45 વર્ષીય પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami) ઉત્તરાખંડના (Uttarakhand) 11 મા મુખ્યમંત્રી (CM) બન્યા છે. રવિવારે સાંજે દહેરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે મુખ્યમંત્રી પદના શપથ (Oath) લીધા હતા. રાજ્યપાલ બેબી રાની મૌર્યાએ તેમને શપથ અપાવ્યા. ઉત્તરાખંડને છેલ્લા સાડા ચાર વર્ષમાં ત્રીજા મુખ્યમંત્રી મળ્યા છે. અગાઉ ત્રિવેન્દ્રસિંહ રાવત અને તીરથસિંહ રાવત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ધામી રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પુષ્કર સિંહ ધામીને મહત્વની જવાબદારી આપી છે. ધામી ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ બેબી રાની મૌર્યએ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે. માત્ર સાડા ચાર વર્ષમાં ભાજપે ત્રીજા મુખ્યમંત્રી આપ્યા છે. ત્રણ દિવસ પહેલા તીરથ સિંહે બંધારણીય સંકટની વાત કહી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ પાર્ટીએ પુષ્કર સિંહ ધામીની પસંદગી કરી છે.
ભાજપની ધારાસભ્ય દળની બેઠક શનિવારે મળી હતી જેમાં ધામીના નામ પર મોહર લાગી હતી. ધામીને મુખ્યમંત્રી બનાવવાથી નારાજ જણાતા સતપાલ મહારાજ, હરક સિંહ રાવત, ધન સિંહ રાવત અને અન્ય નેતાઓ પણ સમારંભમાં પહોંચ્યા હતા. શપથ પહેલાં જ ધામી મંચ પરથી ઉતરીને સતપાલ મહારાજને મળવા ગયા હતા. મુખ્યમંત્રી પછી સતપાલ મહારાજ, હરક સિંહ રાવત, બંશીધર ભગત, યશપાલ આર્ય અને બિશન સિંહને મંત્રી પદના શપથ અપાવવામાં આવ્યા હતાં. આ પહેલાં કહેવામાં આવતું કે માત્ર મુખ્યમંત્રીને જ શપથ અપાવવામાં આવશે.
સૌથી નાની વયના મુખ્યમંત્રી
પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975ના રોજ ખાતીમામાં થયો હતો. હાલમાં ઉત્તરાખંડમાં સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે રહેશે. 70 વિધાનસભા સીટવાળા ઉત્તરાખંડમાં ભાજપની પાસે 57 ધારાસભ્યો છે. સાડા ચાર વર્ષના શાસનમાં ભાજપે ત્રીજા મુખ્યમંત્રી આપ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે. ભાજપના યુવા કાર્યકર્તાઓ પર તેમની સારી પકડ માનવામાં આવે છે. તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ ભાજપની એક રણનીતિ યુવા મતદાતાઓને પોતાના પક્ષમાં કરવાની હોઈ શકે છે. ધામીએ માનવ સંશાધન પ્રબંધન અને ઔધોગિક સંબંધમાં માસ્ટર કર્યુ છે. તેઓ 1990 થી 1999સુધી ABVPમાં અલગ-અલગ પદો પર કાર્ય કરી ચૂક્યા છે. ધામી 2002 થી 2008 દરમિયાન યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. તેઓ 2010 થી 2012 સુધી અર્બન ડેવલપમેન્ટ કાઉન્સિલના વાઇસ ચેરમેન હતા. 2012માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.