ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ ભયંકર રૂપ ધારણ કરી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે એનડીઆરએફની ટીમો કબજો લેશે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તરાખંડ સરકારને રાહત કાર્ય માટે એક હેલિકોપ્ટર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સંદર્ભે ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપી છે. તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના સંબંધમાં મેં રાજ્યના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવત સાથે વાત કરી હતી.
તેમજ આગને કાબૂમાં લેવા અને જાનહાનિને રોકવા માટે કેન્દ્ર સરકારે તત્કાળ એનડીઆરએફ ટીમો અને હેલિકોપ્ટર ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે. આ અંગે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે અમિત શાહનો આભાર માન્યો હતો. રવિવારે મુખ્યમંત્રીએ આ મામલે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે ‘જંગલમાં લાગેલી આગના કારણે માત્ર જંગલની સંપત્તિને જ નહીં પરંતુ જાનહાનિ અને વન્યપ્રાણીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. જંગલમાં લાગેલી આગની ઘટનાને ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય, વન વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટની વરિષ્ઠ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તરાખંડની વન સંપત્તિ માત્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશનો વારસો છે. અમે તેને સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છીએ. ઉત્તરાખંડમાં આ વખતે શિયાળામાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહ્યો હતો તેના કારણે જંગલોમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.