હવે ભારત વિરુધ્ધ ખોટા સમાચાર (News) તેમજ અફવા ફેલાવનાર યુ ટ્યુબ ચેલનો અને વેબસાઈટની ખેર નથી. દેશમાં આવી જ કેટલીક યુ-ટયુબ (U-Tube) ચેનલો તેમજ વેબસાઈટને (Website) બંધ કરી દેવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) ખોટા સમાચાર તેમજ અફવાઓ ફેલાવતી ચેનલોને ચેતવણી આપી છે કે દેશ વિરુધ્ધ કાર્ય કરનાર એવી ચેનલો ઉપર કડક કાર્યવાહી ચાલુ રહેશે. તેઓએ સાથે જણાવ્યું હતું કે અગાઉ વર્ષ 2021માં કેન્દ્ર સરકારે આવી રીતે કાર્ય કરતી 20 ચેનલો તેમજ 2 વેબસાઈટને બ્લોક કરી હતી. સૂત્રો અનુસાર આ કાર્યવાહીમાં સરકારે ગુપ્તચર એજન્સીઓની પણ મદદ લીધી હતી.
આ બાબત અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ વકીલ એવા કપિલ સિબ્બલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે જયારે કોઈ મંત્રી દ્વારા કોઈપણ વેબસાઇટ અથવા યુટ્યૂબ ચેનલ જુઠ્ઠાણા ફેલાવનાર અને સમાજમાં ભાગલા પાડનારને બ્લોક કરવામાં આવશે તો શું આ તે પાર્ટીને પણ લાગુ પડશે જેણે તેને એક કળા બનાવી દીધી છે?
મળતી માહિતી મુજબ ગયા વર્ષે જે 20 ચેનલો તેમજ 2 વેબસાઈટ બ્લોક કરવામાં આવી હતી તે પાકિસ્તાનથી ચાલતા નેટવર્ક સાથે સંબંધિત હતી. આ ચેનલો ભારતને લગતા વિવિધ સંવેદનશીલ વિષયો ઉપર અફવાઓ ફેલાવતી હતી. આ ચેનલો કાશ્મીર, ભારતીય સેના, જનરલ બિપિન રાવત, રામ મંદિર અને ભારતમાં લઘુમતી સમુદાયો વિશેના ખોટા સમાચાર ફેલાવતી હતી.
પાકિસ્તાનથી સંચાલિત ચેનલોએ દેશમાં ફેલાવ્યા આ સમાચાર
ભારત વિરોધી ખોટી માહિતીના પ્રસારના અભિયાનની મોડલ ઓપરેન્ડીમાં નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG) સામેલ છે જેનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવી રહ્યું હતું. તે યુટ્યૂબ ચેનલોનું નેટવર્ક ધરાવે છે તેમજ કેટલીક NPG સાથે સંબંધિત ના હોય તેવી યુટ્યૂબ ચેનલો પણ ધરાવતી હતી. નયા પાકિસ્તાન ગ્રૂપ (NPG)ની કેટલીક યુટ્યૂબ ચેનલોનું સંચાલન પાકિસ્તાની સમાચાર ચેનલોના એન્કરો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ યુટ્યૂબ ચેનલો દ્વારા ખેડૂતોના વિરોધ, નાગરિકતા (સુધારા) કાયદાને લગતા વિરોધ જેવા મુદ્દાઓ સંબંધિત સામગ્રી પણ પોસ્ટ કરવામાં આવી હતી અને લઘુમતીઓને ભારત સરકાર સામે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ યુટ્યૂબ ચેનલોનો ઉપયોગ આગામી ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવા માટે કરવામાં આવ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.