ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં એક મોટો અકસ્માત (Accident) થયો છે. મળતી માહિતી મુજબ જિલ્લાના મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારમાં સુમાલી નદીમાં એક બોટ (Boat) ડૂબી ગઈ હતી. આ બોટમાં 25થી વધુ લોકો હતા. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે, જ્યારે અત્યાર સુધીમાં 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
દુર્ઘટના બાદ પોલીસ અને ડાઇવર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નદીમાંથી અત્યાર સુધીમાં 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 7 લોકોને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે નદી પાર મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશન વિસ્તારના બૈરાના મૌ મઝહરી ગામમાં હંગામો ચાલી રહ્યો હતો. બધા લોકો તેને જોવા માટે હોડીમાં સુમાલી નદી પાર કરી રહ્યા હતા. ત્યારપછી હોડી અધવચ્ચે પહોંચતા જ સંતુલન ખોરવાઈ ગયું અને હોડી પલટી ગઈ હતી. બારાબંકીમાં થયેલા આ દર્દનાક અકસ્માત બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે પીડિત પરિવારોને તાત્કાલિક મદદ આપવાનો નિર્દેશ આપ્યો છે.
મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના સેવરામાં મોડી સાંજે એક મોટો અકસ્માત થયો
મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના સેવરામાં મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ભિંડ જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી પુલ પરથી પલટી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 25 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા દતિયા અને ગ્વાલિયર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ માર્ગ અકસ્માતમાં હજુ પણ ઘણા લોકોના મોતની આશંકા છે. પુલ ઉપરથી ટ્રોલી પડી જતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.