Charchapatra

વેકેશન

 ‘વેકેશન’ શબ્દ બાળકો માટે ખાસ કરીને નિશાળમાં ભણતા બાળકો માટે આરામદાયક અને આનંદદાયક શબ્દ છે. અમે નાના હતા ત્યારે પરીક્ષા પતે એટલે સીધા મામાના ઘરે પહોંચી જતા અને ત્યાં મામા, માસીના બધા ભાઈબેન ભેગા થઈને મજા કરતા. એ દિવસો હજુ આજે પણ યાદ આવે છે. આજના સમયે બાળકની લાઈફ સ્ટાઈલ એવી છે કે મામાના ઘરે જવાનો સમય જ નથી. આજના સમયે માતા-પિતા વેકેશન શરૂ થાય ન થાય એ પહેલાં જ બાળકને સમર કેમ્પ, ક્રીકેટ, કરાટે વગેરે ઈત્તર પ્રવૃત્તિમાં જોડી દેવામાં આવે છે. આજનું બાળક વેકેશનની ખરી મજા માણી શકતું જ નથી કારણ કે, મા-બાપ પોતાના બાળકને જરા પણ નબળું પડવા દેતા નથી, એને સતત પ્રવૃત્તિમય જ રાખે છે. પરિણામે વેકેશનની મજાથી આજનું બાળક વંચિત રહી જાય છે. બાળકને એની રીતે આનંદ કરવા દો. મા-બાપે બાળક પર ઈત્તર પ્રવૃત્તિની જવાબદારી થોપવી જોઈએ નહીં. આજનું બાળક વેકેશનનો ખરો આનંદ ક્યારે માણસે એ જ સમજાતું નથી.
સુરત     – શીલા સુભાશ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મૃતદેહનો પર્યાવરણહિતૈષી રીતે નિકાલ
૨૬મી માર્ચના ગુજરાત મિત્રમાં નાનક ભટ્ટે મૃતદેહનો પર્યાવરણહિતૈષી રીતે નિકાલ અને તેના શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ અંગે યોગ્ય ચર્ચા કરી. હવે માનવ-શરીરના ડિજિટલ મોડેલ મળે છે તેથી કદાચ તબીબી અભ્યાસ માટે શબોની જરૂરિયાત ઓછી હોઈ શકે છે. વળી, છેવટે તેમનો પણ નિકાલ કરવાનો જ રહે છે. છેલ્લા થોડાક વર્ષોથી ઍક્વામેશન અથવા આલ્કલાઇન હાઇડ્રોલિસીસ નામની પદ્ધતિ પ્રચલિત થઈ છે. આપણે તેને જળદાહ કહી શકીએ. તેમાં સોડિયમ કે પોટેશિયમના હાઈડ્રોક્સાઈડ કે કાર્બોનેટના આશરે ૧૫૦૦ લિટર પાણીમાં બનાવેલ દ્રાવણમાં શબને થોડા ઉંચા તાપમાને રાખવામાં આવે છે. બેથી ચાર કલાકમાં શબ દ્રાવણમાં ઓગળી જાય છે.

હાડકાં પોચાં પડી જાય છે જે સ્વજનો અસ્થિ વિસર્જન માટે લઈ જઈ શકે છે. શરીરમાં ઈમ્પ્લાન્ટ કરેલા ધાતુના ભાગો છૂટા પડી જાય છે. પ્રક્રિયાને અંતે કથ્થઈ રંગના પાણીમાં રહેલા ઓર્ગેનિક પદાર્થોને લઇને તેને ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ પદ્ધતિમાં વાયુ પ્રદૂષણ ઘણું ઘટી જાય છે. અગ્નિદાહની સરખામણીમાં કાર્બન ડાયોક્સાઇડ છઠ્ઠા ભાગનો ઉત્સર્જિત થાય છે અને નાઇટ્રોજન ઓક્સાઇડો બનતા નથી. આમ, ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં પ્રવેશતાં ઘટી જાય છે. વિશ્વના કેટલાક દેશોમાં આ પદ્ધતિને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે.
સુરત     – ડૉ.પરિમલ પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top