આજે આપણે જિંદગીની કોઈપણ પળને આંગળીના એક જ ટેરવાં દ્વારા કેદ કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે છે મોબાઈલ જેવું હાથવગું સાધન. પરંતુ તમે 15-20 વર્ષ પાછળ નજર કરશો તો તમને જણાશે કે એ સમયમાં ફોટો પડાવવા માટે સ્ટુડિયોનો સહારો લેવો પડતો હતો અને એ થોડું ખર્ચાળ અને ધીરજ માંગી લેતું કામ હોવાના કારણે તમે જોશો કે એ સમયમાં અત્યારના પ્રમાણમાં લોકો પાસે ફોટા ઓછા હશે. આવા સમયમાં લોકોની યાદોને કચકડામાં કંડારવા માટે સુરતમાં એક નામ જાણીતું બન્યું હતું.. એ છે V.N. મહેતા ફોટો સ્ટુડિયો. તો ચાલો આજે આપણે પેઢીનામામાં મુલાકાત કરીશું, વર્ષ ૧૯૦૧ થી સુરતની જનતાની કેટલીક મહામૂલી યાદોને કેદ કરનાર V.N. મહેતા ફોટો સ્ટુડિયોની કે જેની ચોથી પેઢી આજે પણ લોકોની યાદોને કેદ કરી રહી છે જ્યારે પાંચમી પેઢી પણ આ ક્ષેત્રે પગરણ માંડવા તત્પર છે. આજના ડિજિટલ યુગમાં ફોટોગ્રાફી ક્ષેત્રે આવેલા અનેક પડકારોને પાર કરીને જમાનાં સાથે તાલ મિલાવીને આજે પણ અડીખમ છે V.N. મહેતા પરિવાર ..
V.N. મહેતા એન્ડ કું. ફોટો સ્ટુડિયો… સને 1901થી શરૂ થયેલો આ ફોટો સ્ટુડિયો સુરતીઓની જાણે ઓળખ બની ગયો છે. 122 વર્ષ જૂની આ પેઢીએ સુરતની એક સદી કરતાં પણ વધારે ચડતી પડતી જોઈ છે. સુરતની જ નહીં પરંતુ V.N. મહેતા આખા દક્ષિણ ગુજરાતમાં જાણીતું નામ છે. જ્યારે ગાંધીજીએ નમક સત્યાગ્રહ દરમિયાન મીઠું ઉંચક્યું ત્યારે V.N. મહેતાએ ફોટો ખેંચ્યો હતો. જે આજે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગાંધીજીથી શરૂ કરીને નહેરૂજી, પૃથ્વીરાજ કપૂર અને હાલના સમયમાં છેક શ્વેતા તિવારી અને સુરત મહાપાલિકાની સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલની પુત્રીની સગાઈ પ્રસંગ સુધીની ફોટોગ્રાફી V.N. મહેતા ફોટો સ્ટુડિયો દ્વારા કરવામાં આવી છે. એક્સપોઝિંગથી ફોટા તૈયાર કરવાથી માંડીને હાલના ડિજિટલ યુગમાં પણ લોકોને કાગળ પર સજાવી આપતાં V.N. મહેતા ફોટો સ્ટુડિયોએ ટેકનોલોજી સાથે સતત જોડાયેલા રહીને સુરતીઓને કેમેરા વેચીને ફોટો ખેંચતા કર્યા છે અને તેનો એવોર્ડ પણ સચિન તેંડુલકરના હાથે મેળવ્યો છે.
સુરતમાં સૌ પ્રથમ ફોટો સ્ટુડિયો વીજભૂખણદાસે શરૂ કર્યો
V.N. મહેતા ફોટો સ્ટુડિયોની શરૂઆત કરનારા હતા વિજભૂખણદાસ મહેતા. વર્ષ 1901માં સુરતના ચૌટાપુલ ખાતે વીજભૂખણદાસ મહેતાએ V.N. મહેતા ફોટોગ્રાફી સ્ટુડિયોના નામથી સૌ પ્રથમ ફોટો સ્ટુડિયોની શરૂઆત કરી હતી. જેમ-જેમ ટેક્નોલૉજી બદલાતી ગઈ તેમ-તેમ પરિસ્થિતી સાથે તાલ મેળવવા માટે તેમણે આર્થિક સંઘર્ષ કરીને પણ પોતાની પેઢીને ટકાવી રાખી. આજ કારણે સુરતમાં તેઓ કુલ 5 ફોટો સ્ટુડિયોના માલિક બન્યા હતા અને આજે 122 વર્ષે પણ શહેરના ચૌટાપુલ અને નાનપુરા વિસ્તારમાં તેમની ચોથી પેઢી આ વ્યવસાય સંભાળી રહી છે.
વંશવેલો
# વિજભૂખણદાસ નરોત્તમદાસ મહેતા
# નટવરલાલ વિજભૂખણદાસ મહેતા
# રમેશભાઈ નટવરલાલ મહેતા
# રાજેશભાઈ રમેશભાઈ મહેતા
# બીનાબેન જાવેદ કાઠાવાલા (રમેશભાઈના પુત્રી )
# ગીતા બેન રમેશભાઈ મહેતા
ગાંધીજીએ નમક સત્યાગ્રહમાં મીઠું ઉંચક્યાનો ફોટો V.N. મહેતાએ લીધો હતો
૧૨૨ વર્ષથી ફોટોગ્રાફી સાથે સંકડાયેલા હોવાને કારણે આઝાદીની ચળવળના પણ સાક્ષી રહ્યા છે અને આજે આપણે જે ફોટોમાં ગાંધીજીને સત્યાગ્રહ સમયે મીઠું ઉચકતા જોઈ શકીએ છીએ એ ફોટો ક્લિક કરવાનું શ્રેય પણ V.N. મહેતાને ફાળે જાય છે. આ ઉપરાંત પંડિત જવાહરલાલ નહેરૂ જ્યારે સુરત આવ્યા ત્યારે તેમને V.N. મહેતાની ફોટોગ્રાફી બતાવવામાં આવી હતી. જ્યારે પૃથ્વીરાજ કપૂર સુરત આવ્યા ત્યારે તેમનો પોઈટ્રેટ ફોટો પણ પાડ્યો હતો.
# વર્ષ 1931 વખતનું V.N. મહેતા એન્ડ કંપનીનું ફોટોગ્રાફી સેવાઓને લગતું બીલ.
સેલિબ્રિટીઝ તથા શહેરની જાણીતી હસ્તીઓના પ્રસંગો દિપાવ્યા
સુશ્મિતાસેન દ્વારા જ્યારે મુંબઈમાં જ્વેલરી એક્ઝિબિશનમાં કેટવોક કરવામાં આવ્યું ત્યારનો અને દિયા મિર્ઝા દ્વારા પુનામાં કેટવોક કરવામાં આવ્યું ત્યારનો ફોટો પણ V.N. મહેતાએ સ્ટુડીઓ દ્વારા લીધો છે. જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના અભિનવ સાથેની વેડિંગ ફોટોગ્રાફી કરવા માટે પણ સુરતથી ખાસ V.N. મહેતાની ટીમને બોલાવવામાં આવી હતી. છેલ્લા ૩૦ વર્ષની વેડિંગ ફોટોગ્રાફી દરમિયાન સુરતની જાણીતી ગણગૌર રેસ્ટોરન્ટના માલિકના પરિવારના રાજસ્થાનના પુષ્કરમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ V.N. મહેતા દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવી છે. સુરત મહાપાલિકાની સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલની પુત્રીની સગાઈની ફોટોગ્રાફી પણ V.N. મહેતા દ્વારા કરવામાં આવી છે.
સૌ પ્રથમ કલરલેબ સુરતમાં આવી : બીનાબેન
નાનપુરા ખાતે ફોટો સ્ટુડિયોનું સંચાલન કરનાર બીના જાવેદ જણાવે છે કે, ‘અમે ભાઈ બહેન મળીને ચોથી પેઢીનો અમારો આ વ્યવસાય સંભાળી રહ્યા છીએ અને આજની આધુનિક ટેક્નિક સાથે નવી નવી ટેક્નોલૉજીનો ઉમેરો કરતા રહીએ છીએ. કારણ કે સુરતમાં સૌ પ્રથમ કલર લેબ મારાં માતા ગીતાબહેન મહેતા દ્વારા લાવવામાં આવી હતી, જેથી આજે પણ અમે લોકોને નવું આપવા માટે હંમેશા તત્પર રહીએ છીએ.’ તેઓ આગળ જણાવે છે કે, ‘અમારી પાસે આઝાદી સમયના પણ અનેક ફોટોગ્રાફ છે, જેનો અમને ગર્વ છે કે અમે આ ક્ષણને કેદ કરી શક્યા. ઘણી ઈલેટ્રોનિક્સ શોપ્સમાં DSLR કેમેરા મળતાં હોવા છતાં સાચી સમજાવટ અને વેચાણ પછીની સર્વિસીસ આપતા હોવાને લીધે અમે આજે પણ દક્ષિણ ગુજરાતમાં કેમેરાના વેચાણમાં સાૈથી અગ્રેસર છીએ.
અઢળક ઇનામોના બન્યા હકદાર
122 વર્ષથી ફોટોગ્રાફી સાથે સંકડાયેલા હોવાના કારણે અત્યાર સુધીમાં વી એન મહેતા ફોટો ના ખાતામાં અઢળક પ્રમાણ પત્રો અને મેડલ્સ જમા થયા છે અને એ જ બાબત તેમની સફળતાની સાક્ષી પૂરે છે.
મોબાઈલના ફોટા મોબાઈલ પૂરતા જ સીમિત રહે
પહેલાના સમયમાં માથા પર કાળું કપડું લગાડીને ફોટા પાડવામાં આવતા હતા, બાદમાં રોલ ફિલ્મ આવી પછી કલર ડિજિટલ કેમેરા આવ્યા. હવે આજના યુગમાં મોબાઇલમાં જ ડિજિટલ કેમેરાનો સમાવેશ થયો છે. બીનાબેન આગળ જણાવે છે કે, મોબાઈલથી લીધેલા ફોટા મોબાઈલ પૂરતા જ સીમિત રાખી શકાય છે તેનો વપરાશ પોસ્ટર, આલ્બમ કે પોટ્રેટ બનાવવા કરી શકાય નહિ, આના માટે આજે પણ પ્રોફેશનલ કેમેરાનો જ ઉપયોગ કરવામાં આવે છે. આજે જ્યારે સોશ્યલ મીડિયા પર રિલ્સ બનાવવાનું ચલણ વધ્યું છે ત્યારે આ નવા ટ્રેન્ડ સાથે પણ તાલ મિલાવીને V.N. મહેતા એ ફ્રન્ટ પર પણ એક્ટિવ રહે છે.
શરૂઆતમાં રોલની કિંમત હતી 60 થી 70 રૂપિયા : રાજેશ મહેતા
શહેરના ટ્રાફિકથી ધમધમતા ચૌટા પુલ વિસ્તારમાં ફોટો સ્ટુડિયોનું સંચાલન કરનારા ચોથી પેઢીના રાજેશભાઈ જણાવે છે કે, ‘લોકોને હમેશા બેસ્ટ આપવા માટે તત્પર છું, અને આજ કારણે આજે ડિજિટલ મોબાઈલના યુગમાં પણ મે પોતાની શાખ ટકાવી રાખી છે.’ ભૂતકાળને યાદ કરતાં રાજેશભાઈ જણાવે છે કે, પહેલાના સમયમાં ફોટો પાડવા માટે કેમેરામાં રોલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તેની કિંમત 60 થી 70 રૂપિયા હતી, જો કે આજે મારી પાસે તમામ આધુનિક ટેક્નોલોજીના કેમેરા ઉપલબ્ધ છે અને અમે ગ્રાહકોની જરૂરિયાતને સમજીને તેમને ઉત્તમ કામ આપવાનો પ્રયાસ કરીએ છીએ.’ એટલું જ નહિ,હું સચિન તેંડુલકરના હસ્તે ‘સાઉથ ગુજરાતનો હાઈએસ્ટ સેલ્સ ઓફ ડિજિટલ કેમેરા’નો એવોર્ડ મેળવી ચૂક્યો છું અને જ્યારે પહેલાના સમયમાં ફક્ત ફોટો બતાવીને સાઈઝ અને ક્લેરીટી બતાવવામાં આવતી જે આજે ડિજિટલ ફોટોગ્રાફી દ્વારા ગ્રાહક જે તે સમયે જોઈ શકે છે. એટલું જ નહિ અમારે ત્યાં કેમેરા ખરીદવા આવતા ગ્રાહકોને અમે તેમની જરૂરિયાત મુજબનો કેમેરો લેવા માટે ગાઈડ કરીએ છીએ. જે અન્ય કેમેરાના દુકાનદારો કરી શકતા.