બે – ત્રણ દિવસ પહેલાં સોશ્યલ મીડિયામાં લતાજીના અવસાનના સમાચાર મૂકાયા અને લોકોએ સત્યની ચકાસણી કર્યા વગર આંખ મીચીને ધડાધડ ‘ફોરવર્ડ’ કરી દીધા! જીવિત વ્યકિતને મૃત જાહેર કરતી આવી પોસ્ટ એમનાં કુટુંબીજનોને કેટલી વ્યથિત કરતી હશે? છેલ્લાં થોડાં વર્ષોમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ ખૂબ વધી ગયો છે અને આંખના પલકારામાં મેસેજો અનેક ગૃપોમાં ફોરવર્ડ થઇ જાય છે! પણ કોઇ પણ મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં એના સત્યની ચકાસણી કરવી જરૂરી છે. તેમાંય કોઇ જાતિ કે ધર્મ માટે કોઇ પણ પોસ્ટ સોશ્યલ મીડિયા ઉપર મૂકવામાં આવે ત્યારે તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી બને છે. અન્યથા ઘણી વાર આવી પોસ્ટ સોશ્યલ મીડિયા ઉપર મૂકાયા બાદ અરાજકતા ઊભી કરી શકે છે! તા. ૨૩/૧ ના ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં ફાયરવોલ લેખમાં રાજન ગાંધીએ આ જ કહ્યું છે. ‘સોશ્યલ મીડિયા આપણને એન્ટી સોશ્યલ બનાવી રહ્યું છે’! એનું વ્યસન થઇ જાય છે, એ આત્મવિશ્વાસ ઓછો કરે છે, એ અહંકારને મજબૂત કરે છે. એ વાતનું વતેસર કરે છે! એટલે સોશ્યલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે!
સુરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.