નવી દિલ્હી: ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં (Silkyara Tunnel) ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ (Rescue) અભિયાનનો આજે 14મો દિવસ છે. આશા હતી કે આજે તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવશે. પરંતુ ફરી એકવાર આશા નિરાશામાં પરિવર્તીત થઇ છે. આ મામલે મોટું અપડેટ (Update) સામે આવ્યુ છે. જેમાં દાવો કરાઇ રહ્યો છે કે આ મજૂરોને ક્રિસ્મસ (Christmus) સુધીમાં બહાર કાઢવામાં આવશે.
દિવસે ને દિવસે ઉત્તરકાશીમાં ફસાયેલા લોકોની જીંદગી મુશ્કેલીઓથી ઘેરાઇ રહી છે. આજે બહાર નીકળીશું કાલે બહાર નિકળીશું એમ વિચારનારા મજૂરોને હવે વારંવાર નિરાશા સાંપડી રહી છે. આ મજૂરો બહાર નીકળવાની આશાએ જીવી રહ્યા છે. ત્યારે આજે શનિવારે ચાલી રહેલી કામગીરી બાદ ઓગર મશીન બંધ થઇ જતાં હવે ફરી ડ્રીલીંગનું કામ અટકી ગયું છે. ઓગર મશીન બગડી જતા હવે ફરી આ મજૂરોએ પોતાના જીવનના ઘણા દિવસો આ ટનલમાં વિતાવવા પડશે. કારણ કે એક્સપર્ટનું માનવું છે કે હવે ડ્રીલીંગ વધુ મુશ્કેલ બનશે. જે ઓગર મશીનથી નહી પરંતુ કટરથી કરવામાં આવશે.
ટનલમાંથી માત્ર 9 મીટરના અંતરે ફસાયેલા આ મજૂરો જો જાતે જ ખોદકામ શરૂ કરે તો કદાચ વહેલા બહાર આવવાની સંભાવના દેખાશે. પરંતુ ખોદકામ કરવા જતા ફરી કાટમાળ તેમની ઉપર પડે તેવી પણ સંભાવનાથી ઇનકાર કરી શકાય નહીં. ત્યારે આ મામલે આંતર રાષ્ટ્રીય ટનલ એક્સપર્ટ ઓર્નાલ્ડ ડિસ્કએ દાવો કર્યો છે કે મજૂરોને બહાર કાઢવામાં હજી એક મહીનો લાગી શકે છે. કારણકે અમેરિકાનું મશીન બગડી ગયું છે અને હવે બીજું મશીન આવવાની શક્યતા નહીંવત છે. ક્રિસ્મસ પહેલા આ 41 જીવને બચાવી લેવામાં આવશે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
કામદારોને ખાવાપીવાની વસ્તુઓ તેમજ અન્ય જરુરી ચીજ વસ્તુઓ સપ્લાય કરવામાં આવી રહી છે. કામદારોને દર 45 મિનિટે 4 ઇંચની પાઇપ દ્વારા અંદર જમવાની વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. તેઓને મમરા, શેકેલા ચણા, પલાળેલા ચણા, બદામ, કાજુ, કિસમિસ, પોપકોર્ન અને મગફળી આપવામાં આવી હતી. જેનો તેઓ સંગ્રહ કરીને આહારમાં લઇ રહ્યા હતાં. ત્યારબાદ છ ઇંચના પાઇપને પણ ટનલમાં પહોંચાડી દેવાયું છે. કામદારોને રાંધેલો ખોરાક પણ આપવામાં આવી રહ્યો છે.
આ મંદિર તોડવાના કારણે થઇ છે દુર્ઘટના?
ટનલની કામગીરી શરૂ થાય તે પહેલાં ટનલના મુખ પાસે જ ‘બાબા બૌખનાગ’નું જીવંત મંદિર હતું. જેને તોડી આ ટનલ બનાવવામાં આવી હતી. મંદિરના પંડિત ગણેશપ્રસાદ બિજલ્વાવનું માનવુ છે કે આ મંદિેર તોડી પાડવાના કારણે જ આ દુર્ઘટના બની છે. ઉત્તરાખંડ એ દેવો અને મહાત્માની ભુમિ છે. અહીં કોઇ પણ કાર્ય કર્યા પહેલા નાનકડું મંદિર બનાવવામાં આવે છે. પરંતુ આ ટનલ બનાવવા પહેલા મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જેના પ્રકોપે આ દુર્ઘટના થઇ છે. વધુમાં પંડિતે જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ બાબા બૌખનાગની માફી માંગવામાં આવી હતી. જેના બાદ આ ડ્રીલીંગમાં સફળતા સાંપડી હતી.