ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માટે ભાજપને જાટ મતદારોની ગરજ પડી છે

ભાજપના નેતા અને ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં ભાજપના સંસદસભ્ય પરવેશ વર્માના ઘરે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૨૦૦ જાટ નેતાઓની બેઠક કરી. કોરોના કાળમાં ચૂંટણી પંચ દ્વારા સભાઓ અને રેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ ભાજપના નેતાઓ સભા કરી શકે છે. તાજેતરમાં કૈરાના ખાતે અમિત શાહ ડોર ટુ ડોર પ્રચાર કરવા ગયા ત્યારે તેમની સાથે ભાજપના ઓછામાં ઓછા ૫૦૦ કાર્યકરો હતા અને અમિત શાહે માસ્ક પણ નહોતો પહેર્યો. ચૂંટણી પંચે ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ માણસોની છૂટ આપી હતી ત્યારે અમિત શાહ ૫૦૦ કાર્યકરોને લઈને પ્રચાર કરી શકે છે, કારણ કે તેમને કોરોના પ્રોટોકોલ લાગુ પડતો નથી. કોરોના પ્રોટોકોલ તો આપણા જેવા આમ આદમીઓ માટે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો ખાસ નાગરિકો છે, માટે તેમને કોરોના વાયરસનો પણ ડર લાગતો નથી. ભાજપે જાટ નેતાઓ સાથે બેઠક કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશના રીસાઈ ગયેલા જાટ મતદારોને લોભાવવાના પ્રયાસો કર્યા હતા, પણ તેમને સફળતા મળી નથી.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની જે ૪૦૩ બેઠકો છે, તેમાંની ૧૩૦ બેઠકો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવેલી છે, જેમાં જાટ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં જાટ મતદારો ભાજપની પડખે રહ્યા હોવાથી તેને ૧૩૦ પૈકી મહત્તમ બેઠકોમાં વિજય મળ્યો હતો, જેને કારણે ભાજપનો સ્કોર ૩૨૦ બેઠકો પર પહોંચી શક્યો હતો. આ વખતે કિસાન આંદોલનને કારણે જાટ મતદારો ભાજપથી નારાજ છે. જાટ નેતા જયંત ચૌધરીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, જેને કારણે જાટ મતો સમાજવાદી પાર્ટી તરફ વળી જાય તેવી સંભાવના છે. ભાજપના નેતા અમિત શાહે જયંત ચૌધરીને ભાજપ સાથે જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે, પણ તેમણે તે નકારી કાઢ્યું છે. તેમણે કિસાન આંદોલન દરમિયાન શહીદ થઈ ગયેલા ૭૦૦ કિસાનોને યાદ કરતાં ટ્વિટ કર્યું છે કે તમારે પહેલાં તે ૭૦૦ કિસાનોના પાયમાલ થયેલા પરિવારને આમંત્રણ આપવું જોઈએ.

ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિનાં સમીકરણો ભાજપની વિરુદ્ધમાં જઈ રહ્યાં છે. ઉત્તર પ્રદેશના દલિત મતો માયાવતી લઈ જાય છે, જ્યારે યાદવ મતો સમાજવાદી પક્ષના ખાતે જાય છે. મુસ્લિમ મતો સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને માયાવતીના બહુજન સમાજ પક્ષ વચ્ચે વહેંચાઈ જાય છે. ભાજપના ફાળે સવર્ણ હિન્દુઓના મતો આવે છે, જેમાં બ્રાહ્મણ ઉપરાંત જાટ અને વેપારી કોમનો સમાવેશ થાય છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ જાટ મતો ઉપરાંત ઓબીસી પૈકી અત્યંત પછાત જાતિના મતો પોતાના ભણી વાળવામાં સફળ થયો હતો, જેને કારણે તેને ઢગલાબંધ બેઠકો મળી હતી. વર્તમાનમાં જાટ મતદારો ભાજપથી વિમુખ થઈ ગયા છે. વળી ઓબીસી પૈકી જે અત્યંત પછાત જાતિઓ હતી તેના મત પણ સમાજવાદી પાર્ટી તરફ વળી ગયા છે, કારણ કે તેમના નેતાઓ સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ નેતા રાકેશ ટિકૈતે કિસાન આંદોલનની આગેવાની લીધી હતી. તેમણે કિસાન મહાપંચાયતો કરી હતી તેમાં લાખોની સંખ્યામાં જાત કિસાનો ઉમટ્યા હતા. કિસાન આંદોલન સમેટી લીધા પછી રાકેશ ટિકૈતે કોઈ ઉમેદવારો ઊભા રાખ્યા નથી પણ તેમણે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાની હાકલ કરી છે, જેનો લાભ સમાજવાદી પાર્ટીને થવાનો છે. જાટ નેતા જયંત ચૌધરીએ તો સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ની ચૂંટણીઓમાં જાટ મતદારો ભાજપની પડખે રહ્યા હતા તેમાં મુઝફ્ફરનગરમાં થયેલાં ૨૦૧૩ના કોમી રમખાણોની બહુ મહત્ત્વની ભૂમિકા હતી. આ રમખાણો મુસ્લિમ કોમ અને જાટ કોમ વચ્ચે થયાં હતાં. આ રમખાણોમાં અનેક જાટ પરિવારો બેઘર થઈ ગયા હતા. જાટ કોમે વળતો હુમલો કરતાં મુસ્લિમોની પણ ભારે પ્રમાણમાં કતલ કરી નાખી હતી. ૨૦૧૩ પહેલાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ અને મુસ્લિમ લોકો સંપીને રહેતા હતા. તેનું કારણ એ હતું કે કેટલાક જાટ લોકો જ વટલાઈને મુસ્લિમ બન્યા હતા, પણ તેઓ પોતાનાં મૂળને ભૂલ્યા નહોતા. ૨૦૧૩ પહેલાં જાટ અને મુસ્લિમ કોમ સમાજવાદી પાર્ટીની તરફદાર હોવાથી ભાજપનો ગજ વાગતો નહોતો. મુઝફ્ફરનગરનાં રમખાણોએ પાસું પલટી નાખ્યું હતું. જાટ કોમ ભાજપની તરફદાર બની ગઈ હતી, જેનું પરિણામ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. હવે કિસાન આંદોલનને કારણે જાટ કોમને લાગે છે કે ભાજપે તેને દગો દીધો છે. જાટ અને મુસ્લિમ કોમો વચ્ચે જે તિરાડ પડી હતી તે હવે સંધાઈ ગઈ છે. કિસાન આંદોલન દરમિયાન જે ૭૦૦ કિસાનો શહીદ થઈ ગયા તેમાં ઘણા જાટ હતા. સરકારે તેમને કોઈ પણ જાતનું વળતર ચૂકવવાનો ઇનકાર કર્યો છે.

મુઝફ્ફરનગરમાં જે હિંસા સળગી ઉઠી તેનું નિમિત્ત હિન્દુ જાટ યુવતીની મુસ્લિમ યુવાનો દ્વારા થયેલી છેડતીની ઘટના હતી. છેડતીનો ભોગ બનેલી યુવતીના બે ભાઇઓએ મુસ્લિમ યુવાનની હત્યા કરી નાંખી હતી. તેનો બદલો લેવા મુસ્લિમ યુવાનોના ટોળાં ભેગા થયા અને તેમણે બે જાટ ભાઇઓની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. આ ઘટનાનો કોઇએ વિડીયો બનાવ્યો અને યુ-ટ્યૂબ ઉપર મૂકી દીધો. હત્યા કરનારા મુસ્લિમ યુવાનો છૂટા ફરતા હતા. ઉત્તર પ્રદેશની પોલીસ તેમની સામે કોઇ પગલાં નહોતી લેતી. બીજી બાજુ યુ-ટ્યૂબનો વિડીયો જોઇને જાટ કોમમાં ભારે રોષનું વાતાવરણ પેદા થયું હતું. ઉત્તર પ્રદેશની સરકાર માત્ર તમાશો જોતી હતી. જે જાટ યુવકોની હત્યા થઈ ગઈ હતી તેમના માતાપિતા ઘટનાસ્થળે હાજર નહોતા; તો પણ પોલીસે હત્યાકેસમાં તેમને આરોપી બનાવ્યા હતા. આ કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ કોમનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો.

૨૦૧૩ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન થયેલાં રમખાણોને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની ખાઇ એટલી પહોળી બની ગઈ હતી કે હિન્દુઓની બહુમતી ધરાવતાં અનેક ગામોના તમામ મુસ્લિમ પરિવારો ભાગીને રાહત છાવણીઓમાં આશરો લીધો હતો. તેવી જ રીતે મુસ્લિમોની બહુમતી ધરાવતાં ગામોમાં હિન્દુઓ પણ જીવ બચાવવા રાહત છાવણીઓમાં આશરો લઇ રહ્યા હતા. ઉત્તર પ્રદેશની સરકારે મુઝફ્ફરનગર અને શામલી જિલ્લાઓમાં ૪૭ રાહત છાવણીઓ શરૂ કરી હતી. તેમાંની સૌથી મોટી છાવણી બસ્સી કલાન ખાતે આવેલી હતી, જેમાં ૧૫૦૦ મુસ્લિમોએ આશરો લીધો હતો. આ ગામમાં આવેલી એક મદ્રેસાને સરકારે રાહત છાવણીમાં રૂપાંતરીત કરી હતી. આ મુસ્લિમો ત્યારે સમાજવાદી પક્ષની સરકારને કહી રહ્યા હતા કે અમને અહીં જ કાયમી રહેઠાણો બાંધી દ્યો; અમે ઘરે પાછા જવા માંગતા નથી.

મુઝફ્ફરનગરનાં રમખાણો ભાજપે નહોતાં કરાવ્યાં, પણ તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ રમખાણો પછી ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી આવી હતી. તેમાં જાટ મતદારો ભાજપની તરફેણમાં રહ્યા હોવાથી ઉત્તર પ્રદેશમાં ભાજપનો જ્વલંત વિજય થયો હતો. સમાજવાદી પાર્ટીને જોરદાર ફટકો પડ્યો હતો અને માયાવતીનો પક્ષ તો ધોવાઈ ગયો હતો. ૨૦૧૬માં ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં આવેલા કૈરાનામાં હિન્દુવિરોધી રમખાણો થયાં તેને કારણે પણ સેંકડો હિન્દુ પરિવારોને હિજરત કરવાની ફરજ પડી હતી. તેનો લાભ ભાજપને ૨૦૧૭માં મળ્યો હતો. હવે કૈરાનામાં અને મુઝફ્ફરનગરમાં શાંતિ હોવાથી ભાજપની મતબેન્ક ખતરામાં મૂકાઈ ગઈ છે.

Most Popular

To Top