સુરતીઓ પોતાના આગવા અંદાજ, ઝિંદાદિલી અને રમુજી સ્વભાવ માટે સમગ્ર દેશમાં જાણીતા છે. ગમે તેવી મુશ્કેલી હોય, તેને હસતાં હસતાં પાર કરવાની હિંમત સુરતીઓની ઓળખ છે. પતંગ, પોંક અને પાપડી પ્રત્યેનો તેમનો શોખ તો જાણીતો જ છે. ઉંધીયું, પોંક, ધારી લોચો અને ખાસ કરીને ઉત્તરાયણ—આ બધું સુરતની મોનોપોલી સમાન છે. સુરતમાં ઉત્તરાયણ માત્ર તહેવાર નથી, પણ એક ઉત્સવ છે. રાંદેર જેવા વિસ્તારોમાં પતંગ બનાવવાનું કામ પેઢી દર પેઢીથી ચાલે છે અને આખા વર્ષ પતંગો બને છે. સુરત, અમદાવાદ, ખંભાત અને નડિયાદ પતંગ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. આ ગૃહઉદ્યોગથી લાખો લોકોને રોજગાર મળે છે અને હજારો કરોડનું આર્થિક પરિભ્રમણ થાય છે.
ઉતરાયણ દરમિયાન આખા મોહલ્લા, શેરીઓ અને ધાબાઓ જીવંત બની જાય છે. દેશ-વિદેશમાં રહેલા સુરતીઓ પણ આ દિવસો માટે સુરત આવી પહોંચે છે. આખો દિવસ પતંગબાજી અને સાંજથી મોડી રાત સુધી સામૂહિક ખાણીપીણી, મસ્તી અને ફટાકડાં ચાલે છે. સુરતીઓની સૌથી મોટી વિશેષતા તેમની બિનસાંપ્રદાયિક ભાવના છે—દરેક તહેવાર સૌ સાથે મળીને ઉજવાય છે. સાચે જ, સુરતીઓ એટલે મોજ, ઉમંગ અને એક અનોખી જીવનશૈલી
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.