Charchapatra

ઉત્તરાયણનો ઉન્માદ

નવા વર્ષનો પ્રથમ તહેવાર ‘મકરસંક્રાંતિ’ ને ગુજરાતીઓ ‘ઉત્તરાયણ’ તરીકે ઉજવે છે. ‘ઉત્તરાયણ’ સુરતીઓનો માનીતો તહેવાર છે. તે દિવસે સવારે દાન-પુણ્ય કરી આખો દિવસ છાપરા-ધાબા પરથી પતંગ ચગાવી તેની ઉજવણી થાય છે. હવે તહેવારો એક દિવસ પૂરતા સીમિત રહી ગયા છે. પહેલાંના સમયમાં મનોરંજનનાં સાધનો ઓછાં હતાં, ત્યારે લોકો તહેવારોને મન મૂકીને માણતાં. સુરત કોટ વિસ્તારમાં ઉત્તરાયણની મજા કંઈ અલગ હોય છે. પહેલાંના સમયની વાત કરીએ તો, હજુ દિવાળીમાં ફટાકડાના ધૂમધડાકા માંડ શાંત થયા હોય, ત્યાં આકાશે પતંગો ચગવા માંડે. ડબગરવાડ અને ભાગળ પર માંજો ઘસવાનું શરૂ થઇ જાય. પહેલાં ભાર વગરનું ભણતર હતું. બાળકોને રમતગમત રમવાનો સમય મળતો હતો. ટી.વી., મોબાઈલ જેવાં સાધનો હતાં નહિ ત્યારે પતંગ ચગાવવા તે પણ એક રમત જ ગણાતી. ઉત્તરાયણના એક મહિનો આગળ અને એક મહિનો પાછળ પતંગો ચગતા. ઉત્તરાયણના આગળના દિવસે પતંગ પકડવા માટે મોટા વાંસ પર કાંટા લગાડી ઝંડુ બનાવવામાં આવે. રાત્રે પતંગના કન્ના બાંધી સ્ટોક કરી દેવામાં આવે. છોકરાઓ સવારે છ વાગ્યે છાપરા-ધાબા પર પતંગ ચગાવવા માટે ચઢી જતાં, સવારમાં કાઈપો.. કાઈપો..ના અવાજથી વાતાવરણ ગૂંજી ઊઠતું. છાપરા-ધાબા પર ચોળાની દાળનાં વડાં, તલના લાડુ અને બોર ખાવાની ઉજાણી ચાલતી. કપાઇને આવતા પતંગ ચગાવવાની મજા કંઈ અલગ હતી. પતંગ કપાઈ જાય ત્યારે દોરી કોઈ લૂંટી જાય ત્યારે તેઓને સુરતી સાંભળવા મળતી.

મોડી સાંજ સુધી આકાશ પતંગમય બની જાય. બીજા દિવસે પણ શાળામાં રજા રહેતી. ઉત્તરાયણના બીજા દિવસને ‘ઠિકરાત’ કહેવામાં આવે છે. પહેલાં ઓછા ખર્ચે તહેવારની ઉજવણી થતી હતી. આજે પણ કોટ બહાર રહેવા ગયેલા અસ્સલ સુરતીઓ ‘ઉત્તરાયણ’ની ઉજવણી તો કોટ વિસ્તારના ધાબા ઉપર કરે છે.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હિન્દુઓનું રક્ષણ કરવા તંત્ર કડક બને
ગુજરાતભરમાં તાજેતરમાં અશાંતધારા કાયદા હેઠળ હિન્દુઓને ઘણું જ સહન કરવાનું આવી રહ્યું છે. આ સમયે સરકાર પોતાનો ઇરાદો સ્પષ્ટ કરે! શું હિન્દુઓ ભારત છોડી બીજા દેશમાં રહેવા જાય? આપણું હિન્દુ રાષ્ટ્ર છે. સરકાર ધારે તે જગ્યાએ મંદિરો બનાવી શકે છે. (જયશ્રી રામ મંદિર અયોધ્યા) હિન્દુઓની મિલકતો લેવામાં વિધર્મીઓનો બદઇરાદો દેખાઇ આવે છે જ! ધાર્મિક સ્થળોની બાજુની જગ્યાઓ પણ ખરીદ કરવાની હિમ્મત કરે છે. જેથી હિન્દુઓને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે. આ સરકાર જયારે સત્તાવિહોણી થશે ત્યારે ભાન થશે. શિખરજી આંદોલન શું સૂચવે છે? સરકારના મંત્રીઓ, અધિકારીઓ જાગો! હિન્દુઓના વિસ્તારમાં વિધર્મી મિલકતો લે તો તેને તરત જ સીઝ કરી દેવી. કડક કાયદો બનાવવો. વિધર્મીઓ સરકારની દરેક યોજનાઓનો લાભ લે છે. વકફ બોર્ડની જગ્યા સરકાર હસ્તક થઇ રહી છે. (સંપતિ) હિન્દુઓ અને તેની સંપત્તિની રક્ષા કરે તે આ સમયની માંગ છે.
સુરત              – જવાહર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top