અમેરિકાના હવાઇ ટાપુ પર ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યા છે અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ તથા બંધ છલકાવાના સર્જાયેલા ભય વચ્ચે કટોકટી જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો માટે પૂરની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી અને ગવર્નર ડેવિડ ઇગેએ આ ટાપુના અલોહા સ્ટેટ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
પ્રચંડ પૂરે જાહેર તથા ખાનગી સંપતિઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ સર્જાઇ હતી અને બંધ છલકાવાનો ભય પણ ઉભો થયો હતો.
પૂરના ભયને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી. જો કે વરસાદનું જોર ધીમું પડતા પૂરની ચેતવણીને અનેક વિસ્તારોમાં પૂર અંગેની સલાહોમાં ફેરવવામાં આવી હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં ૨૭ વર્ષનો એક યુવાન તણાઇ ગયો હતો જેનો આ અહેવાલ મોકલાયા ત્યાં સુધી કોઇ પત્તો ન હતો.