સુરતઃ સુરત શહેરમાં ઉતરાયણ વખતે દર વર્ષે પતંગનો દોરો ઘણા લોકો માટે ઘાતક તો ઘણા માટે જીવલેણ સાબિત થાય છે. ચાલુ વર્ષે પણ પાંડેસરાની 50 વર્ષિય આધેડ મહિલા અને લાલગેટ રામપુરામાં એક શ્રમિકના મોતનું કારણ પતંગનો દોરો બન્યો હતો. જ્યારે 196થી વધારે લોકો પતંગના કારણે વિવિધ ઘટનાઓમાં ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં પતંગના દોરાથી 36 ઇજાગ્રસ્ત, 107 અકસ્માત, 28 સ્થળે મારામારી, 20 નીચે પટકાયા અને 5 કરંટ લાગવાના કોલ 108ને મળ્યા હતા.
- પતંગના દોરાથી 36 ઇજાગ્રસ્ત, 107 અકસ્માત, 28 સ્થળે મારામારી, 20 નીચે પટકાયા અને 5 કરંટ લાગવાના કોલ 108ને મળ્યા
- પાંડેસરામાં રહેતી તારામુન્નીદેવીના ચહેરા પર તેરેનામ ચોકડી પાસે પતંગનો દોરો આડે આવતા બાઈક પરથી પટકાતા મોત થયું
- રામપુરાના રોહિત ફળિયાનો જયરામ પરમાર ધાબા પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો
નવી સિવિલ અને સ્મીમેરમાંથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે ચીકુવાડી કૈલાસનગરમાં રહેતી ૫૦ વર્ષીય તારામુન્નીદેવી શુક્રવારે બપોરે તેના પુત્ર કમલદેવ સાથે બાઈક ઉપર કામ પતાવી ઘરે જઈ રહી હતી. ત્યારે તેરેનામ ચોકડી પાસે પતંગનો દોરો તારામુન્નીદેવીના ચહેરા પર આવતાં તે બાઇક પરથી નીચે પટકાઈ હતી. તેને માથામાં ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. તેને સંતાનમાં ચાર પુત્ર છે અને તેમના પતિ વતન બિહારમાં ખેતીકામ કરે છે.
બીજા બનાવમાં રામપુરા ખાતે રોહીત ફળીયામાં રહેતા 45 વર્ષીય બાબુભાઈ જયરામ પરમાર શનિવારે મિત્ર સાથે પતંગ ઉડાડતો હતો. ત્યારે ત્રીજા માળેથી નીચે પટકાતાં મોતને ભેટ્યો હતો. આ સિવાય 108ને બે દિવસમાં પતંગના વિવિધ કારણોથી ઘાયલ થયાના 196થી વધારે બનાવ બન્યાના કોલ મળ્યા હતા. જેમાં પતંગ દોરાથી ઇજાગ્રસ્ત થયાના 36 કોલ મળ્યા, જ્યારે અકસ્માતના 107 બનાવ બન્યા છે. મારામારીના 28 બનાવ બન્યા છે. નીચે પટકાવાના 20 બનાવ બન્યા છે અને કરંટ લાગવાના 5 બનાવ ૧૦૮માં નોંધાયા છે.
પાંડેસરામાં યુવક અગાસી પરથી નીચે પટકાયો
પાંડેસરા એસએમસી આવાસમાં રહેતો 21 વર્ષીય સંતોષ ગુપ્તા શુક્રવારે સાંજે અગાસી પર પતંગ ચગાવતા નીચે પટકાયો હતો તેને પગ અને હાથમાં ફ્રેકચર થતાં નવી સિવિલ હોસ્પિટલમાં ભર્તી કરાયો છે.
ડુમસ આભવામાં બાળકી પતંગના દોરાથી ઘાયલ
ડુમસ આભવા ગામ પાસે રહેતી નવ વર્ષીય લક્ષ્મી લલિત નીનામા શુક્રવારે બપોરે ઘરની બહાર ઉભી હતી ત્યારે પતંગના દોરા તેના બંને પગમાં વીંટળાઈ જતાં તે નીચે પટકાઈ હતી. તેને તેના પિતા નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવતા જે હાલ સારવાર હેઠળ છે.
ડિંડોલીમાં પતંગનો દોરો સામે આવતાં બાઈક સ્લીપ થતાં યુવકને ઈજા
ડીંડોલી રવિ દર્શન સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય જગદીશ નામદેવ પવાર શુક્રવારે બપોરે બાઈક પર જતા હતા. ત્યારે ડીંડોલી પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક પતંગનો દોરો તેમના આંખ સામે આવતા તેમની બાઇક સ્લીપ થઇ હતી. અને તેઓ નીચે પટકાતા તેમના ડાબા પગ અને હાથને ઈજા થઈ હતી. જગદીશભાઈને તેમનો પુત્ર નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો.
અશ્વિનીકુમાર રોડ પર પતંગના દોરાથી વૃદ્ધને આંખમાં ઈજા
વરાછા વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ પર રિવરવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૦ વર્ષીય ગોપાલભાઇને ગઈકાલે સાંજે પતંગની દોરી આડી આવતા તેમના આંખને ઇજા થઇ હતી.
બે દિવસમાં 108ને મળેલા કોલ
કેસ 14 જાન્યુ. 15 જાન્યુ.
દોરાથી ઘાયલ 27 09
અકસ્માત 67 40
મારામારી 20 08
નીચે પટકાયા 16 04
કરંટ 04 01