નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકારે 22 એપ્રિલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે બુધવારે માર્ગદર્શિકા (ગાઈડલાઈન) બહાર પાડી છે. માર્ગદર્શિકાની સાથે ઉત્તરાખંડ સરકારે રાજ્યની આબોહવાને ધ્યાને રાખીને ઓછામાં ઓછો સાત દિવસનો કાર્યક્રમ બનાવવાની સલાહ આપી છે.
ગત વર્ષે ચારધામ યાત્રા દરમિયાન અનેક ભાવિકોને હાર્ટ એટેક આવવાના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. જેના કારણે સરકારે આ વર્ષે યાત્રા શરૂ થવાના પહેલા જ માર્ગદર્શિકા બહાર પાડી છે. ઉત્તરાખંડના આરોગ્ય સચિવ આર રાજેશ કુમાર દ્વારા આ માર્ગદર્શિકાને યાત્રીઓની વચ્ચે પ્રચાર-પ્રસાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેથી તેમની યાત્રા સુગમ અને સુરક્ષિત રૂપથી પૂર્ણ થાય.
માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, હિમાલય ક્ષેત્રમાં સ્થિત ચારેય ધામ- બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુની ઊંચાઈ પર સ્થિત છે, જ્યાં તીર્થયાત્રી વધુ ઠંડી, વધુ અલ્ટ્રા વાયલેટ વિકિરણ, ઓછી હવાનું દબાણ, ઓક્સિજનની ઓછી માત્રાથી પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે તેઓ યાત્રાથી પહેલા અને યાત્રા દરમિયાન સાવચેતી રાખે. આ ઉપરાંત, તેમણે યાત્રા પર આવવા પહેલા રોજ પાંચ-દસ મિનિટ શ્ર્વાસનો વ્યાયામ કરવાની તેમજ 30 મિનિટ ચાલવાની સલાહ પણ આપવામાં આવી છે.
ચારધામ યાત્રા પર જતી વખતે યાત્રીઓએ ગરમ કપડા, છત્રી અને લાકડી સાથે રાખવાની તેમજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછું બે લીટર પ્રવાહી પીણું અને ભરપુર પૌષ્ટિક આહાર લેવાની સલાહ પણ આપવામાં આવી છે. યાત્રા દરમિયાન જો તમને માથાનો દુખાવો, ચક્કર, ધબકારા, ઝડપી ધબકારા, ઉલટી, થાક, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અથવા અન્ય લક્ષણો હોય, તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર પહોંચો અને 104 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો.
ચારધામ યાત્રા પર જવાના પહેલા સ્વાસ્થ સંબંધિત આ બાબતોનું ધ્યાન રાખવું
1. ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓએ પોતાનું હેલ્થ ચેકઅપ કર્યા પછી જ નીકળવાનું.
2. જો તમે પહેલાથી જ બીમાર છો, તો પોતાના ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, ફોન નંબર અને દવાઓ પોતાની સાથે રાખો.
3. વધુ વૃદ્ધ, બીમાર અથવા કોવિડ સંક્રમિત થઈ ચુકેલા વ્ચક્તિ યાત્રા ન કરવી અથવા થોડા સમય પછી કરવી.
4. તીર્થસ્થળ પર પોંહચવા પહેલા રસ્તામાં એક દિવસ આરામ જરૂર કરવો.
5. યાત્રાના સમયે તમારી સાથે આધાર કાર્ડ અને ટ્રાવેલ પાસ હોવો જરૂરી છે. તેને તરત જ તમારી ટ્રાવેલિંગ બેગમાં રાખો.
6. તમારી મુસાફરીની બેગમાં પીડા નિવારક દવાઓ, એન્ટિબાયોટિક્સ, કફ સિરપ, એન્ટિસેપ્ટિક ક્રીમ, આયોડિન, શરદી અને તાવ માટે મેડિકલ કીટ પેક કરો.
7. મુસાફરી દરમિયાન વચ્ચે પાણી પીતા રહો અને કોશિશ કરો કે પેટ ખાલી ન રહે.
8. હાઇકિંગ કરતી વખતે વચ્ચે આરામ કરવાનું ચાલુ રાખો.