નવી દિલ્હી: ઉત્તરકાશી ટનલ દુર્ઘટના કેસમાં ટનલ નિર્માણ કરતી કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. સાતમાં દિવસે ખબર પડી કે ખરેખર ટનલમાં 40 નહીં પરંતુ તેનાથી વધુ લોકો ફસાયા છે.
યમુનોત્રી (Yamunotri) નેશનલ હાઈવે પર સિલ્ક્યારા (Silakyara) અને દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલમાં (Tunnel) થયેલા અકસ્માતમાં (Accident) નવો ખુલાસો થયો છે. આ દુર્ઘટનામાં ખરેખર 41 મજુરો ફસાયા હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાં 40 નહીં પરંતુ 41 કામદારો ફસાયા છે. કંપનીની બેદરકારીનો અંદાજોએ વાત પરથી લગાવી શકાય કે સાત દિવસ બાદ આ માહિતી પ્રાપ્ત થઇ છે. 41માં કામદારની ઓળખ દીપક કુમાર તરીકે થઈ છે. જે બિહારના મુઝફ્ફરપુરના ગીજસ ટોલાનો રહેવાસી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક રુહેલાએ જણાવ્યું હતું કે જ્યારે યાદીમાં 41 કામદારોના નામ આવ્યા ત્યારે NHIDCL અને બાંધકામ કંપની નવયુગ કન્સ્ટ્રક્શનની બેદરકારી બહાર આવી હતી.
ત્યારે છેલ્લા સાત દિવસથી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનમાં સુરંગમાં 22 મીટરના ડ્રિલિંગ બાદ કામ બંધ થઈ ગયું છે. નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)એ એક યાદી બહાર પાડીને જણાવ્યું કે ડ્રિલિંગ કામ કરી રહેલા અમેરિકન ઓગર મશીનની બેરિંગ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે કામ બંધ થઈ ગયું છે.
હાલ રેલ વિકાસ નિગમ લિમિટેડની ઓસ્ટ્રેલિયન કન્સલ્ટન્સી કંપનીના નિષ્ણાતો બચાવ કામગીરીમાં મદદ કરવા ઉત્તરકાશી પહોંચ્યા છે. તેમજ ઈન્દોરથી એરલિફ્ટ કરાયેલું મશીન જોલી ગ્રાન્ટ એરપોર્ટથી મોડી રાત્રે રવાના થયું હતું. આ સાથે જ મશીનના પાર્ટ્સ કંદિસૌર પહોંચી ગયા છે.
આ સાથે જ 1750 હોર્સ પાવર ઓગર મશીનના ઓપરેશનને કારણે ટનલની અંદર વાઇબ્રેશન ઉત્પન્ન થયું છે. માટે સપાટીનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. અને કાટમાળ પડવાનો ભય છે. જેને ધ્યાનમાં રાખીને વચ્ચે થોડા સમયનો વિરામ લેવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવના પગલે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીએ સરકારી આવાસ પર અધિકારીઓ સાથે ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કરાયેલા બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. સાથે જ અધિકારીઓને બચાવ કામગીરીમાં આવતા અવરોધોને દૂર કરવા માટે જરૂરી પગલા ભરવાનો નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ વડાપ્રધાન કાર્યાલયના નાયબ સચિવ મંગેશ ઘિલડિયાલ સિલ્ક્યારા પહોંચ્યા છે.