National

ઉત્તરકાશી: 17 દિવસ બાદ મજૂરો સુરક્ષિત બહાર આવ્યા, CMએ ફૂલોથી સ્વાગત કર્યું, PMએ ખુશી વ્યક્ત કરી

ઉત્તરકાશી: (Uttarkashi) ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં (Tunnel) ચાલી રહેલા બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા મજૂરોને (Workers) સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ સીએમ પુષ્કર ધામી અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે તેમનું ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. મળતી માહિતી મુજબ તમામ મજૂરો સુરક્ષિત છે અને સ્વસ્થ છે. કોઈપણ મજૂર સાથે મેડિકલ ઇમરજન્સી સામે આવી ન હતી. તમામ મજૂરો પોતાની જાતે ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા. તમામ મજૂરોને એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીન કોરીડોરમાં ચિન્યાલીસૌર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કોઈની તબિયત ખરાબ હશે તો તેમને ઋષિકેશના એઈમ્સમાં લઈ જવાશે.

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરો આજે મંગળવાર 28 નવેમ્બરના રોજ 17 દિવસ બાદ એક પછી એક સુરક્ષિત બહાર આવી ગયા છે. સમગ્ર ભારત તમામ 41 મજૂરોના સુરક્ષિત બહાર આવવાની રાહ જોઇ રહ્યું હતું ત્યારે મજૂરો બહાર આવતા ટનલની બહાર ખુશીનો માહોલ છે. 17 દિવસ બાદ દેશવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. મજૂરો બહાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી.

મજૂરોને બહાર કાઢવા માટે છેલ્લા 16 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા મજૂરોને એક પછી એક ખૂબજ ઝડપથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

રેટ માઇનર્સની ટીમે સોમવારે મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કર્યું હતું જે ફક્ત બે જ દિવસમાં પૂર્ણ કર્યું હતું. પાઈપ મજૂરો સુધી પહોંચી ગઈ હતી. મજૂરોને કોઈ નુકસાન ન થાય તે માટે પાઈપ વેલ્ડીંગ કરવામાં આવી રહ્યું હતું. ટનલની બહાર એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમ તૈનાત હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય હતી. કામદારોને ટનલમાંથી બહાર કાઢતા જ ચિન્યાલીસૌર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ચિન્યાલીસૌર એરપોર્ટ પર ચિનૂક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટનલની બહાર અસ્થાયી હોસ્પિટલ પણ બનાવી દેવામાં આવી હતી. ટનલની અંદર મેડિકલ ટીમ હાજર હતી. સમગ્ર દિવસ દરમ્યાન હાજર રહી સીએમ પુષ્કર સિંહ ધામી સિલ્ક્યારા ટનલની બહાર સતત વોચ રાખી રહ્યા હતા. એક પછી એક બહાર આવતા શ્રમિકોનું તેઓએ સ્વાગત કર્યું હતું. સાથેજ કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ પણ હાજર રહ્યા હતા.

Most Popular

To Top