા-બાપ ઘરે પણ આપી જ શકે છે. બધો ભાર શાળા પર છોડશો તો ઘરે શું કરશો? દિવાળી વેકેશન છે થોડો લાભ લો!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.