Comments

વેકેશન વિદ્યાર્થીઓનાં મુક્ત શિક્ષણનો આધાર બને છે

જૂના વખતમાં ક્રિડાંગણની પ્રવૃત્તિઓ ધમધમતી. સાંજ પડે એટલે બાળક ૨-૩ કલાક મેદાન વચ્ચે ધમરોળાય, કબડ્ડી, ખો-ખો, લંગડી જેવી ભારતીય રમતોમાં બાળક શરીર સ્વાસ્થ્ય તો પામે સાથોસાથ હિંમત, વિશ્વાસ, સંતુલન, સમુહમાં કામ આટોપવાની પદ્ધતિ વિગેરે શીખે. પણ શહેરીકરણે રમતના મેદાન છીનવી લીધા. હવે તો શાળામાં જે કાંઈ વધારાની તાલીમ મળે તે ખરી, આથી નઈ તાલીમની એક શાળાએ ૧૫ વર્ષનાં બાળકો માટે તેમની શક્તિની મર્યાદામાં રહી ઘરમાં વાળવું, પોતા કરવા, શાક સમારવું, સોય દોરાથી કપડું સાંધવું, બટન ટાંકવાં, ઈલેકિટ્રક ફયુઝ બાંધવો, નળનું વોશર બદલવું, સાયકલનાં વ્હીલનું પંકચર સાંધવું, બેંકમાં જઈ ચેક ભરવો, તાર કરવો, રેલ્વેની ટીકીટ લેવી, સૂર્યનમસ્કાર જાણવા, રંગકામ કરવું વિગેરે તાલીમો ગોઠવવી. બાળકો શાળા સમય પછી દિવસ દરમિયાન ૨ કલાક મળતા અને અવનવું જાણતાં. આ તાલીમી કાર્યક્રમમાં બાળકોને ખૂબ મજા પડી. સવિશેષ મા-પિતાને પણ પોતાનું બાળક કંઈ ઉપયોગી થવાનું કામ શીખ્યું છે તેનો આનંદ રહ્યો.

શહેર કે ગામડામાં રહેતું બાળક ભણવા-વાંચવા ટી.વી, સિનેમા જોવા, શેરીમાં રમવા કે પાર્ટીઓમાં જવા ઉપરાંત રોજબરોજનાં જીવનની તાલીમ મેળવે તે જરૂરી બને છે. આમ થવાથી બાળક સ્વાવલંબી બને છે અને પ્રવૃત્તિઓ થકી જ તો વ્યક્તિ અને કુટુંબ માનસિક રીતે તંદુરસ્ત રહે છે!!! પરંતુ જીવનશક્તિનાં સ્તોત્ર તરીકે જયારથી પૈસાનું સ્થાન મજબૂત થયું છે ત્યારથી કેટલાક અનર્થો પણ સર્જાયા છે.

પૈસા ન ખર્ચવા પડે તે માટે વાલીઓ બાળકને ઘર કામ, ઈલેક્ટ્રિક કામ, બાગ-બગીચાનું કામ કે પછી વાહન રીપેરનું કામ કરવા સૂચવે છે. પણ આ સંબંધ લાભનો છે. આ ઉપયોગીતાવાદ બીજાઓને સંદર્ભમાં છે. આથી આવી તાલીમ બાળકને નિજાનંદ આપનાર બનતી નથી. બીજી તરફ શહેરોમાં એવા કુટુંબો પણ જોવા મળે છે કે જે ઘરની નાની દીકરી વાસણ ધોતી હોય તો તેને રોકી મા કહેશે, ‘તું કામવાળી છે?’, પુત્ર પોતાની સાયકલ સાફ કરતો હોય તો બાપ કહેશે, “૨-૫ રૂપિયા માટે તું સમય ન બગાડ’. બાળકોમાં નિજાનંદ અને વિશ્વાસ ઉમેરતા ઈન્દ્રિય શિક્ષણ, સમાજ શિક્ષણના આ પ્રકારના કામોથી બાળકને દૂર રાખવું વ્યાજબી નથી.

ગામડાના વાતાવરણમાં ઉછરતાં બાળકો સંબંધે વાત કરીએ તો આજે ગામડામાં ઉગતા શાકભાજી શહેરોમાં વહેચાણ અર્થે આવી જાય છે. ગામડામાં પશુપાલન થાય છે. પણ દૂધ શહેરની ડેરીમાં વહેંચવા આવી જાય છે. ખેડૂતો તત્કાલ પૈસાની લાલચે પોતાના ઘરે રોટલો, છાશ ને ચટણી ખાઈને ચલાવી લે છે અને શહેરોમાં ખેતીનું ઉત્પાદન મોકલી આપે છે. ગામડામાં બદલાયેલા માર્કેટ સ્ટ્રક્ચરનાં લીધે ગ્રામ બાળકની પ્રથમ ૮ વર્ષની ઉમરમાં તેને પોષક આહારની જે ખામી સહેવી પડે છે તેથી તેનાં બૌદ્ધિક વિકાસને જ ક્ષતિ પહોંચે છે. અમુલ દુધ મંડળીનાં ખેડા જિલ્લાનાં ગામોમાં આ વિગતે થએલા અભ્યાસમાં કુ-પોષિત માતૃત્વ અને બાળકનાં આંકડા જમીનની સ્થિતિ દર્શાવે છે.

ગામડાનાં બાળકમાં જે હૈયાસુજ છે, આવડત છે, તેથી તદ્દન વિરુદ્ધ બાળકને શહેરીકરણની છાપ ધરાવતા પુસ્તક દ્વારા આપણે શિક્ષિત કરવા માગીએ છીએ. તેથી કરી ગામડામાંથી આજે ઈજનેર, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો ઓછાં મળતા થયા છે અને ટી.વી.ની ચેનલો અને મોબાઈલ સ્ક્રીનને આક્રમણ વચ્ચે ગામડાનું બાળક નથી તો ગ્રામીણ રહેતુ કે નથી શહેરી. નવી પેઢીના આવા અધકચરા વિકાસ બાબતે પણ ગંભીરતાથી વિચાર કરવો પડશે.

બાળકની માનસિક્તાને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા ઘડાય તે માટે ક્ષમતાલક્ષી શિક્ષણ, તરંગ ઉલ્લાસ શિક્ષણ, MLL, પ્રેરણાશિક્ષણ તેમ અનેક વિકલ્પો મેદાનમાં ઉતારી બાળકેળવણી ક્ષેત્રે આજકાલ પ્રયોગો ચાલે છે. જે પૈકી કોઈ એકને શ્રેષ્ઠ સાબિત કરવા કરતા બાળક માટે અનુરૂપ શિક્ષણની વાત થાય તો સારું. બાળકનો આનંદ અને વિશ્વાસ વધે તેવું મોજીલું શિક્ષણ અપાય તો સારું. બાળશિક્ષણનાં કાયક્રમો વિચારતા સમયે એ પણ જોવું પડશે કે વર્ષ ૨૦૪૭નો સમય કેવો હશે!! તે સમયે આજનું બાળક યુવક બની ઊભું રહેશે તો તેને શા પરિમાણોથી સજ્જ કરવું પડશે? આજનું શિક્ષણ આવતીકાલનાં રાષ્ટ્રના નિર્માણ માટેનું શિક્ષણ બની રહેશે!!

વિચારની દિશામાં એક પ્રયોગ વડોદરા જિલ્લામાં થયો. ગામ કલાલી અને આસપાસના ૬ ગામોનાં ૧૨૭ બાળકો જીવન શિક્ષણ શિબિરમાં ભાગ લીધો હતો. માસ દરમિયાનનાં શિબિરનો હેતુ ગ્રામ બાળકોને પોતાના રોજિંદા જીવનમાં સંપર્કમાં ન આવતા વિષયોથી પરિચિત કરાવવાનો હતો. આથી તેઓને ચિત્રકામ, કુંભારીકામ, સુથારીકામ, કાગળકામ, ફુલઝાડની ખેતી, સંગીત, નાટક જેવી પ્રવૃત્તિઓ આપવામાં આવેલ. સંસ્થાના પ્રાંગણમાં બાળકો સવારે ૯ થી સાંજે ૫ સુધી પોતાની પસંદગીની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. ધોરણ ૮ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓ માટેની શિબિરમાં સ્વાસ્થ્ય પ્રત્યે વડીલોનું લક્ષ ખેંચવા પોષક આહારની પણ ખાસ વ્યવસ્થા હતી.

રોજિંદા જીવનમાં જોવામાં આવતી ચીજવસ્તુઓના ઉત્પાદનની પદ્ધતિ શી હોય છે? તે અંગેની વિદ્યાર્થીઓની સહજ કુતુહલવૃત્તિને વિકસાવવા શિબિર દરમિયાન દૂધની ડેરી અને બિસ્કીટ ઉદ્યોગની મુલાકાત પણ ગોઠવવામાં આવી. માહિતીનું સાતત્ય કેળવણી સાથે અનુબંધમાં પલટાય તે માટે બાળકોને એક દિવસ સર્કસ જોવા લઈ જવામાં આવેલા. બાદ બીજા દિવસે બાળકોને ચિત્ર અને માટીકામનાં માધ્યમથી પોતે જોયેલ સર્કસની અનુકૃતિ વ્યક્ત કરવાની તક આપવામાં આવી.

આજે આપણાં ગામડાઓમાં અને શહેરોમાં શિક્ષણનો અર્થ અક્ષરજ્ઞાન પુરતો સીમિત બન્યો છે. આથી સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે શિક્ષણ કામનું રહ્યું નથી. તેવી પ્રતીતિ સાર્વત્રિક છે. આ પ્રકારના અવલોકનોના પરિપેક્ષમાં શિબિરાર્થીઓને સ્વચ્છતા, સમૂહમાં કામ કરવાની પદ્ધતિ, ત્વરિત નિર્ણય લેવાની તાલીમ આપતા કાર્યક્રમો પણ યોજવામાં આવેલ. બાળકો માટે અનુરૂપ કેળવણીની શોધ માટે યોજાયેલ આ પ્રકારનો શિબિર ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો હોવાથી તેના સંચાલન માટે Child Development ના અભ્યાસમાં નિષ્ણાત કાર્યકરને પસંદ કરવામાં આવેલ. જેના પરિણામે બાળકોના વિકાસમાં વડીલોની ભાગીદારી પણ અસરકારી રહી હતી. એક માસ સુધી ચાલેલા શિબિરના અંતભાગે બાળકો દ્વારા તૈયાર થયેલ અવનવી ચીજોનું પ્રદર્શન અને રંગારંગ કાયક્રમ યોજાતો રહ્યો.

‘આજનું બાળક આવતીકાલનું નાગરિક છે’ તેવું કહેવામાં આવે છે. પણ આવતીકાલના નાગરિકના ઘડતર માટેની આજ કઈક અંશે દિશાહીન અને પ્રાયોગિક સ્થિતિમાં જેવા મળે છે. ત્યારે શિક્ષણની પ્રક્રિયામાંથી સમાજના પ્રશ્નોનાં નિરાકરણરૂપ અને વિશેષતઃ નવા સમથમાં પડકાર ઝીલી સેવા યુવકો તૈયાર કરવા માટે આપણે શિક્ષણનાં સૈદ્ધાંતિક માળખાની બહાર આવી બાળકને શરીરથી તંદુરસ્ત અને મનથી સ્વસ્થ બનાવે તેવા શિક્ષણને અપનાવવું પડશે. કૌશલ્ય વિકાસની તકનિક સાથે વિદ્યાર્થીને જોડવા પડશે.

શિક્ષણવિચાર દ્વારા નિર્ધારિત પરિણામો મળતાં નથી ત્યારે શિક્ષણકારો માનવીય શિક્ષણની વાતો કરવા સરી પડે છે. પણ ભારતીય સંસ્કૃતિમાં આજથી ૨૫૦૦ વર્ષ પહેલા મૂલ્ય શિક્ષણની વાત કહેવાએલી જ છે. આથી હવે બદલાયેલ સામાજિક માહોલનો સ્વીકાર કરી પદ્ધતિ આધારિત વિકાસના શિક્ષણને વિસ્તારી નવી પેઢીને ઘડવાનું કામ કરવું પડશે અને તો જ આઝાદીનાં શતાબ્દી વરસે નવા ભારતના સર્જન માટે તત્પર થઈ શકીશું.જરૂર છે શહેર અને ગામડામાં વસતા બાળકોને ખડતલ શરીર અને મજબૂત મનનાં નિર્માણ માટેના સર્જનાત્મક હેતુ સાથે સાંકળવાની અને તે બાળવત્તર કરવા શિક્ષણનો સાધન તરીકે ઉપયોગ કરવાની.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top