Comments

ઉત્તરપ્રદેશ બીજેપીમાં ઘમાસાણ યુધ્ધ

ઉત્તર પ્રદેશમાં બીજેપીની અંદર ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ છે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બીજેપીનો થયેલો પરાજય. સવાલ એ છે કે આ પરાજય માટે જવાબદાર કોણ? કોના કારણે પરાજય થયો? પક્ષના કેન્દ્રીય નેતૃત્વના કારણે કે પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યના કારણે? અહીં થોડી હકીકત પર નજર કરી લઈએ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીને ઉત્તર પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી ૭૧ બેઠકો મળી હતી. સહયોગી પક્ષોને બે બેઠક મળી હતી. આ રીતે એનડીએને ૭૩ બેઠકો મળી હતી. કુલ પડેલા મતોમાંથી ૪૨.૬૩ ટકા મત બીજેપીને મળ્યા હતા. એનડીએને ૪૩.૬ ટકા મત મળ્યા હતા.

૨૦૦૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં બીજેપીની બેઠકમાં ૬૧નો વધારો થયો હતો અને મતમાં ૨૪.૮૦ ટકાનો. કોઈ પણ દૃષ્ટિએ અધધધ કહેવાય. આખો દેશ હેબતાઈ ગયો હતો, કારણ કે ૨૦૧૪ સુધી ઉત્તર પ્રદેશમાં બીજેપી ત્રીજા ક્રમનો પક્ષ હતો. એ પછી ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બીજેપીને કુલ ૪૦૩ બેઠકોમાંથી ૩૧૨ બેઠકો મળી હતી અને સહયોગી પક્ષોને બીજી ૧૦. કુલ મળીને ૩૨૨ બેઠક અને ૪૦ ટકા કરતાં વધુ મત મળ્યા હતા. ૨૦૧૬ના નવેમ્બરથી ત્રણ મહિના નોટબંધીની હેરાનગતી અને તેનો ફિયાસ્કો થયો હોવા છતાંય. દરેકના આશ્ચર્ય વચ્ચે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

એ પછી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી થઈ જેમાં ઉત્તર પ્રદેશમાં બીજેપીને ૬૨ બેઠકો મળી હતી અને સહયોગી પક્ષને બે બેઠકો મળી હતી. ૨૦૧૪ની તુલનામાં બીજેપીને નવ બેઠકોનું નુકસાન થયું હતું, પરંતુ તેને મળેલા મતમાં સાત ટકાનો વધારો થયો હતો. બીજેપીને લગભગ ૫૦ ટકા મત મળ્યા હતા. બેઠકો ઘટવાનું કારણ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનું ગઠબંધન હતું. ૨૦૨૨માં કોવીડના કેર અને ખેડૂતોના આંદોલન પછી તરત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બીજેપીને ૨૫૫ બેઠકો મળી હતી, ૨૦૧૭ની તુલનામાં ૫૭ બેઠકોનો ઘટાડો થયો હતો, પણ બીજેપીને મળેલા મતમાં ૧.૬૨ ટકાનો વધારો થયો હતો. સહયોગી પક્ષોને બીજી ૨૦ બેઠકો મળી હતી. એ સમયે ૫૭ બેઠકો ઘટી હોવા છતાં ખાસ ઊહાપોહ નહોતો થયો, કારણ કે ૨૫૫ બેઠકો કોઈ ઓછી નહોતી.

એ સમયે સમાજવાદી પક્ષને માયાવતી અને કોંગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી કર્યા વિના ૧૧૧ બેઠકો મળી હતી, ૨૦૧૭ની તુલનામાં ૬૪ બેઠકોનો વધારો થયો હતો અને તેને મળેલા મતમાં સીધો દસ ટકાનો વધારો થયો હતો. ૩૨.૧ ટકા મત મળ્યા હતા. માયાવતી રેસમાંથી બહાર થઈ ગયાં અને અખિલેશ યાદવ પ્રતિદ્વંદ્વી તરીકે સ્થાપિત થઈ ગયા. ઉત્તર પ્રદેશના રાજકારણે ૨૦૨૨ પછીથી કરવટ બદલવાનું શરૂ કરી દીધું હતું.

અને છેલ્લે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામ તમે જાણો છો. બીજેપીને ૩૩ બેઠક મળી, ૨૯ બેઠકોનો માર પડ્યો. બીજેપીને મળેલા મતમાં ૮.૬૧ ટકાનો ઘટાડો થયો. આની સામે ઇન્ડિયા ગઠબંધનને ૮૦માંથી ૪૩ બેઠકો અને ૪૩.૫૨ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯ની તુલનામાં સીધો ૧૯ ટકાનો વધારો અને બીજેપી કરતાં બે ટકા વધુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી મતદાર ક્ષેત્ર સહિત દરેક જગ્યાએ બીજેપીના વિજેતા ઉમેદવારોની સરસાઈમાં મોટો ઘટાડો થયો હતો. વડા પ્રધાન મતગણતરી વખતે છ રાઉન્ડ દરમ્યાન પાછળ હતા. જો વીતેલી લોકસભાની ચૂંટણીનાં પરિણામોને વિધાનસભામાં પરિવર્તિત કરવામાં આવે તો બીજેપીનો ૧૭૪ બેઠકો પર વિજય થયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો પરાજય.

બીજેપી માટે આ ચિંતાનો વિષય છે અને માટે મંથન શરૂ થયું છે, પરંતુ એ મંથને વમળનું સ્વરૂપ પકડ્યું છે. પરાજય માટે જવાબદાર કોણ? કેન્દ્રીય નેતૃત્વ કે પછી યોગી આદિત્યનાથ? કે પછી પરાજયને બહાનું બનાવીને પહેલાં યોગી આદિત્યનાથને વધેરી નાખવાનો ખેલ છે? યોગી આદિત્યનાથ હિંદુ આઇકન છે, લોકપ્રિય છે, ઉત્તર પ્રદેશની બહાર પણ તેમની એક ઓળખ છે, બીજેપીના મુખ્ય પ્રધાનોમાં માત્ર તેમને ચૂંટણી પ્રચાર માટે બીજાં રાજ્યોમાંથી આમંત્રણ આવે છે અને એમ કહેવાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમને નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે જુએ છે.

 વિજયારાજે સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણની સાથે જેમ બન્યું હતું એમ. આ સિવાય નરેન્દ્ર મોદીને યોગી માટે અણગમો છે એ પણ એક કારણ છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના ઉત્તરપ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ કેશવપ્રસાદ મૌર્યે મોરચો ખોલ્યો હતો. પરાજય પછી ભાજપના ઉત્તરપ્રદેશ વિધાનસભા પક્ષની બેઠકમાં કેશવપ્રસાદ મૌર્યે કહ્યું હતું કે “સંગઠન સરકાર સે બડા હૈ, કાર્યકર્તાઓં કા દર્દ મેરા દર્દ હૈ.” એમ કહેવાય છે કે તેમના કથનને પક્ષના વિધાનસભ્યોએ અને અન્ય ઉપસ્થિત પક્ષના પદાધિકારીઓએ તાળીઓથી વધાવી લીધું હતું.

કેશવપ્રસાદ મૌર્યનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. તાળીઓ સાંભળીને તેમને એમ લાગ્યું હતું કે હવે પક્ષ તેમની સાથે છે, વિધાનસભ્યો તેમની સાથે છે, યોગી નબળા પડ્યા છે અને નરેન્દ્ર મોદી-અમિત શાહ તો તેમની સાથે જ. હવે સત્તાંતર વહેંત છેટું છે. ઉત્સાહમાં આવીને પક્ષની બેઠકમાં તેમણે જે કહ્યું હતું તે જ વાત “સંગઠન સે બડા કોઈ નહીં, કાર્યકર્તા હી ગૌરવ હૈ” એવું એક વાક્ય ઉમેરીને ટ્વીટ કર્યું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેમના ધ્યાનમાં એક વાત ન આવી કે આ કથન પક્ષના સર્વોચ્ચ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ લાગુ પડે છે અને પાછું યોગી આદિત્યનાથ કરતાં વધુ. કેશવપ્રસાદ મૌર્યે એ ટ્વીટ ડીલીટ કરી નાખી.

પ્રશ્ન એ છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપીનો પરાજય કોના કારણે થયો? એકલા યોગી આદિત્યનાથ જવાબદાર છે? કેશવપ્રસાદ મૌર્ય જે રાજકીય શૈલીની વાત કરે છે તો એ તો યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીની એકસરખી છે. શું તુમાખીના ડબલ એન્જીને કામ કર્યું? જી હા, પહેલું કારણ તુમાખીનું ડબલ એન્જીન છે. બીજું કારણ ચારસો પાર અને મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો એવું વડા પ્રધાનનું કથન છે. બંધારણ અને અનામતની જોગવાઈ જોખમમાં છે એવું લોકોને લાગવા માંડ્યું હતું. ત્રીજું કારણ કાશી અને અયોધ્યા જેવાં યાત્રાધામોને ટુરિસ્ટ પ્લેસમાં ફેરવીને તેનું કરવામાં આવી રહેલું વ્યવસાયીકરણ છે.

મોટાં પ્રમાણમાં લોકોને હટાવવામાં આવ્યા, તેમની સંપત્તિ છીનવી લેવામાં આવી, બુલડોઝર ચલાવવામાં આવ્યા અને બહારનાં લોકો (સ્થાનિક લોકોમાં કહેવા મુજબ ગુજરાતીઓ) જમીનો ખરીદવા લાગ્યાં. તીર્થધામોનું સૌંદર્યકરણ અને વ્યવસાયીકરણ એ નરેન્દ્ર મોદીનો એજન્ડા હતો, યોગી આદિત્યનાથનો નહોતો. આ સિવાય માયાવતીની ઘટતી તાકાત, અખિલેશ યાદવની વધતી તાકાત (જેના સંકેત ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં મળી જ ગયાં હતાં) અને રાહુલ ગાંધીની વધતી સ્વીકાર્યતા તેમના ધ્યાનમાં નહોતી આવી. તેઓ મદમાં હતા અને રામમંદિર પર ભરોસો રાખીને બેઠા હતા.

ટૂંકમાં ઉત્તરપ્રદેશના પરાજય માટે જેટલા યોગી આદિત્યનાથ જવાબદાર છે તેનાથી વધુ નરેન્દ્ર મોદી જવાબદાર છે. બીજું, યોગી આદિત્યનાથ સંઘના માણસ નથી જે અપમાન ખમીને પણ મોઢું બંધ રાખે. શરૂઆતમાં તેઓ બીજેપીમાં જોડાતા નહોતા, એક વાર બીજેપી સામે બળવો પણ કરી ચૂક્યા છે અને બીજેપીમાં જોડાયા પછી પણ તેમણે તેમની હિંદુ યુવા વાહિનીને વિસર્જિત નથી કરી.  યોગી આદિત્યનાથ બળવો કરી શકે એમ છે અને જો લોકસભાની ૮૦ બેઠક ધરાવતા દેશના સૌથી મોટા રાજ્યમાં પક્ષમાં વિભાજન થાય તો ખેલ ખતમ થઈ શકે છે.

અને એમ પણ કહેવાય છે કે સંઘ યોગીને નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે જોઈ રહ્યો છે.  દરમ્યાન ઉત્તરપ્રદેશની વિધાનસભાની દસ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પાંચ બેઠકો પર ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો હતો. માટે કેન્દ્રીય નેતૃત્વએ યોગી આદિત્યનાથને ફ્રી હેન્ડ આપ્યો છે. કરો જે કરવું હોય તે અને દસ બેઠકોમાંથી કમસેકમ છ બેઠકો જીતી બતાવો. કાવડફતવો આનું પરિણામ છે. એક ફકીર અને એક સંન્યાસી લગભગ એક સરખી અવસ્થામાં છે. બીજાને દર્પણ બતાવે તો પોતાનું મોઢું દેખાય. હા, એક ફરક છે; યોગી આદિત્યનાથ રોજેરોજ, કારણ વિના અને વધારે પડતું બોલતા નથી. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top