National

ઉત્તરાખંડમાં સ્કૂલ બસ પલટી, બે ના મોત, ઘણા ગંભીર, બાળ દિવસ પર ફરવા ગયા હતા બાળકો

દેહરાદૂનઃ (Dehradun) ઉત્તરાખંડના (Uttarakhand) ઉધમસિંહનગર જિલ્લાના સિતારગંજમાં બાળ દિવસ (Children’s Day) પર પ્રવાસે ગયેલા બાળકોની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કેટલાય બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બે લોકોના મોતના સમાચાર જણાવવામાં આવી રહ્યા છે. જેમાંથી એક વિદ્યાર્થી (Student) અને મહિલા સ્ટાફ હોવાનું કહેવાય છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ (Pushkar Dhami) આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

  • ઉત્તરાખંડમાં સ્કૂલ બસ પલટી, બે ના મોત
  • અકસ્માતમાં કેટલાય બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે
  • સીએમ પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર બાળ દિને વેદારામ સ્કૂલના બાળકોની બસ નાનકમત્તાથી ફરીને આવ્યા બાદ સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસમાં બાળકો અને સ્કૂલ સ્ટાફ સહિત 58 લોકો સવાર હતા. બસ જોરદાર રીતે અથડાતા પલટી ગઈ હતી. ઘાયલ બાળકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ધામીએ ટ્વીટ કર્યું
આ ઘટના પર શોક વ્યક્ત કરતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું, “નયાગાંવ ભટ્ટે (સિતારગંજ)માં વેદારામ સ્કૂલ, કિચ્છાની બસના અકસ્માત અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત અને ઘણી વિદ્યાર્થિનીઓ ઘાયલ થવાની ખૂબ જ દુઃખદ માહિતી મળી છે. તમામ ઇજાગ્રસ્તોને વહીવટીતંત્ર દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

સીએમ ધામીએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવાની સાથે તમામ ઘાયલોની મફત સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ અકસ્માતના તપાસના નિર્દેશ પણ આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્કૂલ બસનો ડ્રાઈવર રોંગ સાઈડથી બસ લઈ રહ્યો હતો. દરમિયાન કિચ્છા હાઇવે પર ભીટોરા પાસે બસ એક ઝડપભેર ટ્રક સાથે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ પલટી ગઈ હતી. આ પછી મહૌલ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

Most Popular

To Top