રુદ્રપ્રયાગ: રવિવારે વહેલી સવારે કેદારનાથથી (Kedarnath) ચાર કિલોમીટર ઉપર બરફીલા વિસ્તારમાં જોરદાર અવાજ સાથે હિમપ્રપાત (Avalanche) થયો હતો. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે કેદારનાથ ખીણના ઉપરના છેડે સ્થિત બરફથી ઢંકાયેલ મેરુ-સુમેરુ પર્વતમાળાની નીચે ચૌરાબારી હિમનદમાં ગાંધી સરોવરના ઉપરના વિસ્તારમાં સવારે 5.06 કલાકે હિમપ્રપાત થયો હતો.
રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ચૌરાબારી ગ્લેશિયરમાં સવારના હિમપ્રપાતને કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી અને કેદારનાથ સહિત સમગ્ર વિસ્તાર સુરક્ષિત છે. આ વિસ્તારમાં હિમપ્રપાત એ સામાન્ય કુદરતી ઘટના છે. સવારે કેદારનાથ મંદિરમાં દર્શન માટે ગયેલા ભક્તો પણ આ ઘટનાના સાક્ષી બન્યા અને ઘણા લોકોએ તેને પોતાના મોબાઈલમાં દૃશ્યો કેદ પણ કરી લીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ચોરાબારી હિમનદ અને ગાંધી સરોવર ઉપર હિમપ્રપાતને કારણે બરફનું એક વિશાળ વાદળ તેજ ગતિએ નીચે જતું જોવા મળે છે અને ઊંડી ખાડીમાં ચાલ્યું જાય છે. આ દરમિયાન મંદિર અને અન્ય વિસ્તારોમાં ઉપસ્થિત યાત્રિકો અને અન્ય લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે લગભગ પાંચ મિનિટ સુધી આ કુદરતી ઘટનાને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
8 જૂને પણ ચૌરાબારી હિમનદમાં હિમપ્રપાત થયો હતો. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022માં પણ અહીં ત્રણ વખત હિમપ્રપાત થયો હતો. 2023 ના મે અને જૂનમાં ચૌરાબારીને અડીને આવેલા કમ્પેનિયન ગ્લેશિયરમાં હિમપ્રપાતની પાંચ ઘટનાઓ નોંધવામાં આવી હતી. તે સમયે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ અને વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ આ વિસ્તારનું હવાઈ સર્વે કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિક ટીમે હિમાલયના ક્ષેત્રમાં આ ઘટનાઓને સામાન્ય ગણાવી હતી પરંતુ કેદારનાથ મંદિર વિસ્તારમાં સુરક્ષાને વધુ બહેતર બનાવવા પર ભાર મૂક્યો હતો.